આજે એવા જ એક યુવકની વાત કરવી છે જેણે જીવની પ્રત્યેક પળને પ્રસન્નતાપૂર્ણ બનાવવાનો ભેખ ધર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રવચનોમાં અવારનવાર આવતી વાતો પાછળનો તાત્પર્યાર્થ એક જ રહેતો હોય કે હૃદયને પ્રેમસભર રાખો, જીવનમાં ભૂલો ન કરો અને કોઈના દ્વારા ભૂલો થઈ હોય તો એને યાદ ન રાખો. મિત્રો વધારતા જાઓ અને દુશ્મનાવટની વૃત્તિને તિલાંજલિ આપતા જાઓ. મોત વખતની સમાધિ તો ટકી જ રહેશે પણ આ જીવની પ્રત્યેક પળ પ્રસન્નતાપૂર્ણ બની જશે. આજે એવા જ એક યુવકની વાત કરવી છે જેણે જીવની પ્રત્યેક પળને પ્રસન્નતાપૂર્ણ બનાવવાનો ભેખ ધર્યો છે.
એ યુવક રસ્તા પર ગાડીમાં જતો હતો અને અચાનક તેની નજર રસ્તાના ખૂણે ઊભેલા એક માણસ પર પડી. તેણે ગાડી ઊભી રાખી.
ADVERTISEMENT
‘બેસી જા ગાડીમાં...’ પેલો અજાણ્યો માણસ કંઈ પૂછે એ પહેલાં યુવકે કહ્યું, ‘અગત્યનું કામ છે.’
‘ક્યાં જવાનું છે?’
‘મારા ઘરે...’ યુવકે પૂછી પણ લીધું, ‘ઓળખ્યો મને?’
‘હા.’ પેલા માણસે ધીમેકથી કહ્યું, ‘ગયા વર્ષે આ ઘરમાં કાચનું કામ કરવા તમે મને બોલાવ્યો હતો.’
‘હંમ... પછી?’
‘કામ કરતાં-કરતાં મારાથી એક કાચ તૂટી ગયો ને તમે મને આપવાની રકમમાંથી રૂપિયા ૧૫૦ કાપી લીધા હતા.’ અજાણ્યા માણસે અત્યારે આમ ગાડીમાં લઈ જવાનું કારણ પૂછ્યું, ‘ફરી મને અહીં બોલાવવાનું પ્રયોજન?’
‘નવું કોઈ કામ કરવા નથી બોલાવ્યો. એ જે ૧૫૦ રૂપિયા કાપી લીધા એ બદલ મારે તારી માફી માગવી છે અને ૧૫૦ રૂપિયા તને પાછા આપી દેવા છે. બસ, એ માટે તને મારી સાથે લઈ જાઉં છું.’
પેલો માણસ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો છતાં હસતાં-હસતાં તેણે એ યુવકને પૂછી લીધું, ‘જો આમ જ કરવું હતું તો પછી ગયા વર્ષે ભૂલ બદલ ૧૫૦ રૂપિયા કાપી શું કામ લીધા હતા?’
‘ગયા વર્ષે પ્રભુનાં વચનો સંભળાવતાં ગુરુદેવનાં પ્રવચનો સાંભળવા નહોતાં મળ્યાં એટલે તને તારી ભૂલ બદલ સજા કરી દીધી હતી. આ વર્ષે પ્રવચનો સાંભળવા મળ્યાં એટલે ભૂલો કરવા બદલ જેને-જેને પણ સજા કરવાની ભૂલ મેં કરી છે એ તમામની માફી માગવાનું મેં શરૂ કરી દીધું છે. બોલ, હવે કાંઈ કહેવું છે તારે?’
માફી માગનારાની આંખોમાં અને ભૂલ કરનારાની આંખોમાં પણ અશ્રુ બનીને વર્ધમાન ચમકતા હતા.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

