એવું પણ બને કે એક રાજ્યમાં જેને અપરાધ માનવામાં આવતો હોય એને બીજા રાજ્યમાં અપરાધ ન માનવામાં આવતો હોય

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આજે વાત કરવાની છે રાજકીય હિંસાની.
સૌથી મહત્ત્વની હિંસા જો કોઈ જગ્યાએ થતી હોય તો એ છે રાજકીય ક્ષેત્ર. દંડવિધાન વિના રાજ્ય ચાલી શકે જ નહીં. ચોરી, લૂંટ, બળાત્કાર, દેશદ્રોહ, ખૂન જેવા અનેક અપરાધ થતા હોય છે. આ અપરાધોને રોકવા ન્યાયાધીશો અપરાધીઓને જેલથી માંડીને મૃત્યુદંડ સુધીની સજા ફટકારતા હોય છે. પ્રશ્ન એ છે કે આવી હિંસાને રોકી શકાય ખરી? જો દંડ વિનાનું રાજ્ય હોય તો પ્રજા દુ:ખી-દુ:ખી થઈ જાય. જે રાજા અપરાધીઓને દંડ આપી શકતો નથી તે નમાલો અને પરાક્રમ વિનાનો પુરવાર થાય છે અને જો એવો રાજવી હોય તો તે રાજ્ય કરવાને લાયક નથી. અત્યારે તો રાજાશાહી નથી ચાલતી અને આપણી વાત કરીએ તો આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીમાં રાજવી સ્થાન પર વડા પ્રધાન હોય. હવે તમે જ કહો કે જો દંડ વિનાનો દેશ કરી નાખવામાં આવે તો પ્રજામાં જે દુઃખ-દુઃખ પ્રસરે એ દુઃખને સ્વીકાર્ય ગણી શકાય ખરું?
હા, એવું બને કે લોકશાહીમાં કોઈ રાજ્યમાં એક જ પ્રકારના અપરાધ માટે ઓછી સજા હોય તો કોઈ જગ્યાએ ભયંકર સજા હોય. એવું પણ બને કે એક રાજ્યમાં જેને અપરાધ માનવામાં આવતો હોય એને બીજા રાજ્યમાં અપરાધ ન માનવામાં આવતો હોય. જેમ કે દારૂબંધી. તમે જરા ધ્યાનથી જુઓ. દારૂબંધી ગુજરાતમાં અપરાધ છે. તમે દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં ફરતા હો તો એ અપરાધ છે, પણ આ જ કાર્ય તમે મહારાષ્ટ્રમાં કરો અને જો ધમાલ ન કરતા હો તો એ જરા પણ ગુનો નથી. આવી રીતે રાજકીય અપરાધો દ્વારા થનારી અવ્યવસ્થાને રોકવા દંડવિધાન જરૂરી છે, જેમાં હિંસા કે ગુનો તો થતાં જ હોય છે.
ફરી-ફરીને પ્રશ્ન એ થાય છે કે અપરાધીઓને દંડ કરવાની હિંસા કર્યા વિના રાજ્યવ્યવસ્થા ચાલી શકે? ભલે એ હિંસા ન્યાયપૂર્વકની હોય, પણ હિંસા તો ખરી જને અને ન્યાય તો હંમેશાં વિવાદાસ્પદ રહેતો હોય છે. એકની દૃષ્ટિએ ન્યાય હોય તો બીજાની દૃષ્ટિએ અન્યાય પણ થયો હોય. એમ છતાં પૂરું વિશ્વ આ ક્ષેત્રની હિંસાને સ્વીકારીને જ ચાલે છે અને માત્ર આ જ ક્ષેત્રની નહીં, સામાજિક ક્ષેત્રની પણ અમુક પ્રકારની હિંસા સ્વીકારીને જ ચાલે છે. આ જે સ્વીકાર છે એ સ્વીકારમાં ક્યાંક ને ક્યાંક છટકબારી છે, પણ એ છટકબારીને જીવહિંસા સાથે જોડી રાખવામાં નથી આવતી. હવે તમે જ કહો કે શું આને સગવડિયો ધર્મ ન કહેવાય? શું આને તમારા હિતમાં આકાર આપવામાં આવેલો ધર્મ ન કહી શકાય?
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)