શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રદ્ધા સાથે જોડાયેલી દરેક ચીજવસ્તુની એક આવરદા છે અને એ આવરદા પૂરી થતાં પહેલાં એનો નિકાલ થવો જોઈએ, જેથી એ માત્ર શરીર કે ઘરમાં ટીંગાડી રાખેલી વસ્તુ બને એ પહેલાં એને યોગ્ય સ્થાન મળી જાય
પ્રતીકાત્મક તસવીર
કહ્યું એમ રાખડીને સાચવી રાખવી એ આજના સમયમાં ભાઈની બહેન તરફની દરકાર ગણવામાં આવવા માંડ્યું છે તો છ-આઠ-બાર મહિના સુધી હાથમાં બાંધેલા દોરા-ધાગા સાચવી રાખવા એને પણ એક પ્રકારની શ્રદ્ધામાં ખપાવવામાં આવે છે. જોકે એવું નથી. ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી તમામ ચીજવસ્તુઓનો એક પાવર હોય અને એ પાવર સમય જતાં ક્ષીણ થતો હોય છે તો કેટલીક વાર એ ચીજવસ્તુઓને લાંબો સમય સાથે રાખીને વ્યક્તિ અમુક અંશે એ આસ્થા પર જવાબદારીનું વજન પણ મૂકતો જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રદ્ધા સાથે જોડાયેલી દરેક ચીજવસ્તુની એક આવરદા છે અને એ આવરદા પૂરી થતાં પહેલાં એનો નિકાલ થવો જોઈએ, જેથી એ માત્ર શરીર કે ઘરમાં ટીંગાડી રાખેલી વસ્તુ બને એ પહેલાં એને યોગ્ય સ્થાન મળી જાય.
આમ તો આ પ્રકારની ચીજવસ્તુઓની યાદી લાંબી છે જે લોકોના શરીર પર કે ઘરમાં ટકી રહે છે, પણ મુખ્યત્વે જેનો સમાવેશ યાદીમાં છે એની વાત કરીએ.
૧. રાખડી. રક્ષાબંધન પછી હાથમાં બાંધેલી રાખડી એકવીસ દિવસ સુધી ટકે તો એને શુભ માનવામાં આવે છે, પણ જો એ એકાવન દિવસથી વધારે હાથમાં રહે તો એનામાં રહેલું સત્ત્વ ઓસરી જતું હોય છે. માટે એકાવન દિવસ પછી કોઈ પણ શુભ દિવસે રાખડીને હાથમાંથી વિદાય આપવી જોઈએ. વચ્ચેના સમયમાં પણ જો રાખડીને કોઈ જાતનું ડૅમેજ થાય કે એમાંથી કોઈ વસ્તુ ખરી જાય તો પણ એ રાખડીને હાથમાંથી વિદાય આપવી જોઈએ. હાથમાંથી કાઢેલી રાખડી નદીમાં પધરાવવી જોઈએ, પણ જો નદી સુધી જઈ શકતા ન હો તો એને મંદિરમાં કે પછી મંદિરમાં રહેલા પીપળાના ઝાડે મૂકવી જોઈએ.
ADVERTISEMENT
૨. હાથમાં પહેરેલા કોઈ પણ પ્રકારના ધાર્મિક દોરા-ધાગાનો નિકાલ પણ સૂચના મુજબ કરવો જોઈએ. ધારો કે એવી કોઈ સૂચના આપવામાં ન આવી હોય તો એકાવન દિવસ પછી એનો પણ નિકાલ કરવો જોઈએ. જો એ દોરા-ધાગામાં પણ કોઈ દેખીતું નુકસાન થયું હોય કે પછી એમાંથી થ્રેડ છૂટા પડવા માંડ્યા હોય તો એને શરીરથી દૂર કરવો જોઈએ. રાખડીની જેમ જ એનો પણ નદીમાં કે મંદિરે ત્યાગ કરવો જોઈએ.
૩. હાથમાં બાંધેલા રાખડી કે દોરા-ધાગાને ક્યારેય કાતર કે અન્ય ધારદાર ચીજથી કાપવા જોઈએ નહીં. જો દોરો લાંબો હોય તો પણ એને કાપવો નહીં. દોરાને કાપવા કે પછી હાથમાંથી કાઢવા માટે આગની આછી અમસ્તી ઝાળનો ઉપયોગ કરવો. અગરબતી પ્રકટાવીને એનાથી પણ દોરો કાપી શકાય છે.

