Bol Choth 2023 : 03 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:24 વાગ્યા સુધી આ શુભ યોગ રહેશે. આ સાથે જ જ્યોતિષ પ્રમાણે આ વર્ષે રવિવારે રેવતી નક્ષત્ર, વર્ધમાન નક્ષત્ર અને અશ્વિની નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે.
ફાઈલ તસવીર
શ્રાવણ (Shravan) મહિનો બેસતાં જ વિવિધ ધાર્મિક વ્રત-ઉત્સવોની શરૂઆત થઈ ગઈ છે. આ જ ક્રમમાં શ્રાવણ માસના વદ પક્ષની ચોથની તિથીના દિવસને બોળ ચોથ (Bol Choth 2023) તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રતને `બહુલા ચોથ` તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજના દિવસે મહિલાઓ દ્વારા વ્રત કરવામાં આવે છે. આ વ્રતના દિવસે ખાસ તો ગાય માતાની પૂજા કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો (Hinduism)માં એમ કહેવામાં આવે છે કે ગાય માતાના શરીરમાં ૩૩ કોટિ દેવતાઓનો વાસ હોય છે. આજના આ પાવન બોળ ચોથ (Bol Choth 2023)ના દિવસે ગાય તેમ જ વાછરડાની પૂજા કરવાનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ રહેલું છે. આ વર્ષે બોળ ચોથનો વ્રત તહેવાર આજે એટલે કે 03 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઉજવવમાં આવશે.
ADVERTISEMENT
આ વર્ષે બોળ ચોથ માટે કયું છે શુભ મુહૂર્ત?
બોળ ચોથનું વ્રત શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે માટે જ એ જોવું રહ્યું કે આ વર્ષે ચતુર્થી તિથી ક્યારે શરૂ થાય છે. તો આ વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 08:49 વાગ્યાથી આ તિથીની શરૂઆત થશે. ઉપરાંત 03 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:24 વાગ્યા સુધી આ શુભ યોગ રહેશે.
આ સાથે જ જ્યોતિષ પ્રમાણે આ વર્ષે રવિવારે રેવતી નક્ષત્ર, વર્ધમાન નક્ષત્ર અને અશ્વિની નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. જેને `આનંદ શુભ યોગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે તો `બુધાદિત્ય`, `સર્વાર્થસિદ્ધિ`, `વૃદ્ધિ` અને `ધ્રુવ` નામના અન્ય 4 શુભ યોગ પણ બની રહ્યા છે. આજના બોળ ચોથના દિવસે પૂજાનો સમય સાંજે 06:28થી 06:54 સુધી એટલે કે લગભગ 25 મિનિટ સુધી રહેવાનો છે. આ શુભ સમય દરમ્યાન મહિલાઓ પૂજા કરીને બોળ ચોથ (Bol Choth 2023) વ્રતની ઉજવણી કરી શકે છે.
કઈ રીતે બોળ ચોથનું વ્રત ઉજવવું?
બોળ ચોથ (Bol Choth 2023)નું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતું હોય છે. આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પૂજા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. ઉપરાંત સાંજના સમયે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી. સૌથી પહેલા ભગવાનને કંકુનો ચાંદલો કરી ફૂલ-અક્ષત અર્પણ કરવા. આ સાથે જ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. આજના દિવસે મહિલાઓએ બોળચોથની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે. ઉપરાંત હિંદુ શાસ્ત્ર પ્રમાણે વ્રત કરનાર સ્ત્રીઓએ આજના શુભ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાવી નહીં. ઘઉંમાંથી બનેલ કોઈપણ વાનગી ખાવી નહીં. સાથે જ મહિલાઓએ આજના દિવસે ઘઉં દળવાનું કે શાકભાજી સમારવાનું કામ પણ કરવું નહીં. આ ઉપરાંત મહિલાઓએ ગાય અને વાછરડાનું પૂજન કરવું. ઉપરાંત સ્ત્રીઓએ બાજરીના રોટલા અને મગનું શાક જ આરોગવાનું હોય છે.

