પ્રકૃતિના ચાહક હો તો આ દિવાળીમાં ઘરને શણગારવા માટે પ્રાકૃતિક ચીજોનો ડેકોરેશન તરીકે ઉપયોગ કરી જુઓ. એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી અને નૅચરલ એલિમેન્ટ્સ ઘરને જીવંતતાથી ભરી દેશે
નાગરવેલનાં પાન, કમળ, હળદરના ગાંઠિયા, કમળકાકડી સાથે ગણેશજી.
ઘર નાનું હોય કે મોટું, દિવાળીમાં બધા પોતાના ઘરને શણગારે છે. સજાવવા માટે અનેક જુદી-જુદી વસ્તુઓનો ઉપયોગ થાય છે. તહેવારોના ઉલ્લાસમાં ક્યાંક પર્યાવરણને હાનિ ન પહોંચે એની કાળજી પણ જરૂરી છે ત્યારે આજે વાત કરીએ માત્ર ને માત્ર નૅચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાના આઇડિયાઝ વિશે. પ્રકૃતિ આમ પણ આ સૃષ્ટિનો શણગાર છે. એનાં પ્રાકૃતિક તત્ત્વોનો ઘરને સજાવવામાં આપણે બધા જ ઉપયોગ કરીએ જ છીએ.
સાચાં ફૂલોની રંગબેરંગી આભા
ADVERTISEMENT
રંગબેરંગી ફૂલો વિના તો દરેક ડેકોરેશન જાણે અધૂરું જ રહે. કેસરી અને પીળા ગલગોટા, સફેદ મોગરા, જાઈ, જુઈ, સેવંતી, પારિજાત, માત્ર ગુલાબી નહીં; અનેક રંગોનાં ગુલાબ, સનફ્લાવર, બારમાસી જેવાં અનેક ફૂલોનો જુદી-જુદી રીતે ઉપયોગ કરીને દિવાળીમાં ઘર સજાવવામાં આવે છે. સૌથી પહેલાં છે ફૂલોની રંગોળી, ફૂલની પાંદડીઓને જુદી-જુદી ડિઝાઇનમાં ગોઠવી એક જુઓ અને એક ભૂલો એટલી સુંદર રંગોળીઓ મન મોહી લે છે.
સુંદર પાનની ગૂંથણી કરેલું લટકણ.
ફ્લાવર વાઝમાં સરસ ફૂલોની ગોઠવણી કરી શકાય. કાચનાં બાઉલમાં પાણી ભરી એમાં ફૂલોની પાંદડીઓ પણ સરસ લાગે છે. સાચાં ફૂલોની રંગીન નાજુક પાંદડીઓ એટલી સુંદર અને મનમોહક હોય છે કે એને સેન્ટરપીસની આજુબાજુ, દીવાની આજુબાજુ, મુખવાસ ટ્રેમાં કોઈ પણ વસ્તુમાં ગોઠવો, સુંદર ઉઠાવ આપે છે. દીવા સ્ટૅન્ડમાં એક ફૂલ અને એક દીવો ગોઠવવાથી પણ સરસ ઉઠાવ આવે છે.
ગલગોટાનાં ફૂલોની લાંબી લડીને જમીન પર કલાત્મક રીતે ગોઠવી રંગોળી, દરવાજા પર લટકાવી તોરણ અને લટકણ તરીકે પણ સજાવી શકાય છે. સફેદ ગજરાને સરસ રીતે ગોઠવી એની આજુબાજુ દીવા કરવાથી પણ સુંદર ઉઠાવ આવે છે.
એક ગોળ રિંગમાં ઇન્વિઝિબલ દોરીથી ગુલાબનાં ફૂલોને લટકાવી સુંદર ઝુમ્મર જેવું લટકણ સરસ ઉઠાવ આપે છે. ડાઇનિંગ ટેબલ પરના લૅમ્પ પરથી ફૂલનાં લટકતાં લટકણ ઍડ ઑન કરવાથી એક સરસ હૅન્ગિંગ તૈયાર થાય છે. કાચના મોટા બાઉલમાં સફેદ પથ્થર અને ફૂલોની ગોઠવણી અને આજુબાજુ ગ્લાસમાં દીવા બહુ સુંદર લાગે છે.
પૂજારૂમમાં લટકતા ઘંટ પર ફૂલ ગોઠવવાથી, ઊભી સમય દીવીમાં અથવા એની આજુબાજુ ફૂલો ગોઠવવાથી પૂજારૂમની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
લીલાં પાનની લાલિમા
કેળનાં પાનને ફોલ્ડ કરીને સુંદર કારીગીરી.
આસોપાલવનાં પાન, નાગરવેલનાં પાન, આંબાનાં પાન, કેળનાં પાન અને બીજાં કોઈ પણ પાનનો સુંદર જુદો-જુદો ઉપયોગ ઘરની સજાવટમાં કરી શકાય છે. સૌથી પહેલાં નૅચરલ તોરણ બનાવવા માટે પાનનો ઉપયોગ થાય છે. આસોપાલવ કે આંબાનાં પાનને બાંધીને, ફોલ્ડ કરીને એકમેકમાં ગોળ વાળીને જોડીને, પાનની ઉપર સુંદર પેઇન્ટિંગ કરીને તોરણ બનાવવામાં આવે છે. પાંચથી સાત પાનને પંખા આકારમાં ફૂલની લડી સાથે જોડીને સુંદર લટકણ બનાવી શકાય છે. નાગરવેલનાં પાનને સુંદર રીતે ગોઠવીને ફૂલની રંગોળીને ઉઠાવ આપવામાં આવે છે. નાગરવેલનાં પાનને કોન આકારમાં ફોલ્ડ કરી એની ઉપર ડિશ મૂકી એમાં કમળ આકારમાં પાન અને એની ઉપર કમળ ગોઠવીને હળદરના ગાંઠિયા અને કમળકાકડી ગોઠવી સુંદર ગણપતિ સ્થાપન, દીવા, લક્ષ્મી ગણેશ કે લક્ષ્મી પગલાં ગોઠવી શકાય છે. કેળનાં પાનને જુદી-જુદી રીતે ફોલ્ડ કરી, પાતળી પટ્ટીઓ કાપી એકમેકમાં ફોલ્ડ કરી સુંદર કલાકૃતિ જેવું ડેકોરેશન મન મોહી લે છે.
કેળનાં પાન બાજુ-બાજુમાં ગોઠવી એના પર ગલગોટાની લડીઓથી સુંદર હોલી બૅકડ્રૉપ કે વૉલ ડેકોર બનાવી શકાય છે. કોઈ પણ વૉલ પર ત્રણ કે પાંચ પાન ફૅન સ્ટીલમાં ગોઠવી એમાં વચ્ચે ફૂલ ગોઠવવાથી સુંદર વૉલ ડેકોર તૈયાર થાય છે. આસોપાલવનાં પાન ફોલ્ડ કરી ફૂલ આકારમાં સ્ટેપલ કરી વચ્ચે ગલગોટાનું ફૂલ સિમ્પલ અને સુંદર લુક આપે છે.
ડાળીઓનો દમદાર ઉપયોગ
થોડી ક્રીએટિવિટી વાપરવાથી ઝાડની સૂકી ડાળીઓ પણ ડેકોરેશનનો ભાગ બની શકે છે. ઝાડની સૂકી ડાળીને રેડ, ગોલ્ડ કે સફેદ રંગથી રંગીને એને દીવાલ પર આડી ફિટ કરી એની પરથી નીચે તરફ બલ્બમાં ફૂલો ગોઠવી થોડા લાઇટિંગવાળા બલ્બ લટકાવી સુંદર વૉલ ડેકોર બની શકે છે. સૂકી ડાળીઓને રંગીને પ્લાન્ટરમાં ગોઠવી કે દીવાલ પર ફ્રેમની જેમ ગોઠવી એમાં નાના બલ્બવાળી સિરીઝ લાઇટ વીંટાળી ગોઠવવાથી એક હટકે ડેકોરેટિવ પીસ રેડી થાય છે.
પંચગવ્ય દીપમ પંચગવ્ય દીપ.
એક ઇકો-ફ્રેન્ડ્લી દિવાળીની ઉજવણી અને પૂજાહવન માટે ગાયનું છાણ, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી મિક્સ કરી ખાસ પંચગવ્ય દીપ બનાવવામાં આવે છે. કેમિકલ વિનાના સૂરજના તડકામાં સૂકવેલા આ ઑર્ગેનિક દીવા પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. ઑનલાઇન આ દીવા ઉપલબ્ધ છે.
થડ કાપીને બનાવેલી નૅચરલ વુડન પ્લેટ
ઝાડના થડને આડું કાપીને બનાવેલી વુડન પ્લેટ ડેકોરેટિવ પીસ તરીકે બહુ સરસ લાગે છે. આ નૅચરલ વુડન પ્લેટ પર કાચના ગ્લાસમાં કે બૉટલમાં પાણી ભરી ફૂલો ગોઠવી સુંદર ટેબલ ટૉપ પીસ બનાવી શકાય છે. આ વુડન પ્લેટ પર દીવા અને ફૂલ ગોઠવીને આકર્ષક સેન્ટર પીસ બનાવી શકાય છે.
તેજાના તેજાનાથી ડેકોરેશન પીસ.
આપણા રસોડામાં વપરાતાં તેજના તજ, લવિંગ, મરી, જીરું, મેથી વગેરે યુઝ કરીને હટકે રંગોળી બનાવવામાં આવે છે. ફૅન્સી ટ્રેમાં તેજાનાથી રંગોળી કરી ડાઇનિંગ ટેબલ પર સેન્ટર પીસ તરીકે મૂકવામાં આવે છે. કૅન્ડલની આજુબાજુ તજના લાંબા પીસ સિંદરીથી બાંધી ડિઝાઇનર નૅચરલ ડેકોરેટિવ કૅન્ડલ બહુ સરસ લાગે છે. લીંબુને ઉપરથી કાપી એનો ગર કાઢી લઈને એમાં મીણ ભરી લવિંગ નાખી નૅચરલ અરોમા કૅન્ડલ પણ વાતાવરણને સુગંધિત અને પ્રકાશિત કરે છે.
વાંસની ટોપલીઓ ટોપલી, ફૂલો અને માટલાની સજાવટ.
નાની-મોટી વાંસની ટોપલીઓ સુંદર રીતે નૅચરલ અથવા રંગ કરી દીવાલ પર સજાવવાથી એક સુંદર વૉલ ડેકોર બને છે. વાંસની ટોપલીને ઊંધી તૂઈ કે ફૂલોની લડી સાથે લટકાવી એના પર ફૂલો લગાવવાથી બહુ સરસ હૅન્ગિંગ તૈયાર થાય છે.

