આ દુનિયામાં વિવિધ પ્રકારનાં વ્યક્તિત્વ નજરે ચડે છે. તેમાંથી બે પ્રકારના વ્યક્તિત્વની આજે વાત કરવી છે.

પ્રતીકાત્મક તસવીર
આ દુનિયામાં વિવિધ પ્રકારનાં વ્યક્તિત્વ નજરે ચડે છે. તેમાંથી બે પ્રકારના વ્યક્તિત્વની આજે વાત કરવી છે.
1. પેટ્રોલ-પમ્પ પર્સનાલિટી
2. ફાયર-બ્રિગેડ પર્સનાલિટી
કેટલાક લોકોને ભડકા કરવામાં બહુ રસ હોય છે. ગમે ત્યાં જઈને પેટ્રોલ છાંટી આવે. કાનાફૂસી કે ચાડીચૂગલી કરીને બીજાને ભડકાવી આવે. એ ભડકેલી વ્યક્તિ ધમધમાટ કરે એ જોવામાં આવા લોકોને તુચ્છ આનંદનો અનુભવ થાય છે. આવા લોકોને કષાયના ઉદ્દીપક કહી શકીએ. આવા લોકોને ફટાકડા ફોડવામાં રસ હોય છે. વાટ ઉપર દીવાસળી ચાંપીને દૂર ખસી જાય અને પછી ફટાકડા ફૂટે એનો તેમને પાશવી આનંદ આવે છે.
આવા લોકો રોજ દિવાળી તો મનાવે છે, રોજ હોળી પણ મનાવે છે. કોઈકના ઘરમાં હોળી સળગે તે જોવામાં તેમને આનંદ આવતો હોય છે. આવા લોકોને આપણે પેટ્રોલ-પમ્પ પર્સનાલિટી કહી શકીએ. બીજાના કષાયનું ઉદ્દીપન કરવાની આ કુટેવને સાઇકોલૉજીની ભાષામાં આપણે મંથરા સિન્ડ્રૉમ પણ કહી શકીએ.
મંથરાએ કૈકેયીના કાન ભંભેર્યા અને અયોધ્યામાં હાહાકાર મચ્યો. મંથરાના કહેવાથી કૈકેયીએ બે પેન્ડિંગ વચનો રાજા દશરથ પાસે માગી લીધાં. એના કારણે રામચંદ્રજીને ૧૪ વર્ષનો વનવાસ થયો અને ભરતને રાજગાદી મળી.
સમાજમાં ઠેર ઠેર મંથરા ઘટના બનતી રહે છે. મંથરા સ્ત્રી જ હોય એવું જરૂરી નથી. અન્યને લડાવી મારવાનો પણ એક શોખ હોય છે. આ માનસ વિકૃતિ છે. આ પ્રવૃત્તિ માટે નારદવેડા શબ્દપ્રયોગ પણ પ્રસિદ્ધ છે. કોઈના શાંત માનસ સરોવરમાં કાંકરી ફેંકીને તરંગો ઊભા કરીને કોઈના કષાયને પ્રજ્વલિત કરવો તે કોઈના ઘરને આગ ચાંપવા જેવું પાપ છે.
પૂર્વના કાળમાં કોઈ વ્યક્તિ પ્રત્યેના કે કોઈ ધર્મ કે સમાજ પ્રત્યેના દ્વેષને કારણે મંત્રી કે અન્ય કોઈ વગવાળા વ્યક્તિ રાજાને કાન ભંભેરતા અને કાચા કાનના રાજા પાકી ચોકસાઈ કર્યા વિના ક્યારેક ઉતાવળિયું પગલું ભરી લેતા. આવા સત્તાધીશ રાજાઓને ઉશ્કેરીને પોતાને અંગત અદાવત વસૂલ કરવાના કારસ્તાન પણ ઇતિહાસના પાને નોંધાયા છે.
સાતમા નંદરાજાને કોઈએ શકટાલ મંત્રી વિરુદ્ધ કાન ભંભેર્યાં. એને કારણે રાજા મંત્રી પર અત્યંત કોપાયમાન થયા. મોટી અફત આવશે તેમ માનીને શકટાલ મંત્રીએ પ્રાણત્યાગ કર્યો. પાલક નામના મંત્રીએ આચાર્ય ખંધકસૂરિ વિરુદ્ધ દંડક રાજાના કાન ભંભેર્યા. દંડક રાજાએ તેમને જે કડક શિક્ષા કરવી હોય તે કરવાની સત્તા પાલકને આપી. પાલક મંત્રીએ આચાર્ય તથા તેમના ૫૦૦ શિષ્યોને યાંત્રિક ધાણીમાં પીલી નાખ્યા.
એક સત્ય ઘટનામાં ટોમી નામના બીજા ધોરણમાં ભણતા છોકરાને ચોથા ધોરણના એક છોકરાએ કાચી કેરીનો ઘા કરીને માર્યો. તે રડતો-રડતો ઘરે આવ્યો. તેના મોટાભાઈ જોનીએ તેના રડવાનું કારણ જાણીને કહ્યું, આ રીતે રડવા શું બેઠો છે? તું શા માટે રડે છે? રડીશ નહીં. લે આ પથ્થર, કાલે તેને મારીને આવજે. કેરીનો જવાબ પથ્થરથી આપવાનો હોય?
તે ઘરમાં રોજ રાત્રે એક પ્રાર્થના બોલાતી, હે પરમ પિતા, જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તમે પણ અમારા અપરાધોની ક્ષમા કરો અને અમને સ્વર્ગમાં પરમ સુખ આપો.
ટોમી તો રાત્રે એ પ્રાર્થના ન બોલ્યો. પરિવારના વડીલ દાદાએ પૂછ્યું, કેમ આજે પ્રાર્થના બોલવાની ના પાડી તેં? તેણે કહ્યું, જે ફાધરે આ પ્રાર્થના શીખવી હતી તેમણે કહ્યું હતું કે આપણા અપરાધીને ક્ષમા આપ્યા વગર આ પ્રાર્થના બોલીએ તો પ્રાર્થનાનો અર્થ એ થાય કે જેમ અમે અમારા અપરાધીને માફ નથી કરતાં તેમ તમે પણ અમારા અપરાધોને માફ નથી કરતા. સ્વર્ગના સુખને બદલે અમને નરકની પીડાઓ આપો.
દાદાએ આ આખી ઘટના જાણીને જોનીને ઠપકો આપ્યો, કે કોઈના ક્રોધને ઉશ્કેરવાનો હોય કે ઠંડો પાડવાનો હોય?
કોઈના મનમાં અન્ય વ્યક્તિ પ્રત્યે વેરભાવના કે દ્વેષભાવના જાગે તેવી ઉશ્કેરણી કરવી તે જેના માટે ઉશ્કેરણી કરીએ છીએ તેના પ્રત્યેનો તો અપરાધ છે જ, પણ જેને ઉશ્કેરો છો તેના પ્રત્યેનો ઘોર અપરાધ છે. કોઈના શાંત મનને અશાંત બનાવવાનો આપણને શું અધિકાર છે?
પેટ્રોલ છાંટીને કોઈના કષાયના અગ્નિને પ્રજ્વલિત કરવાને બદલે જલ છાંટીને કોઈના પ્રજ્વલિત કષાયને શાંત કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
પોતાના બે શિષ્યોમાંથી એક હંસ મુનિની હત્યા અને પરમહંસ મુનિના અપમૃત્યુથી બૌદ્ધ સાધુઓ પ્રત્યે અત્યંત ક્રોધાવિષ્ટ બનેલા જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ બાદમાં બૌદ્ધ સાધુઓને હરાવીને ૧૪૪૪ બૌદ્ધ સાધુઓને મૃત્યુદંડની સજા કરવાની તત્પરતા બતાવી. તેમના ગુરુ જિનભટ્ટસૂરિને આ વાતની ખબર પડી. શિષ્ય આચાર્યના કષાયને ઠારવા વેર પરંપરાના કેવા ભયાનક અંજામ હોય છે એ દર્શાવતા ત્રણ શ્લોક લખીને મોકલ્યા. એ ત્રણ શ્લોકમાં ગુણસેન અને અગ્નિ શર્માની ભયાનક વેર પરંપરાના નવ ભવનાં નામ લખેલાં હતાં. વિદ્વાન હરિભદ્રસૂરિને માટે આ ત્રણ ગાથા કષાયની આગ ઠારનારા લાયબંબા પુરવાર થયા. કષાય તો શાંત થયો પણ જે માનસિક કષાય થયો એનો ભારે પશ્ચાત્તાપ થયો. એનું પ્રાયશ્ચિત્ત ગુરુભગંવત પાસે માગ્યું. ગુરુ ભગવંતો તેમને ૧૪૪૪ ગ્રંથોની રચના કરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું અને જૈન શાસનને ૧૪૪૪ મહાન ગ્રંથોની ભેટ મળી.
કોઈના દુઃખમાં નિમિત્ત બનવું એ પાપ છે, પણ કોઈના ક્રોધાદિ કષાયમાં નિમિત્ત બનવું એ મહાપાપ છે. કોઈના દુઃખનું નિવારણ કરવું એ પુણ્ય છે, પરંતુ કોઈના કષાયને ઠારવા એ મહાપુણ્ય છે.
(અહેવાલ: જિનવાણી
જૈનાચાર્ય વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.)