ન નવકાર સાથે કંઈ લેવાદેવા કે ન દેવદર્શન સાથે કોઈ સીધો સંબંધ. ન ઉપયોગિતાનો ખ્યાલ અને ઉપકરણનો કે ન ભયંકરતાનો ખ્યાલ અને અધિકરણનો.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ધર્મના માર્ગે એ યુવકની પા-પા પગલી જ હતી. ન ઓળખાણ પ્રભુની કે ન ઓળખાણ ગુરુની. ન સમજ પડે સામાયિકમાં કે ન ખ્યાલ આવે પ્રતિક્રમણમાં, ન વિધિ આવડે ગુરુવંદનની કે ન વિધિ આવડે પ્રભુદર્શનની. ન નવકાર સાથે કંઈ લેવાદેવા કે ન દેવદર્શન સાથે કોઈ સીધો સંબંધ. ન ઉપયોગિતાનો ખ્યાલ અને ઉપકરણનો કે ન ભયંકરતાનો ખ્યાલ અને અધિકરણનો.
હા, પ્રવચન-શ્રવણનો રસ તેને ગજબનાક, સરળતા તેની ભારોભાર અદ્ભુત. વિસ્મયભાવ તેનો ખૂબ મસ્ત, સ્વભાવ તેનો ખૂબ જ સરસ. વાણીમાં મીઠાશ અને આંખોમાં તેનું ભોળપણ.
ADVERTISEMENT
આવો યુવક પ્રવચન પહેલાં બેઠો હતો મારી નજીક અને હું વંદન કરવા આવનારાનાં મસ્તક પર નાખી રહ્યો હતો વાસક્ષેપ. એકધારી ચાલતી આ ક્રિયા જોઈને તેણે મને ધીમેકથી પૂછ્યું, ‘આ છે શું?’
‘વાસક્ષેપ.’
મેં જવાબ આપ્યો પણ એ પછી તરત જ તેણે બીજો સવાલ કર્યો.
‘એ શેનો બને?’
‘સુખડનો.’
તરત જ પ્રતિપ્રશ્ન આવ્યો એ યુવાનનો.
‘અમારા મસ્તક પર આપ શું કામ નાખો?’
‘સુખડનો સ્વભાવ જેમ શીતળતા આપવાનો છે એમ અમારા દ્વારા અપાતા આશીર્વાદથી તમારા જીવનમાં શીતળતાનો સદ્ગુણ આવે એ આશયથી અમે સહુના મસ્તક પર વાસક્ષેપ નાખીએ છીએ.’
‘ગુરુદેવ, એક વિનંતી કરું?’
‘બોલ.’
જેવું મેં કહ્યું કે તરત જ તે યુવક બોલ્યો.
‘જીવનમાં અમે પાપ એટલાં બધાં કર્યાં છે કે આપે તો અમને સળગાવી નાખવાની જરૂર છે અને એ માટે અમારા મસ્તક પર વાસક્ષેપ નાખવાની નહીં પણ મરચાંની ભૂકી નાખવાની જરૂર છે. મરચાંની ભૂકી ભલે અમને અહીં જ સળગાવતી. પાપોનો હિસાબ અહીં ને અહીં જ ચૂકતે થઈ જાય એ સારું જ છેને?’
યુવકની આ વિનંતી સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો અને કેવું આત્મજ્ઞાન!
