‘કુટુંબ સંયુક્ત છે?’ બહેને કહ્યું, ‘અમે અલગ રહીએ છીએ. સાસુ-સસરા બહારગામ મારા દિયર સાથે રહે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પ્રવચન પછી લોકો ફરિયાદ લઈને આવે એવું બનતું હોય છે પણ એક અનુભવ એવો થયો જેણે દિલ ખુશ-ખુશ કરી દીધું. એક બહેન તેમના પતિ સાથે રૂબરૂ મળવા આવ્યાં.
‘ગુરુદેવ, કેટલીક વાતો કરવી છે.’ બહેન બોલ્યાં અને તરત જ ચોખવટ પણ કરી, ‘જીવન માટે કોઈ ફરિયાદ નથી, કોઈ વેદના નથી. પરિવાર તરફથી સંસ્કારો એટલા સરસ મળ્યા છે કે જીવન ખૂબ પ્રસન્નતાથી પસાર થાય છે. રોજ પ્રભુપૂજા, બે સામાયિક અને સ્વાધ્યાય તો વર્ષોથી ચાલે છે પરંતુ આ વખતે પ્રભુનાં વચનો સાંભળવાનું જે સદ્ભાગ્ય સાંપડ્યું છે એનો મારા હૈયે પારાવાર આનંદ છે. વાત તો અત્યારે હું એ કરવા આવી છું કે આપે પ્રવચનમાં જે મહાન બનવાની વાત કરી એવી મહાનતા મારા સસરાએ અને સાસુએ બન્નેએ આત્મસાત્ કરી લીધી છે. અતિશયોક્તિ વિના કહી શકું કે મારાં મમ્મી-પપ્પામાં વાત્સલ્યની જે ઊંચાઈ મને જોવા-અનુભવવા નથી મળી વાત્સલ્યની એ ઊંચાઈ મને મારાં સાસુ-સસરામાં જોવા અને અનુભવવા મળી રહી છે.’
ADVERTISEMENT
‘કુટુંબ સંયુક્ત છે?’ બહેને કહ્યું, ‘અમે અલગ રહીએ છીએ. સાસુ-સસરા બહારગામ મારા દિયર સાથે રહે છે. દર વર્ષે બે-ત્રણ મહિના માટે આવે છે અને અમારી સાથે રહે.’
‘વાત્સલ્યનો અનુભવ?’
‘એ જ કહેવું છે. સાસુ-સસરા અમારે ત્યાં આવે એ દિવસથી મારે રસોડામાં જવાનું નહીં!’ બહેનની આંખોમાં ભીનાશ પથરાઈ ગઈ હતી, ‘રસોડું બા સાચવી લે.’
‘આગળની વાત તો કર...’
પતિએ કહ્યું એટલે બહેને વાત આગળ ધપાવી.
‘મારા સસરાએ મારાં સાસુને કહી દીધું છે કે આપણે તો દૂર રહીએ છીએ. આપણા દીકરાને સરસ રીતે સાચવી લેવાની જવાબદારી વહુએ ઉપાડી લીધી છે અને તે ખૂબ વ્યવસ્થિત રીતે એ જવાબદારી નિભાવી જ રહી છે. પણ તકલીફ મોટી એ છે કે વહુ દીકરાને તો ગરમ રસોઈ ખવડાવે છે પણ પોતે તો કાયમ ઠંડી રસોઈ જ આરોગે છે, ઘરમાં બીજું છે કોણ છે જે તેને ગરમ રસોઈ ખવડાવે? તારે એક કામ કરવાનું છે. આ ઘરમાં આપણે જેટલા દિવસ રહીએ એટલા દિવસ રસોઈ તારે જ બનાવવાની અને વહુને ગરમ-ગરમ રસોઈ ખવડાવવાની. માત્ર રસોઈ જ ગરમ ખવડાવવાની એમ નહીં પણ એકેક રોટલી ગરમ કરીને ખવડાવવાની.’ બહેનની આંખમાં હવે આંસુ હતાં, ‘બાપુજી કહે છે કે આપણે દીકરાને તંદુરસ્ત જોવા માગીએ છીએ પણ વહુ જો તંદુરસ્ત નહીં હોય તો દીકરાને તે તંદુરસ્ત શી રીતે રાખી શકશે એટલે તું વહુની તબિયત સરસ બનાવી દે. તે દીકરાને પ્રસન્ન રાખતી જ રહેશે.’
આવા દાનવીર હૈયાવાળા અને મહાનતમ વડીલોનું સદ્ભાગ્ય કેટલાને મળતું હશે એ તમે વિચારજો.


