કહેવાય છે કે સુખ જો પ્રિયજનો સાથે મળીને માણવામાં આવે તો એનો આનંદ બમણો થઈ જાય છે અને દુઃખના સમયે પ્રિયજનો સાથે દુઃખ અડધું થઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર
એવું કહેવાય છે કે તમે કેટલું ધન કમાયા એ નહીં, જીવનમાં કેટલા સ્થાયી સંબંધો બનાવ્યા એ મહત્ત્વનું છે. મહાપુરુષોના મત મુજબ દરેક માણસના જીવનમાં ઓછામાં ઓછા ચાર લોકો તો એવા હોવા જોઈએ જે તેને મૃત્યુ બાદ સ્મશાન સુધી લઈ જઈ શકે. કહેવાનો ભાવ એ છે કે જો આપણે ધન અને અન્ય વિનાશક વસ્તુઓ પાછળ દોડવાને બદલે સારા અને સાચા સંબંધો માટે પોતાનો સમય ફાળવીશું તો આપણું જીવન અત્યંત નફાકારક અને અર્થપૂર્ણ બની જશે.
કહેવાય છે કે સુખ જો પ્રિયજનો સાથે મળીને માણવામાં આવે તો એનો આનંદ બમણો થઈ જાય છે અને દુઃખના સમયે પ્રિયજનો સાથે દુઃખ અડધું થઈ જાય છે; પરંતુ અફસોસ કે આજે ભૌતિકવાદની દોડમાં શિક્ષણના વર્તમાન સ્વરૂપે લોકોની માનસિકતા અને માન્યતાઓ એટલી હદે બદલાવી દીધી છે કે સંબંધોનું મહત્ત્વ આજે એક મોટો પ્રશ્ન બની ગયો છે.
ADVERTISEMENT
૫૦ વર્ષ પહેલાંના સામાજિક વાતાવરણમાં પોતાપણાની ગરિમા દેખાતી હતી એ ગરિમાની ઉષ્માનો વર્તમાનમાં અભાવ દેખાઈ આવે છે. બદલાવના આ કાળમાં સંબંધોમાં જાણે શિથિલતા આવી ગઈ છે. આજની નવી પેઢી સામાજિક પરંપરાને રૂઢિચુસ્ત માનીને એમને ખૂબ જ સરળતાથી ટાળવાનું શીખી ગઈ છે. સંયુક્ત કુટુંબની ‘આપણે’ની ભાવના હવે એકલ કુટુંબમાં ‘હું’માં પરિવર્તિત થઈ ગઈ છે. જ્યાં પહેલાં એક કુટુંબમાં પાંચથી છ બાળકો હસતાં-રમતાં જોવા મળતાં ત્યાં આજે માત્ર એક અથવા બે બાળકો જ જોવા મળે છે અને આગળ જતાં તો કદાચ લોકો બાળકને જન્મ આપવાનો વિચાર જ નહીં કરે. આવા વાતાવરણમાં તો હવે એવું લાગે છે કે સંબંધોની ડોર ધીમે-ધીમે કપાઈ રહી છે અને એક સમય એવો આવશે કે ભાઈ-બહેન, કાકા-મામા, માસી-ફોઈબા જેવા સંબંધો જોવા કે સાંભળવા પણ નહીં મળે. શું આપણા રાષ્ટ્રપિતા બાપુ ગાંધીએ આવા રામરાજ્યની કલ્પના કરી હતી?
આજે માતા-પિતા અને શિક્ષકોની એ જવાબદારી હોવી જોઈએ કે તેઓ પ્રતિસ્પર્ધાના આ યુગમાં બાળકોને ઉચ્ચ શિક્ષિત કરતાં પહેલાં સંસ્કારોનો પાઠ પાકો કરાવે અને તેમના જીવન-વિકાસની જમીનમાં નૈતિકતાનું બીજારોપણ કરે. ભવિષ્યમાં આવનારો સમય અનેક પ્રકારની પ્રતિકૂળતાઓથી ભરેલો હશે એટલે એવા સમયે યુવાનોને મક્કમ રહેવાની, સમસ્યાઓનો સામનો કરવાની અને સંજોગોને કાબૂમાં રાખવાની તાલીમ આપવી અત્યંત જરૂરી બની જાય છે. યાદ રહે, જો સમાજમાંથી સંબંધોની મીઠાશને ખતમ કરી દેવામાં આવશે તો સંપૂર્ણ સમાજ ઝેરી બની જશે. અતઃ સમજદારી એમાં જ છે કે આપણે ભાવિ પેઢીને પરસ્પર સ્નેહ-સંબંધ રાખતાં શીખવીએ જેથી તેઓ એક સુખમય અને શાંતિમય જીવન જીવી શકે.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી (રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)

