હકીકત એ જ છે કે આપણી માનસિકતા આજની તારીખે પણ અઢારમી અને ઓગણીસમી સદીને લાયક છે.
ચપટી ધર્મ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ધર્મની માફક સમાજ-વ્યવસ્થા પણ એક જ હોય છે. જન્મથી માંડીને મરણ સુધી જે રીતરિવાજો કરવાના હોય એ સૌ-સૌના સમાજ પ્રમાણે અલગ-અલગ હોય છે. લગ્ન ક્યાં કરવાં? કેટલી ઉંમરે કરવાં? વર-કન્યા પક્ષે શી-શી વિધિ કરવી? આણું ક્યારે કરવું? વિધવા-વિવાહ કરવા કે નહીં? આવાં અનેક વિધિવિધાનો સામાજિક હોય છે. એક જ ધર્મ પાળનારાઓમાં સમાજ જુદો-જુદો હોય તો રીતરિવાજો જુદા-જુદા થઈ જતા હોય છે. જ્યાં કોઈ પણ પ્રકારના નિયમો હોય છે ત્યાં નિયમભંગ પણ હોય છે. જ્યાં નિયમભંગ થતો હોય ત્યાં દંડની વ્યવસ્થા પણ હોય જ. આવો દંડ હંમેશાં ન્યાયપૂર્વકનો જ હોય છે એવું કહી શકાય નહીં. આવો દંડ પણ હિંસા જ છે અને એને આપણે સમાજમાં સ્વીકાર્ય રાખ્યો છે, જેનો અર્થ એ થયો કે આપણે અહિંસાની વાતો કરીએ છીએ પણ એ વાતો માત્ર ને માત્ર આંખોથી થતી હિંસાની સાથે જ જોડીએ છીએ. જૈનો જે અહિંસાની વાત કરે છીએ એ મન-વચન અને કાયાની હિંસાની એમાં વાત આવતી નથી.
જો તમે ધારતા હો કે તમારે અહિંસાનું પાલન કરવું છે તો આ પ્રકારની સામાજિક હિંસાને પણ સમાજે સ્વસ્થપણે દૂર કરવી જોઈએ અને સમાજમાં જ્યાં પણ આ પ્રકારની હિંસા થાય છે એનો વિરોધ કરવો જોઈએ. હું તો કહીશ કે આવી માનસિક યાતના અને માનસિક હિંસાનો વિરોધ પહેલાં થવો જોઈએ, કારણ કે એ સ્વસ્થ સમાજની નિશાની છે અને આપણે હજી પણ સ્વસ્થ સમાજની રૂપરેખામાં આવ્યા નથી.
ADVERTISEMENT
જો દીકરીઓની આજે પણ રૂઢિગત રીતે કનડગત કરવામાં આવતી હોય અને જો આજે પણ દીકરીઓનું સાટું-પાટું કરવામાં આવતું હોય તો સમજવું જોઈશે કે આપણે માત્ર સુવિધાની દૃષ્ટિએ જ એકવીસમી સદીમાં પ્રવેશ્યા છીએ, પણ હકીકત એ જ છે કે આપણી માનસિકતા આજની તારીખે પણ અઢારમી અને ઓગણીસમી સદીને લાયક છે.
હિંસાનો વિરોધ માત્ર દૈહિક જ ન હોવો જોઈએ. જો કોઈ ત્રાહિતને માર મારવામાં આવે તો જ એનો વિરોધ થાય તો એ તો સ્થૂળ માનસિકતા થઈ અને સ્થૂળ માનસિકતા ક્યારેય સ્વસ્થ સમાજનું નિર્માણ ન કરે. પશ્ચિમના દેશોને જુઓ તમે. એ દેશોમાં સ્થૂળ માનસિકતા સાથે કોઈ વિચારને સ્વીકારવામાં નથી આવ્યો. ત્યાં જ્યારે પણ વિચારનો સ્વીકાર થયો છે ત્યારે એમાં સ્વસ્થતા સાથે અને ૩૬૦ ડિગ્રી સાથે એ વાતને સમજણમાં લેવામાં આવી છે. સમય આવી ગયો છે કે આપણે એ રીતે અને એ જ દૃષ્ટિકોણ સાથે વિચારને સ્વીકારીએ અને આગળ વધીએ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)