AI ટેક્નૉલૉજી દ્વારા લેખકોના ડેટાનો ગેરકાયદે વપરાશ કરવામાં આવતો હોય છે એ અનએથિક્લ પ્રૅક્ટિસ સામેનો આ મજબૂત વિરોધ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ફિલ્મજગતની જાણીતી હસ્તી અને કપૂર ખાનદાનના જાણીતા કલાકાર રિશી કપૂર સ્વર્ગવાસનાં છ વર્ષ પછી પાછા એક સમાચારરૂપે જીવંત થયા છે. તેમના પરિવારે કેટલાક મરણોત્તર અધિકારો લઈ લીધા છે જેથી કોઈ તેમના નામ, ઇમેજ, અવાજ વગેરેનો મિસ-યુઝ કરી ન શકે કે પરમિશન વગર વાપરી ન શકે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને માનવીય સર્જનાત્મકતા વચ્ચે આમ પણ સંઘર્ષ ચાલે છે.
આ સંઘર્ષ હવે એક નવા તબક્કે પહોંચી ગયો છે. તાજેતરમાં જ ૨૦૨૬ના લંડન બુકફેરમાં એક ગજબની ઘટના બની જેણે સાહિત્યજગતને આશ્ચર્ય અને આઘાતનો આંચકો આપ્યો. દુનિયાના એક-બે-પાંચ કે ૧૦ નહીં, પૂરા ૧૦,૦૦૦ લેખકોએ એક પુસ્તક પ્રકાશિત કર્યું જેનાં તમામ પાનાં સાવ કોરાં છે. લેખકોની ઘવાયેલી લાગણીને વાચા આપતા આ પુસ્તકનું ટાઇટલ છે ‘ડોન્ટ સ્ટીલ ધિસ બુક’.
ADVERTISEMENT
પુસ્તકનાં કોરાં પાનાં એ કોઈ ભૂલ નથી, લાઉડ મેસેજ-ગિવિંગ પ્રોસેસરૂપ છે. AI ટેક્નૉલૉજી દ્વારા લેખકોના ડેટાનો ગેરકાયદે વપરાશ કરવામાં આવતો હોય છે એ અનએથિક્લ પ્રૅક્ટિસ સામેનો આ મજબૂત વિરોધ છે. અહીં લેખકોનો આક્ષેપ છે કે મોટા ગજાની ટેક કંપનીઓ તેમના ‘લાર્જ લૅન્ગ્વેજ મૉડલ્સ’ને ટ્રેઇન કરવા માટે લાખો પુસ્તકોને મૂળ લેખકોની પરવાનગી વગર સ્કૅન કરી રહી છે જે કાયદેસરની કન્ટેન્ટની ચોરી ગણાય. આ વિવાદની આગને હવા ત્યારે મળી જ્યારે અમુક પશ્ચિમી દેશની સરકાર કાયદાકીય ફેરફાર કરીને આ પ્રૅક્ટિસને પ્રોત્સાહન આપવાનું વિચારતી થઈ.
કદરદાની એ જ કોઈ પણ કલાકાર કે સર્જકને મળતું ખરું પ્રોત્સાહન છે. આ ખાલી પુસ્તકના પાને-પાને અનપ્રિન્ટેડ બોલ્ડ મેસેજ વાંચી શકાય છે કે જો સર્જકોને તેમના કામનું વળતર નહીં મળે તો ભવિષ્યમાં નવું સાહિત્ય સર્જાવાનું અટકી જશે.
ક્રીએટિવિટી એક કુદરતી વરદાન છે જે બધાને નથી મળતું. રચનાત્મક મૌલિક વિચારો અને સર્જનાત્મક પ્રયાસો એ માનવીય મોનોપૉલી રહી છે જે હવે ખતરા નીચે છે. ટેક્નૉલૉજી ગમે એટલી ઍડ્વાન્સ વર્ઝન લઈને આવે, છેવટે તો એ ડેટા-ડ્રિવન રહેશે. સઘળા સંદર્ભો, સમય, સંજોગોને આવરી લઈને થતી વિચારણા અને વિચારપૂર્વકની પ્રવૃત્તિ એ આઇ-ડ્રિવન ટૂલ ન કરી શકે.
કલ્પના કરો કે ન્યુક્લિયર બટન દબાવવાની સત્તા અમેરિકન પ્રેસિડન્ટને બદલે AI પાસે હોય તો શું થાય? બટન ક્યારનુંય પ્રેસ થઈ ગયું હોત. વિકાસયાત્રામાં આગળ હરણફાળ ભરવાની લાયમાં કેટલો બધો વિકાસ થઈ ગયો એનું પૃથક્કરણ પણ છેવટે માણસ કરશે કે અન્ય કોઈ એનો અંદાજ નથી. આર્ટિફિશ્યલ અને ઓરિજિનલ વચ્ચેની લડાઈ અત્યારે તો ખાસ્સી વણસી ચૂકી છે એવું લાગે છે.
