વ્યક્તિ જીવનમાં મૂલ્ય, નિષ્ઠા, પ્રામાણિકતા અને આદર્શના જોરે એ સ્તરે પહોંચે જ્યાંથી મહાનતાનો માર્ગ શરૂ થતો હોય છે
પર્યુષણ ધર્મલાભ
પ્રતીકાત્મક તસવીર
જીવનને સન્માર્ગ પર લાવી દેવું એ જુદી વાત છે, લાવી દીધા પછી ટકાવી રાખવું એ જુદી વાત છે અને ટકાવી દીધા પછી દોડતું કરી દેવું એ જુદી વાત છે પણ જેની આંખ સામે પરમાત્માની કુલ છ વાતો સતત રહે છે એ આત્મા સત્પ્રવૃત્તિના ક્ષેત્રે પળનોય પ્રમાદ કર્યા વિના સતત આગળ જ વધતો રહે છે.
૧. ટાઇમ અપઃ ઉંમર ભલે વધતી જાય છે, પણ પ્રત્યેક સમય પસાર થાય છે અને મોત નજીક આવે છે. નથી તો સમયને અટકાવી શકાતો કે નથી તો સમયને પાછળ લઈ જઈ શકાતો. સતત વહેતી રહેતી નદી સાગરમાં
ADVERTISEMENT
વિલીન થઈ જ જાય છે એવું નથી પણ બનતું, પણ પસાર થઈ રહેલા જીવનનો પ્રત્યેક સમય જીવનને મોતના મહાસાગર તરફ જ ધકેલતો રહે છે એ નિર્વિવાદ સત્ય છે.
૨. ચેકઅપઃ જીવનનાં આટલાં વરસો પછી દોષોના ક્ષેત્રે મનની સ્થિતિ શી છે? એનું સતત નિરીક્ષણ કરતા જ રહો.
૩. વાઇન્ડ અપઃ શ્રીખંડ ખાવાથી તાવ આવ્યો છે અને ખમણ ખાવાથી ઝાડા થયા છે એનો ખ્યાલ આવી ગયા પછી દરદી જેમ શ્રીખંડ અને ખમણ છોડી જ દે એમ જીવનમાં સ્થિર થઈ ગયેલા દોષોનું મૂળ ગલત નિમિત્તોનું સેવન જ છે એનો ખ્યાલ આવી ગયા પછી સાધક પોતાની જાતને ગલત નિમિત્તોથી દૂર કરીને જ રહે છે.
૪. કિપ અપઃ જીવનમાં જે પણ શુભ અને સુંદરનું સેવન ચાલુ છે, એને પ્રલોભનોનાં આક્રમણ વચ્ચે પણ અને પ્રતિકૂળતાની વણઝાર વચ્ચે પણ ચાલુ જ રાખવું.
૫. કૅચ અપ: જ્યાં પણ શુભના સેવનની તક દેખાય, એને ઝડપી લેવામાં પળનીય વાર ન લગાડવી. શક્ય છે કે એમાં થતો વિલંબ તકને તમારી સામેથી દૂર કરી દે અથવા તો તમારા પુણ્યોદયમાં કડાકો બોલાવી દે.
આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે...
૬. કમ અપઃ કોઈ પણ કારણસર મન હતાશ કે નિરાશ થઈ ગયું હોય, ઉત્સાહ ગુમાવી બેઠું હોય તો સકારાત્મક અભિગમના માધ્યમે એમાંથી બહાર નીકળી જઈ જીવનને પુનઃ સન્માર્ગ પર સ્થાપિત કરી દેવું.
lll
વાત અમદાવાદની છે.
દરરોજ પ્રવચનમાં આવતો એ યુવક આજે પ્રવચનમાં નહોતો આવ્યો. બીજે દિવસે પ્રવચન સાંભળ્યા પછી એ જ્યારે મળવા આવ્યો ત્યારે મેં એને પૂછ્યું,
‘ગઈ કાલે પ્રવચનમાં ગેરહાજર?’ તે યુવક મારી સામે જોતો રહ્યો, ‘કોઈ ખાસ કારણ હતું?’
મારા આ પ્રશ્નનો એણે જે જવાબ આપ્યો એ એના જ શબ્દોમાં.
‘પ્રવચનમાં આવવા ઘરેથી ગાડીમાં નીકળ્યો તો ખરો, પણ મારી ગાડીની આગળ સ્કૂટર પર એક મુસ્લિમ દંપતી પોતાની નાનકડી પૌત્રી સાથે જતું હતું અને અચાનક સામેથી પુરપાટ આવી રહેલી ગાડીએ એ સ્કૂટરને ટક્કર મારી અને એ મુસ્લિમ દંપતી પોતાની પૌત્રી સાથે જમીન પર પટકાયું.
મારી ગાડી મેં રોકી દીધી. જમીન પર પડી ગયેલાં એ ત્રણેયને ઉઠાવી ગાડીમાં હું સીધો હૉસ્પિટલે પહોંચી ગયો. એમના સ્વજન તરીકે મારું નામ લખાવીને મેં એમની ટ્રીટમેન્ટ શરૂ તો કરાવી દીધી, પણ મારા આશ્ચર્ય વચ્ચે તરત એક રિક્ષાવાળો ત્યાં આવી ગયો. મને એણે જોયો અને કહ્યું કે, ‘રસ્તા પર પડી ગયેલા મુસ્લિમ દંપતીનો
સામાન હું લઈને આવ્યો છું. તમે રાખી લો અને એ સાજા થાય પછી એમને આપી દેજો...’
‘તને ખબર શી રીતે પડી કે હું એમને અહીં જ લઈ આવ્યો છું?’
‘તમે એમને ગાડીમાં મૂક્યાં ત્યારે તમારા ડ્રાઇવરને તમે આ હૉસ્પિટલનું નામ કહ્યું હતું, જે હું સાંભળી ગયો હતો. એ હિસાબે આ સામાન હું અહીં લઈ આવ્યો’
‘ગુરુદેવ, એ રિક્ષા-ડ્રાઇવરને ભાડું લઈ લેવાની વાત કરી ત્યારે એણે એટલું જ કહ્યું કે તમે એમને જો હૉસ્પિટલમાં દાખલ કરી શકો છો તો હું આટલું ન કરી શકું?’
એ યુવકની આંખોમાં આંસુ હતાં.
અને મારી આંખોમાં પણ.
આર્થિક રીતે નાનો માણસ પણ જો પરમાત્માની છ વાતોને પોતાની સાથે રાખતો થઈ જાય તો પણ એ કેવું મહાન કાર્ય કરી શકે છે એ વાતનો ગર્વ અમારા બન્નેની આંખોમાં ભીનાશ લાવી ગયો હતો.