૨૧ મોદક સૂચવે છે કે જો તમારે શિખરે પહોંચવું હોય તો ક્યારેય ટીમને ભૂલવી નહીં. જે લીડર ટીમને ભૂલે છે તેને જીવનમાં ક્યારેય સફળતાની મીઠાશનો આસ્વાદ કરવા મળતો નથી
ગજાનન : ધ લીડર લેસન
પ્રતીકાત્મક તસવીર
જો તમે જોયું હોય તો ગજાનનના એક હાથમાં મોદક ભરેલો થાળ હોય છે. ભાગ્યે જ કોઈ ભારતીય દેવી-દેવતા હશે જેના હાથમાં આ રીતે કોઈ ફૂડ-આઇટમ હોય. મા અન્નપૂર્ણાના હાથમાં અક્ષત ભરેલો કળશ હોય છે અને તેમની સામે અલગ-અલગ વ્યંજનોના થાળ હોય છે. આવું હોવાનું કારણ પણ એ જ છે કે મા અન્નપૂર્ણા પોતે અન્નનાં દેવી છે એટલે સ્વાભાવિક રીતે તેમના હાથમાં આ પ્રકારની ખાદ્ય સામગ્રી હોય એ સમજી શકાય, પણ અન્ય કોઈ ભગવાન એવા નથી જેમના હાથમાં કોઈ ફૂડ-આઇટમ હોય. સંભવિતપણે ગજાનન એકમાત્ર એવા ભગવાન છે જેમના હાથમાં
મોદક છે.
આપણે ત્યાં ગજાનનની અનેક પ્રકારની મૂર્તિઓ બને છે, પણ એ મૂર્તિઓમાં પણ ગજાનનના હાથમાં મોદક આપવામાં આવે જ છે. હાથમાં મોદક હોય અને ગજાનનની સૂંઢ એ મોદક લેવા માટે હોય એ રીતે મોદકની દિશામાં ઢળેલી હોય. આ એક આદર્શ મૂર્તિની નિશાની છે અને એવું પુરાણોમાં કહેવાયું પણ છે.
ADVERTISEMENT
સ્વાભાવિક રીતે વિચાર આવવો જોઈએ કે હજાર હાથવાળા ગજાનનના હાથમાં મોદક શું કામ?
કેવી રીતે આવ્યા મોદક?
આમ તો મોદક માટે કોઈ ખાસ કારણ એક પણ ગ્રંથમાં મળ્યું નથી, પણ સીધા જ મોદકધારી ગણપતિ દર્શાવવામાં આવ્યા છે અને એવું દર્શાવવામાં આવ્યું છે કે ગજાનનના હાથમાં જે મોદક ભરેલો થાળ છે એમાં ૨૧ મોદક હોય છે. આ ૨૧ મોદકની પાછળ જે દંતકથા છે એ જાણવા જેવી છે. એવું કહે છે કે ગજાનનને ચોવીસ કલાક ખાવાના વિચારો આવતા રહેતા, જેને લીધે જ્યારે રાક્ષસ અજિંક્યકશ્યપને હણવા ગયા એ સમયે મા અન્નપૂર્ણાએ તેમને સાથે મોદક આપ્યા હતા. ૨૧ મોદકે ગજાનનનું પેટ ભરાતું. જોકે મા અન્નપૂર્ણાએ જ્યારે મોદક આપ્યા ત્યારે એમાં એક મોદક ઓછો હતો, જેને લીધે ગજાનનનું પેટ જરા ખાલી રહ્યું. ગજાનન અજિંક્યકશ્યપને હણવાની તૈયારીમાં જ હતા અને એ જ વખતે તેમને પેલો બાકી રહેલો એક મોદક યાદ આવ્યો એટલે તે અજિંક્યકશ્યપને ઢસડતા છેક કૈલાસધામ આવ્યા અને કૈલાસધામના દ્વારથી જ તેમણે મા અન્નપૂર્ણાને સાદ પાડીને બોલાવીને પેલા બાકી રહેલા એક લાડુની પૃચ્છા કરી.
ત્યાં જ રહી ગયેલો એક લાડુ માએ ગજાનનને આપ્યો. એ તેમણે આરોગ્યો અને એ પછી અજિંક્યકશ્યપને હણ્યો. એ દિવસથી એ શિરસ્તો બની ગયો કે ગજાનન જ્યાં પણ જાય ત્યાં તેમને ૨૧ મોદક સાથે આપવામાં આવે અને આ શિરસ્તો ત્યાર પછી ગજાનનની ઓળખ સાથે જોડાઈ ગયો.
હાથમાં મોદક, એક સિમ્બૉલ
મોદક મિષ્ટાન્ન છે અને એ સૂચવે છે કે જો તમારે મોદક સુધી પહોંચવું હશે તો સંઘર્ષ કરવો પડશે. સંઘર્ષ વિના ક્યારેય જીવનમાં મીઠાશ નહીં આવે. મોદક લઈને બેસતા ગજાનનના હાથમાં ૨૧ મોદક છે. શાસ્ત્રોક્ત રીતે આ ૨૧નો આંક શુકનિયાળ છે, પણ વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો ૨૧ મોદક એકબીજા પર સ્થિર ઊભા રહે ત્યારે જ એ શિખર જેવો આકાર લે છે.
જો શિખર ચડવું હોય, જો સફળતાની ચરમસીમા જોવી હોય તો તમારે ક્યારેય ભૂલવું નહીં કે તમે ૨૧ લોકોના એટલે કે તમારી ટીમના ખભા પર છો અને તમારી ટીમે તમારો બોજ પોતાના ખભા પર ઉપાડ્યો છે. જે લીડર પોતાની ટીમને ભૂલે છે એ ટીમ પોતાના લીડરને ક્યારેય યાદ રાખતી નથી. જે લીડર માત્ર પોતાની ઊંચાઈને મહત્ત્વ આપે છે, માત્ર પોતાના કામને કે પછી પોતાની જવાબદારીને મહત્ત્વ આપે છે એ લીડર ક્યારેય સમગ્ર ટીમની લોકચાહના મેળવી શકતો નથી.