ચિહન હથેળીમાં ક્યાં આવેલું છે એ પણ મહત્ત્વનું છે. એ પરિણામમાં વધઘટ સૂચવી શકે છે
પ્રતીકાત્મક તસવીર
આજની વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અહીં જે વાત કહેવાય છે એ ચિહ્નો ક્યારેય સ્પષ્ટ રીતે હાથમાં દેખાતાં નથી હોતાં, કારણ કે હાથ એ કૅન્વસ નથી અને હસ્તરેખા એ બ્રશ નથી કે તમે એક્ઝૅક્ટ એ જ ચિહ્ન હાથમાં બનાવો. આકૃતિ અસ્પષ્ટ કે આછી હોઈ શકે, પણ એનો અર્થ એવો નથી સરતો કે રિઝલ્ટમાં કોઈ ફરક આવે. બીજી વાત, ચિહન હથેળીમાં ક્યાં આવેલું છે એ પણ મહત્ત્વનું છે. એ પરિણામમાં વધઘટ સૂચવી શકે છે.
હવે વાત કરીએ હસ્તરેખાથી બનતાં અન્ય ચિહ્નોની, જેમાં વાત કરવાની ધજાની.
ADVERTISEMENT
ધજાનું હથેળીમાં હોવું | જો હાથમાં ધજા હોય તો એ દર્શાવે છે કે વ્યક્તિ અત્યંત જ્ઞાની અને અભ્યાસી છે. તે કશું પણ જાણવા માગતી હોય તો અધકચરી માહિતી સાથે નહીં પણ પૂરી માહિતી સાથે ગાગરમાં સાગર ભરવાની માનસિકતા સાથે આગળ વધવામાં માને છે. હિન્દુ ધર્મમાં ધજાને વિજય-ચિહ્ન તરીકે પણ જોવામાં આવે છે. હથેળીમાં જો હસ્તરેખા દ્વારા ધજા બનતી હોય તો એ વ્યક્તિ પોતાના કામને સુખરૂપ રીતે પાર પાડનારી અને કરેલા કામમાં માઇલસ્ટોન પુરવાર કરનારી હોય છે. આવી વ્યક્તિને કામ સોંપ્યા પછી નિરાંતે સૂઈ જાઓ તો પણ કશું લૂંટાઈ નથી જતું.
પોતાના અંતિમ શ્વાસ સુધી તે પોતાની જવાબદારી શ્રેષ્ઠ રીતે નિભાવે છે અને સામેની વ્યક્તિને નિષ્ફિકર રાખે છે.
ફૂલનું હાથમાં હોવું | જો હાથમાં ત્રણ પાંખડીવાળું ફૂલ હોય તો એને કમળ તરીકે શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે, પણ એને માત્ર કમળ ગણવાને બદલે જો ફૂલ તરીકે જોવામાં આવે તો પણ વાજબી છે. હસ્તરેખા દ્વારા હાથમાં કમળ બનતું હોય તે વ્યક્તિ પોતાના સ્વભાવથી સૌ વચ્ચે ખુશ્બૂ પ્રસરાવવાની ક્ષમતા ધરાવતી હોય છે. આવી વ્યક્તિ સાથે બંધાયેલો સંબંધ લાંબો સમય ટકતો હોય છે અને એ સંબંધ અકબંધ રહે એ માટેના પ્રયાસો આ પ્રકારનું ફૂલનું ચિહ્ન ધરાવતી વ્યક્તિ જ કરતી હોય છે.
હાથમાં ફૂલ કે કમળનું ચિહ્ન હોય તે વ્યક્તિ સ્વભાવે ઋજુ હૃદયની હોય છે. અન્યની પીડા તે જોઈ શકતી નથી અને એટલે જ તે પોતાનું બધું ત્યજીને પણ અજાણ્યાની મદદ કરવા માટે તત્પર રહે છે.
સ્વસ્તિકનું હાથમાં હોવું | રાજયોગ ધરાવતું આ ચિહ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. હસ્તરેખાથી બનતો સ્વસ્તિક જેટલો વધુ ઘટ્ટ હોય એટલું તેનું જીવન સંઘર્ષમુક્ત રહે છે. અત્યંત ઘટ્ટ સ્વસ્તિક ધરાવતી વ્યક્તિનો જન્મ અબજોપતિ પરિવારમાં થયો હોય એવું બની શકે, જ્યારે આછું ચિહ્ન ધરાવતી વ્યક્તિ પોતે અબજોપતિ બનવાની દિશામાં આગળ વધે એવું બની શકે છે. સ્વસ્તિક હાથમાં હોય તે વ્યક્તિ રાજકારણમાં પણ ઉચ્ચ સ્થાન સુધી પહોંચે છે અને સદાકાળ વિજયી રહે છે.
આ પ્રકારની વ્યક્તિના જીવનમાં સંઘર્ષ આવે તો તેને મદદ કરવા માટે અજાણી વ્યક્તિ પણ તત્પર રહે છે. હથેળીમાં સ્વસ્તિક ધરાવતી વ્યક્તિને એવો જીવનસાથી મળે છે જે માત્ર આંખના ઇશારે પણ વાત સમજી જાય અને કોઈ જાતના તર્ક-વિતર્ક વિના એ ઇશારા મુજબનું કાર્ય કરવા રાજી રહે.
સર્કલનું હાથમાં હોવું | સર્કલ એટલે કે ગોળાકાર કે વર્તુળાકાર જો હાથમાં હોય તે વ્યક્તિ વિષચક્રમાં ફસાયેલી જોવા મળે. તે નાનામાં નાની વાતને પણ પડતી મૂકવાને અસમર્થ હોય છે તો સાથોસાથ નાનામાં નાની વાતમાં પણ વધારે પડતું અપસેટ કે ડિસ્ટર્બ રહેનારું વ્યક્તિત્વ ધરાવતી હોય છે. સર્કલ હાથમાં હોય તે વ્યક્તિનો હાથ જળતત્ત્વનો હોય એવું પણ કહી શકાય. આવી વ્યક્તિ પાણી કે પછી પાણી સાથે જોડાયેલી કોઈ ચીજવસ્તુનો વેપાર કરે તો એ તેના માટે લાભદાયી પુરવાર થાય.
આ પ્રકારનું ચિહ્ન ધરાવતી વ્યક્તિએ અગ્નિથી સાવધ રહેવું જોઈએ. તે દૂર રહેશે તો પણ અગ્નિ પ્રકૃતિ ધરાવતી ચીજવસ્તુ કે વ્યક્તિનું આકર્ષણ તેને રહેશે, કારણ કે જળતત્ત્વ અને અગ્નિતત્ત્વ બન્ને એકબીજાના દુશ્મન છે અને સાથોસાથ બન્ને એકબીજાના મારક પણ છે.


