પરમાત્મા સાથે, ગુરુતત્ત્વ સાથે, પોતાના સમપર્ણના પાત્ર સાથે એકાકાર એ જ થઈ શકે છે જે પોતાના અસ્તિત્વના અહંકારથી મુક્ત હોય છે.
પર્યુષણ લેખમાળા
પ્રતીકાત્મક તસવીર
પરમાત્મા સાથે, ગુરુતત્ત્વ સાથે, પોતાના સમપર્ણના પાત્ર સાથે એકાકાર એ જ થઈ શકે છે જે પોતાના અસ્તિત્વના અહંકારથી મુક્ત હોય છે.
સ્વયંના અસ્તિત્વનું વિસર્જન કરવું એ જ હોય છે સ્વયંમાં પરમ તત્ત્વનું સર્જન કરવું.
ADVERTISEMENT
અસ્તિત્વના વિસર્જનમાં કોઈ સ્પીડ-બ્રેકર હોય તો એ છે ઈગો - અહંકાર!
મને કોઈની જરૂર નથી, આ છે ego અને બધાને મારી જરૂર છે, આ છે super ego!
ઈગો વ્યક્તિમાં શાને કારણે આવે?
જેટલો પરિગ્રહ વધારે એટલો અહંકાર વધારે!
વસ્તુનો પરિગ્રહ તો હજી પણ છૂટી જાય, કેમ કે વસ્તુ તો તૂટી જાય, ખોવાઈ જાય, ખરાબ થઈ જાય, પણ બુદ્ધિનો પરિગ્રહ છોડવો બહુ કઠિન હોય છે.
હું આજે ૭-૮ વાક્યો કહું છું. તમે તમારી જાતને ચેક કરો અને કન્ફેસ કરો કે આમાંથી કેટલાં વાક્યો તમે બોલો છો.
૧. મને કોઈની જરૂર નથી.
૨. બધાને મારી જરૂર પડે છે.
૩. મને તમારી ક્યારેય જરૂર નહીં પડે.
૪. તમે મને ઓળખતા નથી.
૫. મારું લેવલ શું છે એની તમને ખબર નથી.
૬. તમારામાં ક્યાં બુદ્ધિ છે?
૭. મારામાં તમારા કરતાં વધારે અક્કલ છે.
૮. તમારામાં તો કોઈ કૅપેસિટી જ નથી.
જ્યાં સુધી આવા પ્રકારની માનસિકતા છે ત્યાં સુધી ક્ષમાની ભાવના શક્ય નથી.
લોભનું ફળ કદાચ આ ભવે મળે કે ન મળે, પણ ઈગોનું રિઝલ્ટ તો ૪૮ મિનિટમાં મળી જાય, માટે જ ઈગોને ઇન્સ્ટન્ટ પોઇઝન કહેવાય છે.
મોટા ભાગે વ્યક્તિનો ઈગો પોતાની પ્રગતિ માટે ઓછો અને બીજાનું અપમાન કરવામાં વધારે વપરાતો હોય છે.
જે આજે બીજાનું અપમાન કરે છે, એ જ અંતે અસહાય દશામાં પ્રવેશે છે.
એવા ઘણા વ્યક્તિઓ છે જેમની પાસે કરોડોની સંપત્તિ હતી તેઓ આજે અન્યના સહારે જીવનનિર્વાહ ચલાવે છે.
જૈનદર્શન એવું માને છે; જે સબ્જેક્ટનો તમને અહંકાર આવે, એ સબ્જેક્ટનો અધિકાર તમે ગુમાવી દો છો.
આપણો અધિકાર જ આપણા અહંકારનું કારણ બને છે.
જેઓ કહેતા હોય કે હું તો હસતાં-રમતાં અઠ્ઠાઈ કરી લઉં, તેને જ ત્રીજે દિવસે એવો માથાનો દુખાવો થઈ જાય કે પારણું કરવું પડે.
તમે છેલ્લાં કેટલાંક વર્ષોથી જેને ક્ષમાપના કરવા નથી ગયા, જેને તમે સૉરી નથી કહી શકતા, તો તમારી એ ક્ષમાપનાનું સ્પીડ-બ્રેકર તમારો ઈગો છે.
જે તમારો ઈગો સેટિસ્ફાઈ કરે, તેમની ક્ષમાપના કરવી બહુ ઇઝી હોય છે, પણ જે તમારા ઈગોને હર્ટ કરે, તેમને ક્ષમાપના કરવી બહુ ડિફિકલ્ટ હોય છે.
તમારાં પુણ્ય, તમારા ગુડલક જ તમારા ઈગોનું બૂસ્ટર હોય છે.
જેટલાં પુણ્ય વધારે એટલાં સુખ, સાધનો અને સામગ્રીઓ વધારે અને એટલો અહંકાર પણ વધારે!
અહંકારને વધારે એ પુણ્ય છે.
જેટલો અહંકાર વધે એટલાં પુણ્ય ઘટે.
મારી પાસે ગાડી, આઇફોન, ફાર્મહાઉસ છે; મારી પાસે આ છે, મારી પાસે આટલું છે, પણ યાદ રાખવા જેવું છે કે ૬૦ માળનું બિલ્ડિંગ પણ ૯ સેકન્ડમાં ધરાશાયી થઈ શકે છે. ભલભલાનો અહંકાર પળમાં નાશ કરી નાખે એવી તાકાત કર્મોમાં રહેલી છે, કર્મની તાકાત ક્ષણભરમાં અહંકારીને અસહાય બનાવી દે છે.
આપણી પાંચ ઇન્દ્રિયો - આંખ, નાક, કાન, જીભ અને કાયા પણ અહંકારને વધારે છે અને આ પાંચ ઇન્દ્રિયોમાં સૌથી વધારે અહંકાર કરાવે એ ઇન્દ્રિય eyes છે.
Eyes જ સૌથી વધારે ‘I’ કરાવે છે. એક ઇન્દ્રિય માત્ર આઈઝ ન હોય તો પણ વ્યક્તિ અસહાય બની જાય છે.
તમારી લાઇફમાં તમારા ઈગોને સેટિસ્ફાઈ કરનારા ઘણા હશે, તમારા ઈગોને હર્ટ કરનારા પણ અનેક હશે, પણ તમારી લાઈફમાં જો હથોડા મારીને તમારા ઈગોને ચૂર-ચૂર કરી દેનારા એક ગુરુ હશે તો તમે ક્યારેય અસહાય દશામાં નહીં આવો.
તમારા અહંકારને પંપાળે એ નહીં, પણ તમારા અહંકારને પછાડે એ તમારા ગુરુ હોય.
ગુરુ પાસે જઈએ ત્યારે જ્ઞાનની, માળાની કે અન્ય કોઈ વિનંતી ન કરવી જોઈએ, પણ એક જ વિનંતી કરવી જોઈએ, ગુરુદેવ! મારો ઈગો ઝીરો થાય, મારો અહંકાર તૂટી જાય એવી મને આજ્ઞા આપો, ગુરુદેવ! મને એવા પ્રયોગ કરાવો.
યાદ રાખો, અહંકાર આપણી અસહાય દશાની આમંત્રણપત્રિકા છે.
અહંકારથી મુક્તિ અરિહંતતાની પ્રાપ્તિ કરાવે છે.
અહંકાર શૂન્ય થાય તો ક્ષમા સ્ટ્રૉન્ગ થાય. ક્ષમા હોય ત્યાં શાંતિ અને સમાધિ હોય.
અહંકાર છૂટે તો સહાયરૂપ બનાય અને જે સહાયરૂપ બને છે તે ક્યારેય નિઃસહાય બનતા નથી.
તમારા અહંકારને તોડી શકે એવું જગતમાં એકમાત્ર તત્ત્વ છે ગુરુ! ગુરુ તમારા અહંકાર પર સમજના હથોડા મારી, તમારા અહંકારને ચૂર-ચૂર કરી દે છે. ગુરુ તમારા હાર્ટ અને તમારા બ્રેઇન સુધી પહોંચી તમારા ઈગોને ઝીરો કરાવી દે અને તમારી ભૂલ ન હોય તો પણ એની સજા આપે.
ભૂલ કરી હોય અને ભૂલ બતાવે તે ‘મા’ કહેવાય અને ભૂલ થવાની હોય, એ પહેલાં જ તમારી ભૂલ બતાવી દે એ ‘ગુરુ’ કહેવાય.
તમારી ભૂલ હોય અને તમે બતાવતાં ડરો અથવા તમારી ભૂલ હોય અને કોઈ તમને બતાવતાં ડરે તો આ બન્નેનું કારણ તમારો ego હોય!
ઈગોને ઘટાડવા નમ્રતાને વધારો.
અહંકારનું મૃત્યુ થાય છે ત્યારે નમ્રતાનો જન્મ થાય છે.
અહંકારનું મૃત્યુ થાય છે ત્યારે ક્ષમાપના ઉત્સવ બને છે.
અહંકારને છોડવા માટે જીવનના વ્યવહારમાં નમ્રતા આવે તો જીવનનો પ્રત્યેક વ્યવહાર ધર્મ બની જાય.
અહંકાર ઓગળે તો અસ્તિત્વ ઓગળે અને અસ્તિત્વ ઓગળે તો પરમાત્મા સાથે એકાકાર થવાય.
પરમાત્મા સાથે એકાકાર થવું એ જ પર્યુષણની સાર્થકતા છે.
અહંકારને છોડવા કરો પ્રયોગ ઃ
અહંકારને છોડવા વારંવાર નાના-નાના પ્રયોગ કરવા જોઈએ.
જેમ કે કામવાળા બહેનને સોફા પર બેસાડી, તેની સામે જ ઘરમાં ઝાડુ-પોતાં કરવાં, ઊંધાં વસ્ત્રો પહેરી બહાર જવું. એ સમયે કદાચ કોઈ પૂછે અથવા કોઈ હસે...
ત્યારે જો શાંતિ અને સમભાવ રાખી શકો તો ઈગો ઘટ્યો કહેવાય!
(અહેવાલ: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.)