ગણેશજીનું વિસર્જન કરવાની પ્રથા ખેડૂતોએ કોઈ જ તિથિ કે તહેવાર વિના શરૂ કરેલી...
ગજાનન : ધ લીડર લેસન
પ્રતીકાત્મક તસવીર
આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી આજે પણ પુરાતત્ત્વ ખાતાને મળતી મૂર્તિઓમાં ગજાનનના પગ પાસે પાત્ર જોવા મળે છે, જે પાત્ર ખેડૂત વર્ગને સમૃદ્ધિ આપવાનું નિશાન છે. સૈકાઓ પહેલાં પાકની લણણી કરતી વખતે ઊતરેલા તૈયાર પાકથી ગજાનનના પગ પાસે રહેલા પાત્રને પહેલાં ભરવામાં આવતું અને એ પછી એ પાકનો ઉપયોગ અંગત ઉપયોગ કે આર્થિક વેચાણ માટે કરવામાં આવતો
ગઈ કાલે કહ્યું હતું એમ ગજાનનને મહાદેવ અને મા પાર્વતીની ત્રણ વાત સદાય પોતાની સાથે રાખી છે. એ ત્રણ વાતમાંથી ભાલમાં રહેલાં ત્રિશૂળના તિલક અને હસ્તરેખા વચ્ચે અંકિત થયેલા મહાદેવના નાદ એવા ઓમકારની વાત આપણે કરી, હવે વાત કરવાની છે મા અન્નપૂર્ણાના પ્રતીક સમાન અક્ષયપાત્રની. ઘણા એને અક્ષતપાત્ર કહે છે કે માને છે પણ ના, એ અક્ષત એટલે કે ચોખા ભરેલું પાત્ર નથી, એ માત્ર પાત્ર છે. એવું પાત્ર જે ક્યારેય ખાલી ન થાય. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં આજે પણ અક્ષયપાત્ર સાથેના ગણપતિની પ્રતિમા મળે છે તો આજે પણ એ રાજ્યોમાં અક્ષયપાત્ર સાથેના ગણપતિનું પૂજન થાય છે.
ADVERTISEMENT
અક્ષયપાત્રના ગજાનન ખેડૂત માટે શુકનિયાળ માનવામાં આવે છે. કિસાનોના ઘરમાં અક્ષયપાત્ર સાથેના ગજાનની સ્થાપના કરવી એ સૈકાઓ પહેલાંની પ્રથા હતી. જ્યારે ખેતરમાં પાક ઊભો થઈ જતો ત્યારે એ પાક ઉપાડ્યા પછી સૌથી પહેલાં આ અક્ષયપાત્ર ભરવામાં આવતું અને ત્યાર પછી જ એ પાકનો અંગત ઉપયોગ કરવામાં આવતો કે બજારમાં એ વેચવાનું કામ થતું.
અક્ષયપાત્ર સાથેના આ ગજાનનનું સ્થાપન કુરુક્ષેત્ર પછી પાંડવો દ્વારા કરવામાં આવ્યું હોય શકે છે એવું અત્યાર સુધીના પુરાતત્ત્વ ખાતા દ્વારા કરવામાં આવેલા સંશોધન દરમ્યાન જાણવા મળ્યું છે.
કેવી રીતે આવ્યું અક્ષયપાત્ર?
પાંડવોને જ્યારે કૌરવો દ્વારા બાર વર્ષના વનવાસ પર મોકલવામાં આવ્યા ત્યારે તેમને રાજમહેલમાંથી કંઈ પણ સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી હતી. ખાલી હાથે રાજમહેલમાંથી રવાના થયેલા પાંડવો માટે શરૂઆતનો સમય તો સરળતાથી પસાર થયો પણ વનવાસ દરમ્યાન ક્યાંય રોકાવું નહીં એવી જે શરત હતી એ શરતના ભાગરૂપે આગળ વધતા જતા પાંડવો આગળ વધતા રહ્યા, જેમાં વરસાદની મોસમમાં અમુક સમય એવો આવ્યો કે ધાન મળ્યું નહીં. પોતે ભૂખ્યા રહેવા તૈયાર હતા પણ દ્રૌપદીને ભૂખી રાખવાનું વાજબી નહીં લાગતાં યુધિષ્ઠિરે મહાદેવની પાસે એનો રસ્તો માગ્યો એટલે મહાદેવે મા અન્નપૂર્ણા પાસે જવાબ માગ્યો. મા અન્નપૂર્ણાએ અક્ષયપાત્રની સ્થાપના કરવાનું કહ્યું, જે એ સમયે ગજાનન પાસે હતું એટલે યુધિષ્ઠિરે ગજાનન સાથેના અક્ષયપાત્રની સ્થાપના કરી અને પછી આ વાત પરંપરા બની.
સદીઓ સુધી દુષ્કાળના સમયે પણ અક્ષયપાત્ર સાથેના ગજાનનની સ્થાપના કરવાની પરંપરા ભારતીય કિસાનોમાં રહી અને એનું અસરકારક પરિણામ પણ મળ્યું તો સાથોસાથ પાત્ર સાથેના ગણેશજીને વિસર્જન કરવાની પ્રથા ભારતીય કિસાનોએ કોઈ જ તિથિ કે તહેવાર વિના જ ઊજવવાની પણ શરૂ કરી.
હવે અન્યનું કલ્યાણ કરો
કહ્યું એમ, કિસાનો માટે અક્ષયપાત્ર સાથેના ગજાનન એ આરાધ્યદેવ બની ગયા હતા અને અગેઇન કહ્યું એમ, જેવો પાક તૈયાર થતો કે સૌથી પહેલાં એ આરાધ્ય દેવનું પાત્ર ભરવામાં આવતું અને એમને ખુશ કરવામાં આવતા. આરાધ્યદેવ એવા ગજાનનનું પાત્ર ભરી એ પાત્રને એમ જ રહેવા દઈ આખા ખેતરમાંથી પાકની લણણી કરવામાં આવતી અને એ પછી બજારમાં વેચવામાં આવતો. બજારમાં વેચાયેલા એ પાકની રકમમાંથી આવેલા પૈસામાંથી શુકનનું ધન એ પાત્રમાં મૂકવામાં આવતું અને એ પછી એ પાત્રધારી ગજાનનને એવા ભાવ સાથે વિસર્જિત કરવામાં આવતા કે અમારાં પાત્રો તેં ભર્યાં, હવે તમે જઈને અન્યનાં પાત્રો આવી જ રીતે ભરો જેથી એનું કષ્ટ દૂર થાય.
આજે તો દોઢ દિવસથી લઈને અગિયાર દિવસ સુધીના ગણેશજી ઘરે પધરાવવામાં આવે છે અને સંકલ્પ મુજબ એમને વિસર્જિત કરવામાં આવે છે પણ અક્ષયપાત્ર સાથેના ગણેશ લાવવા પાછળ કોઈ ચોક્કસ સમયમર્યાદા રહેતી નહીં. એ સમયે માત્ર અને માત્ર પાક ઊભો થાય અને એ પાક બજારમાં વેચાઈ જાય કે પછી જેને આપવાનો હોય એને આપી દેવામાં આવે ત્યાં સુધી ગજાનન રાખવામાં આવતા અને એ આખો વહીવટ પૂરો થતો એ પછી ગજાનનને અક્ષયપાત્રમાં રહેલા પાક અને એમાં ધરવામાં આવેલા શુકનના ધન સાથે પાણીમાં વિસર્જિત કરવામાં આવતા.
કહે છે કે આસામ, નાગાલૅન્ડ અને મિઝોરમ અને પશ્ચિમ બંગાળનાં અમુક ગામોમાં આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. આજે પણ ત્યાં વાવણી કરતાં પહેલાં અક્ષયપાત્ર સાથેના ગણેશજી લાવવામાં આવે છે અને તેમને ખેતરમાં જ સ્થાપિત કરવામાં આવે છે અને લણણી કર્યા પછી એ અક્ષયપાત્ર ભરી, એમાં તૈયાર થયેલા પાક દ્વારા થયેલી કમાણીનો શુકનનું ધન મૂકી એ ગજાનનને વિસર્જિત કરવામાં આવે છે.
ધારો કે એ પાક દ્વારા કોઈ કમાણી કરવામાં ન આવી હોય તો એની માટે પણ નિયમ રાખવામાં આવ્યો છે, જે સૈકા પહેલાં જ બનેલો હતો.
પાક દ્વારા કમાણી ન કરવામાં આવી હોય તો અક્ષયપાત્રની સાઇઝનાં અગિયાર વાસણ થાય એટલું અનાજ અન્ય કોઈ જરૂરિયાતમંદને દાન કરવામાં આવે અને ત્યાર પછી એ ગજાનનને વિસર્જિત કરવામાં આવે. એ જ ભાવથી, આપે અમારું કલ્યાણ કર્યું,
હવે આપ વિદાય લઈ અન્યનું કલ્યાણ કરો.
ગજાનન અને અક્ષયપાત્ર, એક સિમ્બૉલ
અક્ષયપાત્ર, જેમાંથી ક્ષય ન થાય એવું પાત્ર એટલે અક્ષયપાત્ર.
દરેક લીડર પોતાના ટીમ મેમ્બર માટે અક્ષયપાત્ર સાથેના ગજાનન સમાન છે અને અક્ષયપાત્ર સાથેના ગજાનન સૂચવે છે કે લીડર હંમેશાં અક્ષયપાત્ર સાથેનો હોવો જોઈએ, જે પોતાની ટીમની એકેક જરૂરિયાતથી વાકેફ હોય અને સાથોસાથ ટીમની એ જરૂરિયાતને પૂરી કરવાની જવાબદારી પોતાની માનતો હોય.
જો ટીમની જરૂરિયાત પૂરી ન થાય તો નૅચરલી એ ટીમ મેમ્બરના કામમાં દિલદગડાઈ શરૂ થાય અને જો એવું બને તો એની સીધી અસર લીડરના કામ પર દેખાય. એવું ન થવા દેવું એ ફરજ લીડરની છે. જો લીડર એ જવાબદારી ચૂકે, જો લીડર પોતાનું અક્ષયપાત્ર ઉપયોગમાં ન લે કે પછી લીડર આપવામાં કંજૂસાઈ કરે તો એનું પરિણામ લીડરે જ ચૂકવવું પડે; કારણ કે એવી અવસ્થામાં ટીમ તો પોતાની જવાબદારી જ્યાં પૂરી થતી હશે એ જગ્યાએ જવા માટે આતુર થશે.
વાત અહીં માત્ર આર્થિક જરૂરિયાતની નહીં પણ ટીમના વિકાસ માટે મેમ્બર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાથી માંડીને એને સમયસર મળતા માનસિક સહકારની પણ છે એટલે કોઈ લીડરે એવું માનવું નહીં કે દરેક ઘટના માત્ર ને માત્ર અર્થ-સભર હોય છે. જે લીડર નિયમિત સમયે પોતાની ટીમની સરાહના નથી કરતો એ લીડર પોતે કે પછી એને સોંપવામાં આવેલી જવાબદારી ક્યારેય વિકાસના માર્ગ પર આગળ વધતી નથી માટે જો એવું ન કરવું હોય અને વિકાસયાત્રા અકબંધ રાખવી હોય તો અક્ષય-ગજાનનની જેમ અન્ય સૌકોઈની જરૂરિયાત ધ્યાનમાં રાખીએ તેમનું પાત્ર સતત ભરતા રહેવું અને એ જવાબદારી નિભાવતા રહેવું. નારદિય પુરાણમાં કહ્યું છે, જે બીજાનું ધ્યાન પહેલાં રાખે છે એનું ધ્યાન રાખવાની જવાબદારી હજાર હાથવાળો પોતાની ગણતો હોય છે. અહીં પણ એ વાત લાગુ પડે છે. લીડરની જવાબદારી છે કે એ ટીમ મેમ્બર માટે હજાર હાથવાળો બને અને તેમની એકેક જવાબદારીનું ધ્યાન રાખી, તેમની જરૂરિયાત મુજબનું એ સઘળું આપે જેથી તે કર્મચારી તરીકેની ફરજમાંથી ઘડીભર પણ વિચલિત ન થાય.