Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાહિત્ય, સદ‍્વાંચન અને સ્વસ્થ જીવનનું મનોહર ત્રિકોણ આ કિસ્સામાં પ્રકટે છે

સાહિત્ય, સદ‍્વાંચન અને સ્વસ્થ જીવનનું મનોહર ત્રિકોણ આ કિસ્સામાં પ્રકટે છે

Published : 01 September, 2026 12:28 PM | Modified : 01 September, 2026 02:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાહિત્ય, સદ્‌ભાવના અને સ્વસ્થ જીવનનો સુંદર ત્રિવેણી સંગમ આ પ્રેરણાદાયી કિસ્સામાં જોવા મળે છે. વાંચનને જીવનનો આધાર બનાવનાર ૧૦૧ વર્ષની મહિલાની જ્ઞાનપિપાસા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ સૌ માટે પ્રેરણારૂપ બની રહે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇતિહાસનાં પુસ્તકો છે અને પુસ્તકોનો પણ ઇતિહાસ છે. આવાં સેંકડો હજારો પુસ્તકોને પોતાની ગોદમાં સમાવીને કંઈકેટલાંય પુસ્તકાલયો આજે પણ આપણી સાક્ષરતાનું સૌભાગ્યચિહ્‌ન બનીને ઊભાં છે. 
આવાં પુસ્તકાલયો સાથે પણ રોમાંચક ઇતિહાસ સંકળાયેલો છે. 
આજે પ્રાચીન મૅન્યુસ્ક્રિપ્ટ્સની સ્કૅન કરીને કૉપી કરાય છે. પ્રાચીન ગ્રંથો, પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરાય છે. પ્રાચીન લિપિ અને આધુનિક લયનો આવો સમન્વય જ્ઞાનને ભવિષ્યના સદ્બોધ માટે સલામત રાખે છે. આવા જ એક અતિ પ્રાચીન પુસ્તકાલયમાં એક ટેક્નિકલ ટીમ કાર્યરત હતી. વર્ષો જૂનાં પુસ્તકો, રેકૉર્ડ્‍સ, દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું હતું. આ પ્રક્રિયા દરમ્યાન જ વર્ષો જૂનું એક જર્જરિત લાઇબ્રેરી કાર્ડ તેમના હાથમાં આવ્યું. ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે આ કાર્ડ ૧૯૩૮માં ઇશ્યુ થયું હતું. વધુ તપાસ કરતાં ખબર પડી કે આ કાર્ડધારક મહિલા એ વખતે જીવંત હતી અને તેની કરન્ટ એજ ૧૦૧ વર્ષની હતી. એટલું જ નહીં, કાર્ડનો રેકૉર્ડ્સ એવું પણ દર્શાવતો હતો કે તે મહિલા હજી પણ નિયમિતપણે પુસ્તકાલયમાંથી પુસ્તકોની આપ-લે કરતી હતી.
આ અવિશ્વસનીય હકીકતથી પ્રેરાઈને ડિજિટલાઇઝેશન કરનારી ટીમ તે વૃદ્ધ લેડીના નિવાસસ્થાને પહોંચી. ત્યાંનું દૃશ્ય જોઈને ટીમ સ્તબ્ધ થઈ ગઈ. ઘરમાં પુસ્તકો ગોઠવવા માટે સ્પેશ્યલ ખાનાંઓ હતાં જે બધાંમાં પુસ્તકો ગોઠવેલાં હતાં. આ સિવાય કબાટો પણ પુસ્તકોથી ખીચોખીચ ભરેલાં હતાં. ઘણાં બધાં પુસ્તકોમાં આ જ્ઞાનપિપાસુ મહિલાએ પોતાના હાથે લખેલી નોંધ વગેરે કાગળનાં પાનાંઓ વચ્ચેથી જાણે ડોકિયું કરતી હોય એમ સચવાયેલી પડી હતી. 
ટીમના સિનિયર મેમ્બરે આદરપૂર્વક પૂછ્યું, ‘આપની ઉંમર?’ 
જવાબમાં પૂરાં ૧૦૧ વર્ષ સાંભળીને તેમણે ફરી પૂછ્યું, ‘જરાય લાગતું નથી. આપની સ્વસ્થતા અને દીર્ઘાયુષ્યની પાછળ કોઈ રહસ્ય ખરું?’ 
ત્યારે હસતા ચહેરે તે વૃદ્ધ લેડીએ જે જવાબ આપ્યો એમાં જિંદગી માટેનો સંદેશ હતો. તેમણે કહ્યું, ‘હું ત્યાં સુધી બીજું નવું પુસ્તક હાથમાં ન લઉં જ્યાં સુધી મારું હાલનું વંચાઈ રહેલું પુસ્તક પૂરું થતું નથી. તમે જ્યારે પુસ્તકનાં પાનાંઓ અને એમાં રહેલી કન્ટેન્ટ સાથે જોડાઈને રહો છો, આ જ્ઞાનની આતુરતાને કારણે તમારી ઉંમર આપોઆપ થંભી જાય છે. મારું સમગ્ર જીવન વાંચનને સમર્પિત કર્યું છે. કદાચ આ જ મારી સ્વસ્થતા અને લાંબી ઉંમર પાછળનું રહસ્ય છે. વાંચન મારી પ્રવૃત્તિ નથી બલ્કે પૅશન છે. રોજ સવારે પથારીમાંથી નવી સ્ફૂર્તિ સાથે આ જ લક્ષ્યથી ઊભી થાઉં છું અને બસ, મારા કામે લાગી જાઉં છું. નાસ્તા અને ભોજનમાંથી મળે છે એના કરતાં વધારે શક્તિ મને આ પુસ્તકો આપે છે. સ્વજનો પણ લાકડીની જેમ પકડવા પૂરતા કામ લાગે એવી ઉંમરે આ પુસ્તકો સાચા અર્થમાં મારાં સ્વજનો છે. તમને લાગતું હશે કે હું એકલી છું; પણ ના, હું તો મારા બહોળા પરિવાર વચ્ચે આનંદમાં છું.’
શ્રીમંતની શ્રીમંતાઈ જોયા પછી ગરીબ જે ફીલ કરે, પહેલવાનની કુસ્તી જોયા પછી દૂબળો-માયકાંગલો જે ફીલ કરે એવી જ કંઈક ફીલિંગ નહીં વાંચનારાઓને આ મહિલાનો જવાબ સાંભળીને થવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK