Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આ પવિત્ર વૃક્ષોની દિવ્યતા મંદિરોની દિવ્યતાથી કમ નથી

આ પવિત્ર વૃક્ષોની દિવ્યતા મંદિરોની દિવ્યતાથી કમ નથી

09 June, 2024 07:40 AM IST | Mumbai
Alpa Nirmal

આજે કોઈ મંદિર કે મૂર્તિઓની પૂજા કે સાધના કરવાની નથી, પ્રકૃતિના ઓચ્છવની અર્ચના કરવાની છે. આજે આપણે જાણીતા તીર્થનાં પ્રભાવશાળી તથા જીવંત વડવૃક્ષોની જાત્રા કરવાની છે. 

પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ

તીર્થાટન

પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ


વૃક્ષપૂજા વૈદિક કાળથી થાય છે. જ્યારે દેવી-દેવતાને સર્મપિત કોઈ મંદિર કે તીર્થસ્થળ નહોતાં ત્યારે વૃક્ષમાં પ્રભુનો વાસ ગણીને એની પૂજા થતી. સનાતન ધર્મના શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, સિખ વગેરે દરેક સંપ્રદાયમાં ભગવાન તેમ જ આદ્યગુરુઓ સાથે કોઈ ને કોઈ વૃક્ષો સંકળાયેલાં છે જ. આ ઉનાળામાં જે ગરમી પડી છે એ પછી ‘જલ હૈ તો જીવન હૈ’ સૂત્રમાં ‘ચમન હૈ તો અમન હૈ’ જલદી જોડવું પડશે. માટે જ આ વખતનું તીર્થાટન થોડું હટકે છે. આજે કોઈ મંદિર કે મૂર્તિઓની પૂજા કે સાધના કરવાની નથી, પ્રકૃતિના ઓચ્છવની અર્ચના કરવાની છે. આજે આપણે જાણીતા તીર્થનાં પ્રભાવશાળી તથા જીવંત વડવૃક્ષોની જાત્રા કરવાની છે. 

પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ
પ્રયાગરાજમાં યમુના અને ગંગા નદીના સંગમ પાસે અકબર ફોર્ટના પ્રાંગણમાં ઊભેલો અક્ષય વટ પ્રાયઃ સમસ્ત જીવસૃષ્ટિનું ઓલ્ડેસ્ટ વૃક્ષ છે જેનું કનેક્શન જૈન, વૈદિક, બૌદ્ધ ધર્મ સાથે છે. કહેવાય છે કે જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા મરુદેવા આ વૃક્ષની નીચે કેવલી થયાં હતાં, જે આ ચોવીસીનું પ્રથમ કેવલજ્ઞાન હતું તેમ જ ઋષભદેવ પ્રભુએ પણ અહીં સાધના કરી હતી. હિન્દુ ધર્મની કિંવદંતી અનુસાર ઋષિ માર્કંડેયે વિષ્ણુને તેમની દિવ્ય શક્તિનો પરચો આપવાનું કહ્યું ત્યારે નારાયણે સમસ્ત સૃષ્ટિને જળબંબાકાર કરી દીધી હતી. પાણીમાં ડૂબેલા ભૂલોકમાં આ એક જ વૃક્ષ હતું જે જલસ્તરથી ઉપર દેખાઈ રહ્યું હતું અને પૂરથી બચવા ઋષિ માર્કંડેય આ જ વડમાં સમાઈ ગયા હતા.

એ ઉપરાંત રામ, લક્ષ્મણ અને સીતાજી પણ અહીં આવ્યાં હતાં અને તેમણે આ વૃક્ષની નીચે વિરામ કર્યો હતો. તિબેટિયન બૌદ્ધ પરંપરા મુજબ બુદ્ધે આ જ અક્ષયવટનું એક બીજ કૈલાશ પર્વતની નજીકના પહાડ પર વાવ્યું હતું જે આજે બુદ્ધ મહેલના નામે જાણીતું છે. અનેક પ્રલય, સંકટ, વિઘ્નો બાદ પણ આ વૃક્ષ જીવિત છે અને હજી આવનારા યુગોમાં પણ અકબંધ રહેશે એવું મત્સ્યપુરાણના પ્રયાગ મહાત્મ્યમાં આલેખાયેલું છે.


ઈ. સ. ૧૫૮૩માં મોગલ બાદશાહ અકબરે અહીં કિલ્લો બનાવડાવ્યો હતો જેથી તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવતા યાત્રીઓ પાસેથી કર વસૂલી શકે. તેમણે આ કિલ્લાનું નિર્માણ એવી રીતે કરાવ્યું હતું જેમાં આ મનોરથ વટ તરીકે પણ જાણીતું તરુવર તેના પરિસરમાં જ રહે (મનોરથ વટ કહેવા પાછળની કથા એવી છે કે એ કાળમાં મનુષ્યો પોતાના દરેક સંકલ્પ, જવાબદારી, મનોરથ પૂર્ણ કરી મોક્ષપ્રાપ્તિ અર્થે અહીંથી ગંગામૈયામાં છલાંગ મારી જળસમાધિ લેતા). અકબરના સમયમાં તો હિન્દુઓ અહીં આવી વડની પૂજા કરી શકતા, પરંતુ અંગ્રેજોના આધિપત્ય બાદ આ પરંપરા બંધ કરી દેવામાં આવી અને અત્યારે પણ અમુક ખાસ દિવસોને બાદ કરતાં આ શુભ વૃક્ષની નજીક જવાતું નથી. ભક્તોએ ગંગા-યમુના નદીના તટ પરથી એ વૃક્ષનાં દર્શન કરી સંતોષ માનવો પડે છે. જોકે એમ પણ કહેવાય છે કે અસલી અક્ષય વટ તો કિલ્લાના ભોંયરામાં છે. હાલમાં ઊભેલું વૃક્ષ પૂજારીઓએ પછીથી વાવ્યું છે. સત્ય જે હોય તે પરંતુ પ્રયાગ જાઓ ત્યારે લેટે હનુમાન મંદિરની નજીક આવેલા આ કિલ્લામાંના અવિનાશી બરગદનાં દર્શન કરવાનું ચૂકતા નહીં. એનાં પર્ણોને સ્પર્શીને આવતો પવન પણ તમને ડિવાઇન અનુભૂતિ કરાવશે.

વૃંદાવનનો બંસી વટ

શ્રીકૃષ્ણની વાંસળીના સૂર કેવા હશે? એનો જવાબ મથુરા વૃંદાવનના કેશીઘાટની બાજુમાં આવેલા બંસી વટને પૂછો, કારણ કે હાલમાં આ એકમાત્ર સજીવ હયાત છે જે એ સૂરોના તાલ પર ઝૂમ્યું છે. આ વડની છાયામાં નટખટ નંદકિશોર બાંસૂરી વગાડતા અને ગોપીઓ એ સૂર સાંભળીને ઘર, વર, બાળકો છોડીને બંસી વટ નીચે આવી જતી. અરે એક શરદપૂર્ણિમાએ તો તેમની મોરલીએ એવાં કામણ કર્યાં કે ખુદ કૈલાશપતિ ગોપીનો વેશ ધારણ કરીને મહારાસમાં સામેલ થવા પહોંચી ગયા હતા (ગોપેશ્વર મહાદેવની જાત્રા પણ આપણે આ પાને કરી છે). વ્રજભૂમિની પરિક્રમાએ જતા દરેક ભાવિકો બંસી વટના મંદિરે ચોક્કસ જાય છે અને ભગવાનનાં દર્શન કરી મોરલીના મીઠા સૂરોની કલ્પના કરી આંનદ માણે છે, પણ માથું ઊંચું કરી નસીબદાર બરગદના વૃક્ષનાં દર્શન કરતા નથી, જેને મોહનની મનમોહક લીલાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પહેલી વખત વૃંદાવન આવ્યા હતા ત્યારે તેઓ માત્ર બંસીઘાટ જ આવ્યા હતા અને આ વૃક્ષના થડમાં તેમને રાધા-કૃષ્ણનાં દર્શન થયાં હતાં. દિવ્ય કવિ સુરદાસ કહે છે, ‘કહાં સુખ બ્રજ કૌસો સંસાર, કહાં સુખદ વંશી વટ જમુના, યહ મન સદા વિચાર...’ અર્થાત્ બંસી વટના યમુના કિનારાના સાંનિધ્ય જેવું સુખ દુનિયામાં બીજું કોઈ નથી. 

ઉજ્જૈનનો સિદ્ધ વટ

હિન્દુ પુરાણો અનુસાર સૃષ્ટિ પર સાતથી આઠ વડનાં વૃક્ષ એવાં છે જે યુગોથી વિદ્યમાન છે. આ દરેક વૃક્ષો કોઈ ને કોઈ દેવી કે દેવતાઓએ રોપ્યાં છે. એ પરંપરામાં ઉજ્જૈન પાસે ભૈરવગઢનો સિદ્ધ વટ પણ અતિ પ્રાચીન છે. શક્તિભેદ તીર્થ તરીકે જાણીતા અહીંનો સિદ્ધ વટ પાર્વતીમાતાએ રોપ્યો છે અને શિવજીના રૂપમાં એની પૂજા કરવામાં આવે છે. સંતતિ, સંપત્તિ અને સદગતિની પ્રાપ્તિ માટે પ્રખ્યાત આ તીર્થ વટની કૃપાથી ત્રણેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે એથી એને સિદ્ધ વટ કહેવાય છે. વર્ષ દમ્યાન હજારો ભાવિકો અહીં આવે છે અને વૃક્ષ પર રક્ષાસૂત્ર બાંધીને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે. એ જ રીતે સંતાનસુખ માટે ઊંધો સાથિયો કરવાની પરંપરા છે. સ્કંદપુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકસ્વામીને આ સ્થળે સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે તારકાસુરનો વધ કર્યો હતો. કુદરતી આપદાઓ તેમ જ ભાવિકોની અવગણના અને ગંદકીને કારણે આ વૃક્ષની હાલત અનેક વખત જોખમાય છે છતાં ઈશ્વરીય આશીર્વાદ અને સૃષ્ટિના નિઃસ્વાર્થ સ્નેહની સરવાણીથી આ વૃક્ષ ફરી મહોરી ઊઠે છે.

જગન્નાથપુરીનો કલ્પ વટ

કલ્પ શબ્દના બે અર્થ કરી શકાય, કલ્પ એટલે કાળ અને કલ્પ એટલે ઇચ્છા, આકાંક્ષા. ઓડિશાના જગન્નાથપુરીના મુખ્ય જગન્નાથ મંદિરના સંકુલમાં જ સત્યનારાયણ મંદિર અને મુક્તિમંડપની વચ્ચે દિવ્ય છાયા લહેરાવતું વૃક્ષ એ જ કલ્પ વટ, જે ચારેય યુગોથી અહીં હાજર છે અને દર્શનાર્થીઓની કામના પૂર્ણ કરવા માટે પણ જાણીતું છે. મંડપ અને થડની ફરતે ગોળ પાકા ઓટલાથી સંરક્ષિત આ વૃક્ષની ડાળખીઓ પણ ચૂંદડીઓ અને અન્ય સુશોભિત વસ્તુઓથી ડેકોરેટ થયેલી છે. ખાસ કરીને બંગાળીઓ આ વૃક્ષની પૂજા કરવાની સાથે એની પ્રદક્ષિણા પણ કરે છે. કલ્પ વટની આજુબાજુમાં વટેશ્વર મહાદેવ, વટ ક્રિષ્ણા, વટ બાળમુકુંદ, વટ માધવ, વટ ગણેશ, વટ મંગલા, વટ જગન્નાથ અને વટ માર્કંડેયની નાની-નાની મૂર્તિઓ છે (બંગાળી, ઓરિયા ભાષામાં ‘વ’ મૂળાક્ષર છે જ નહીં, અહીં ‘વ’ને બદલે ‘બ’ બોલાય અને લખાય છે. આથી અહીં કલ્પબટ છે અને બટની આજુબાજુ આવેલા પરમેશ્વર પણ બટમાધવ, બટક્રિષ્ણા વગેરે છે).

ઓરિયા ભાગવતમમાં આ વૃક્ષને શંખક્ષેત્ર પુરીનું અત્યંત પાવન સ્થળ કહેવાયું છે. બૌદ્ધધર્મીઓએ પણ અહીં સૌગાત નારાયણની મૂર્તિ પધરાવી છે. સ્કંદપુરાણ અનુસાર માર્કંડેયમુનિએ જળપ્રલય વખતે આ બરગદનો આશરો લીધો હતો. દર કારકત સુદ તેરસે આ વૃક્ષનો જન્મોત્સવ મનાવાય છે અને કલ્પવટને પંચામૃતથી સ્નાન કરાવી નવાં વસ્ત્રો પણ પહેરાવાય છે. કહેવાય છે કે કલ્પ વટની પૂજા એટલે જગન્નાથજીની પૂજા. અષાઢી બીજના દિવસે રથયાત્રા બાદ કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રાની મૂર્તિઓને કલ્પવટનાં દર્શન કરાવ્યા બાદ મંદિરમાં પધરાવાય છે.

પુરૈનાના બ્રહ્મબાબા પાંચ એકરમાં વિસ્તરી ગયા છે

બિહારના સારણ જિલ્લાના પુરૈના ગામમાં કોઈ ગ્રામ્યવાસીએ ૨૦૦ વર્ષ પૂર્વે વડનું ઝાડ વાવ્યું હતું અને બે સદીમાં તો એ એવું ફૂલ્યું-ફાલ્યું કે આજે એ એકમાંથી અનેક વૃક્ષો થઈ ગયાં છે અને ૨,૧૭,૮૦૦ સ્ક્વેરફીટમાં ફેલાઈ ગયાં છે. એ દરમ્યાન આ નાનકડા ગામડામાં અનેક આંધી, તોફાનો, કુદરતી આપત્તિઓ આવી છે, પણ આ મહાકાય વૃક્ષને ઊની આંચ નથી આવી બલકે એમાંથી જેટલી ડાળીઓ ખરે છે અને જમીન પર પડે ત્યાં નવું વૃક્ષ ઊગવા માંડે છે. આજે પણ આ સાઇકલ ચાલુ જ છે. આવા ચમત્કારને કારણે સ્થાનિક લોકો આ વડવૃક્ષને બ્રહ્મબાબા કહે છે. વળી નવાઈની વાત એ છે કે એનો આવો વ્યાપક ફેલાવો સરકારી નહીં ખાનગી જમીન પર થતો જાય છે. એમ છતાં સ્થાનિક લોકો હસીખુશી એ ભૂમિ પર પોતાની માલિકી છોડી રહ્યા છે. આ વિરાટ બ્રહ્મદેવની નીચે કોઈ મંદિર કે મૂર્તિ નથી પરંતુ આ વિસ્મયકારી વૃક્ષનું સત્ત્વ એવું છે કે લોકો આ વૃક્ષદેવતાનાં દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ 
થાય છે.

ગયાજીનો અક્ષય વટ

પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિ માટે કરાતી પિતૃતર્પણવિધિ માટે પરાપૂર્વથી પ્રસિદ્ધ ગયાનો અક્ષય વટ તો ખુદ બ્રહ્માજીએ રોપ્યો છે. કહેવાય છે કે સ્વયં ભગવાન બ્રહ્મા સ્વર્ગથી વડનો રોપો અહીં લાવ્યા હતા અને સીતામાતાએ તેમને અમરતાના આશીર્વાદ આપ્યા છે. રામકથા અનુસાર વનવાસ પૂર્ણ થયા બાદ રાણીસીતા સહિત રાજારામ અને લક્ષ્મણ પિતાનું શ્રાદ્ધકર્મ કરવા માટે ગયા આવ્યા હતા. બેઉ ભાઈઓ એ માટેની જરૂરી સામગ્રી લેવા ગયા એમાં વિલંબ થતાં રાજા દશરથે પ્રગટ થઈને પુત્રવધૂ સીતાને તર્પણવિધિ કરવા કહ્યું ત્યારે માતાસીતાએ આ વડ ઉપરાંત અહીંથી વહેતી ફાલ્ગુ નદી, ગાય, તુલસીજી અને બ્રાહ્મણને સાક્ષી કરી રામ-લક્ષ્મણની ગેરહાજરીમાં નદીની રેતીમાંથી પિંડ બનાવી દિવંગત શ્વશુરજીનું પિંડદાન કર્યું હતું (જે કથા આપણે અગાઉ ગયાના તીર્થાટન વખતે કરી છે). રામ-લક્ષ્મણ પાછા આવતાં સીતાજીએ તર્પણવિધિ કર્યાની વાત કરી ત્યારે રાજાના કોપના ભયથી અન્ય સાક્ષીઓ તો ચૂપ રહ્યા, પણ વડ વૃક્ષે સાક્ષી પુરાવી હતી એથી માતાસીતાએ આ બરગદને ચિરંજીવ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ગયાથી થોડે દૂર માઢનપુર સ્થિત આ અક્ષય વટની આસપાસ એક સમયે પિંડદાન માટે ૩૬૫ વેદીઓ હતી જે કાલાંતરે ઓછી થઈને ૪૫ રહી છે. ગયાજીના પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિરે જાઓ કે મહામાયા મંગલાગૌરીની શક્તિપીઠે મથ્થા ટેકો ત્યારે આ અક્ષય વટના આશીર્વાદ લેવા અચૂક જજો. આ સ્પૉટ ગયાનાં મુખ્ય દર્શનીય સ્થળોમાં નથી આવતું, પરંતુ એનાં મૂળિયાં પૌરાણિક છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ

ઉપર ઉલ્લેખ કરાયેલાં આ પાંચેપાંચ વૃક્ષતીર્થો આપણી પૂજનીય તીર્થભૂમિ પર જ છે. એનાં દર્શન માટે ક્યાંય સ્પેશ્યલ કોઈ સ્થળે જવાનું નથી, પણ આપણે તો હઈસો હઈસો યાત્રાળુઓ. ટાઇમ જ ન હોય એટલે એક ઘરેડમાં મુખ્ય મંદિરમાં દર્શન કરી ચાલતા થઈએ. બટ, નેક્સ્ટ ટાઇમ જે-તે જાત્રાએ ગયા હો ત્યારે પૂર્ણ ભાવથી આવા વૃક્ષદેવની આરાધના કરજો, એની શુદ્ધ ઑરા માણજો અને બની શકે તો એના સંવર્ધન માટે મદદ કરજો, કારણ કે આપણા પૂર્વજોએ સાચવ્યું એટલે આપણને મળ્યું. હવે આગામી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 07:40 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK