Paryushan 2023 : મનમાં ચાલતા વિચારો વિશે એટલું જ કહી શકાય કે Change anytime. આ એનો સ્વભાવ છે.

ફાઈલ તસવીર
મનમાં ચાલતા વિચારો વિશે એટલું જ કહી શકાય કે Change anytime. આ એનો સ્વભાવ છે. કાચિંડાને રંગ બદલતાં હજી વાર લાગે છે, પણ મનને વિચારો બદલતાં કોઈ જ વાર નથી લાગતી. કાચિંડા કરતાં વધારે ઝડપથી એ રંગ બદલે અને એટલી જ તીવ્રતા સાથે એ નવું રૂપ પણ લે. Range everywhere. આ પણ મનમાં ચાલતા રહેતા વિચારોનો સ્વભાવ છે. હંસ ગટર પાસે જતો નથી અને ગધેડો ક્યારેય નંદનવનમાં જોવા મળતો નથી; પણ આ ગટર અને ગંગાજળ, સ્મશાન અને મંદિર, ભૂત અને ભગવાન, વિષ્ટા અને મીઠાઈ આ તમામના વિચારોમાં મન વ્યસ્ત રહ્યા જ કરતું હોય છે.
Lagague of everybody. આ પણ મનમાં ચાલતા રહેતા વિચારોની જ ખાસિયત છે. સોનીને ત્યાં રહેલા કાંટામાં લોખંડનું વજન હોતું નથી અને હીરાના વેપારીના મનમાં કોલસાના વેપારની ચિંતા હોતી નથી પણ મન જેનું નામ, દુનિયાભરનો બોજો ઉઠાવીને ફર્યા કરતું હોય છે, પણ સબૂર! હૃદયમાં આત્મીયજનો માટે ઊઠતી લાગણીઓમાં એક પ્રકારની લાગણી આ હોય છે કે
Without you nothing. તમારા વિના મારી જિંદગી કંઈ નથી તો હું પોતે પણ કંઈ નથી. ગૌતમ ગણધરના મનમાં પ્રભુ વીર માટે જો આ ભાવ હતો તો હનુમાનજીના મનમાં રામચંદ્રજી માટે પણ આ જ ભાવ હતો.
બીજા પ્રકારની લાગણી એ હોય છે કે With you something, અર્થાત્ તમે જો મારી સાથે છો તો મારી જિંદગીમાં પણ કંઈક છે અને હું પણ કંઈક છું. ઉપાધ્યાય યશોવિજજીના હૃદયમાં ગુરુદેવ નયવિજયજી માટે જો આ ભાવ હતો તો લક્ષ્મણજીના હૃદયમાં રામચંદ્રજી માટે પણ આ જ ભાવ હતો. ત્રીજા પ્રકારની લાગણી આ હોય છે કે ટુગેધર એવરીથિંગ. જો બધા સાથે છીએ તો આપણી પાસે બધું જ છે. શિષ્યોના મનમાં ગુરુકુલવાસ માટે જો આ ભાવ હોય છે તો ભરતના મનમાં રામચંદ્રજી સહિત અયોધ્યાના સમસ્ત પ્રજાજનો માટે આ ભાવ હતો અને ઇન્દોરના એ ફૅમિલીના પણ દરેકેદરેક સદસ્યને એકબીજા માટે આ જ ભાવ છે.
ચાર ભાઈઓ અને ચારેય ભાઈઓ માટેના ફર્નિચરથી સજ્જ બંગલાઓ તૈયાર થઈ ચૂક્યા છે. બંગલામાં જવાનું મુહૂર્ત પણ નીકળી ચૂક્યું છે. સમસ્ત પરિવાર સાથે બેઠો છે અને ત્યારે જ પિતાજીએ પરિવાર સમક્ષ એક વાત મૂકતાં કહે છે. ‘નવા બનેલા ચાર બંગલામાં તમે એક-એક ભાઈ ભલે રહેવા જાઓ પણ હું અને તમારાં મમ્મી, અમે બન્ને તો આ જૂના બંગલામાં જ રહીશું. તમારા સહુનો અમારા પર પ્રેમ ઓછો છે માટે નહીં, પણ વરસોથી આ બંગલામાં રહેવાના કારણે આ બંગલો છોડવાની મારી અને તમારાં મમ્મીની ઇચ્છા નથી.’ પપ્પાની આ વાત સાંભળીને સમસ્ત પરિવાર સ્તબ્ધ થઈ ગયો. ચારેય ભાઈઓએ અને ચારેય ભાઈઓની પત્નીઓએ મમ્મી તથા પપ્પાને સમજાવવાના પુષ્કળ પ્રયાસો કર્યા એ પછી પણ મમ્મી-પપ્પા પોતાના નિર્ણયમાં જ્યારે અડગ જ રહ્યાં ત્યારે ચારેય ભાઈઓએ પોતપોતાના નવા બંગલામાં રહેવા જવાના નિર્ણય પર પૂર્ણવિરામ મૂકી દીધું. પૂરાં વીસ-વીસ વરસ સુધી એ બંગલાઓ ખાલી જ રહ્યા. સમસ્ત પરિવાર મમ્મી-પપ્પા સાથે એક જ બંગલામાં રહ્યો. હમણાં થોડાક સમય પૂર્વે જ મમ્મી-પપ્પા સ્વર્ગવાસી બન્યા અને છતાં એકેભાઈ પોતાના સ્વતંત્ર બંગલામાં રહેવા જવા તૈયાર નથી, કારણ કે તેમનું માનવું છે, Together everything. આશ્ચર્યોનું પણ આશ્ચર્ય લાગે એવી આ ભવ્ય વાસ્તવિકતા છેને?