ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્તિ બનશે અને જીવન સાધના બનશે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘તું લડવાનું શરૂ કર. હું તારા રથ પર સારથિ બનીને બેઠો છું, પણ લડવાનું તો તારે જ છે. હું તારા વતી લડવાનું કામ નહીં કરું, પણ તારી સાથે રહીશ.’
ભગવાન શ્રીકૃષ્ણના આ સંદેશમાં બહુ મોટી વાત છે જે સૌકોઈએ સમજવાની છે.
ADVERTISEMENT
ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્તિ બનશે અને જીવન સાધના બનશે.
મેં એક ઘટના સાંભળી હતી. ઘટના અમેરિકાની છે. એક માણસ હોટેલમાં જમવા જતો હતો. રસ્તામાં કોઈએ તેને સામેથી સ્મિત આપ્યું. તે એટલું સહજ હસ્યો કે હોટેલમાં જતો માણસ રાજી થયો, ખુશ થઈ ગયો. તે હોટેલમાં જમ્યો અને વેઇટરને તેણે પાંચ ડૉલર આપ્યા.
વેઇટર પણ ખુશ થઈ ગયો. તેને થયું કે અહીં આટલાં વર્ષથી નોકરી કરું છું અને કોઈ પાંચ સેન્ટ પણ આપતું નથી અને આજે પાંચ ડૉલર મળ્યા! તેણે મૅનેજરને કહ્યું, ‘મારે આજે રજા જોઈએ છે.’
રજા મળી એટલે તે પાંચ ડૉલર લઈને નીકળી ગયો. તેણે બીજી હોટેલમાં જઈને ખાધું, બીજાને ખવડાવ્યું. એક ડૉલર વધ્યો એ તેણે રસ્તે જતા એક ભિખારીને આપી દીધો.
ભિખારીએ પોતે ખાધું અને બીજા ભિક્ષુકને ખવડાવીને તૃપ્ત થઈ પોતાની ઝૂંપડીમાં જતો હતો ત્યાં રસ્તામાં એક ગલૂડિયું ઠંડીમાં ધ્રૂજતું જોયું. ભિખારીએ ગલૂડિયું લઈ લીધું અને ઝૂંપડપટ્ટીમાં લઈ જઈને પોતાના પડખામાં સુવડાવ્યું.
તે ભિખારી જે વસ્તીમાં રહેતો હતો એમાં આગ લાગી. આગ શરૂઆતમાં નાની હતી, પણ તણખલું બળવાની વાસથી ગલૂડિયું જાગી ગયું. એ વાસ ઓળખી ગયું. એ ધીમેકથી ઊભું થયું અને એણે આગ શોધી લીધી. આગ જોઈને ગલૂડિયું ભસવા લાગ્યું. ગલૂડિયું ભસ્યું એટલે આખી વસ્તી જાગી ગઈ. ઝૂંપડાં બળી ગયાં, પણ જાનહાનિ ન થઈ. બધા બચી ગયા.
તે માણસ ભવિષ્યમાં અમેરિકાનો પ્રેસિડન્ટ બન્યો ત્યારે તેને કોઈએ પૂછ્યું, ‘તમે આ પ્રેસિડન્ટપદ સુધી પહોંચ્યા એના મૂળમાં શું?’
પ્રેસિડન્ટે જવાબ આપ્યો. ‘એક માણસની મુસ્કુરાહટ! એક માણસ હસ્યો એમાંથી હું આ જગ્યાએ પહોંચ્યો!’
હસો. હસવું જ જીવન છે. ધર્મે હસવું જોઈએ, સ્મિત કરવું જોઈએ. મને વિવેક ચૂડામણિમાંનું શંકરાચાર્યનું એક સૂત્ર ખૂબ જ ગમે છે...
પ્રસન્નચિત્તે પરમાત્મદર્શનમ્
જ્યારે સાધકનું ચિત્ત પ્રસન્ન હોય છે ત્યારે ભગવાનનાં દર્શન માટેના દરવાજા ખૂલી જાય છે. શરત એટલી જ કે હસતા જાઓ. કથામાંથી ભલે કશું ન શીખો, માત્ર હસતા શીખો અને ખુશ રહેતા શીખો.
