છ-સાત લાખ સૈનિકોનું લશ્કર કાશ્મીરમાં ખડકવા છતાં આપણે આતંકવાદને રોકી શક્યા નહોતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગયા સોમવારે તમને કહ્યું એમ, યુદ્ધના મેદાનમાં છેલ્લા ત્રણેક દસકાથી ઉમેરાયેલી નવી યુદ્ધપદ્ધતિ વધારે ખૂનખાર છે અને એ છે આતંકવાદ.
આતંકવાદ થકી ઓછામાં ઓછા માણસો અને સાવ ઊતરતાં શસ્ત્રો દ્વારા પણ તમે ધારો તો મોટી સેનાને કે મોટા રાષ્ટ્રને પણ હેરાન-પરેશાન કરી શકો છો. આવું યુદ્ધ કરવા માટે લાખો માણસોની સેના કે અબજો રૂપિયાનાં શસ્ત્રો ભેગાં કરવાનાં નથી. માત્ર થોડા જ ચુનંદા બલિદાન-વૃત્તિના માણસો બહુ થઈ ગયા. તેમને તોડફોડ કેમ કરવી, બૉમ્બ કેમ મૂકવા, કેમ ફોડવા, અપહરણ કેમ કરવાં અને કેવી રીતે ક્રૂરતાપૂર્વક માણસોને મારી નાખવા એવી બધી ટ્રેઇનિંગ આપીને યુદ્ધ શરૂ કરી શકાય છે.
આવા યુદ્ધ માટે કફન બાંધીને કામ કરનારા માણસો ત્યારે જ મળે જ્યારે તેમની અંદર કોઈ તીવ્ર ભાવનાત્મક વૃત્તિ ભરી દેવામાં આવે. આવી તીવ્ર ભાવનાઓ ધર્મ સિવાય બીજે ક્યાંય મળવી કઠિન છે. વિશ્વના તમામેતમામ મુખ્ય-મુખ્ય ધર્મોનું પરિશીલન કરનારને ખ્યાલ આવશે કે આવું તીવ્ર ઝનૂન કયા-કયા ધર્મો ભરી શકે છે.
જે ધર્મોમાં આવી ક્ષમતા જ નથી એ આતંકવાદી માણસો પેદા કરી શકતા નથી. જે કીડી-મકોડાને પણ મારી નથી શકતા, પણ કોઈના દ્વારા મારવામાં આવ્યાં હોય તો એને જોઈ પણ નથી શકતા તેમને હજાર પ્રયત્નો કરીને પણ ક્રૂર ન બનાવી શકાય, પણ જે ઠંડા પેટે પ્રાણીઓ જ મારી શકે છે, મરતાં જોઈ શકે છે, જેમનું રૂંવાડું પણ ફરકતું નથી તેઓ સરળતાથી આવા ક્રૂર આતંકવાદીઓ પેદા કરી શકે છે. બીજી તરફ સામા પક્ષે ભારતની સસલા જેવી પ્રજા પર આતંકવાદના પ્રયોગ કરવા હોય તો જાણે સ્વર્ગ મળી ગયું. છેલ્લાં આઠેક વર્ષથી વાત બદલાઈ છે. બાકી તો ભારત આ દુર્દશાને બહુ ખરાબ રીતે જોઈ ચૂક્યું છે. જેની પાછળ આતંકવાદીઓની પ્રબળતા કરતાં ભારતની પોતાની દુર્બળતા વધુ કારણભૂત હતી. છ-સાત લાખ સૈનિકોનું લશ્કર કાશ્મીરમાં ખડકવા છતાં આપણે આતંકવાદને રોકી શક્યા નહોતા. ઉત્તરોત્તર એનું પ્રમાણ વધતું જ જતું હતું. પ્રાચીનકાળના રાજપૂત રાજાઓ જેમ શત્રુઓને છેક કિલ્લાના દરવાજા સુધી આવવા દેતા અને પછી કિલ્લાના દરવાજા બંધ કરીને યુદ્ધ કરતા અને અંતે હારી જતા એમ આતંકવાદીઓ છેક સેના કે પોલીસના કેન્દ્ર સુધી પહોંચી જાય અને પછી મરજીવા થઈને ઓચિંતો હુમલો કરી વધુમાં વધુ નુકસાન કરીને કાં તો મરી જાય અને કાં તો એ ઓચિંતા હુમલાથી જે અફરાતફરી મચે છે, એનો લાભ લઈને આતંકવાદીઓ ભાગી જાય છે. તેમને સંતાવાની હજારો જગ્યા છે. પછી મોડે-મોડે પોલીસ-તપાસ શરૂ થતી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)