મારું માનવું છે કે કોઈ પણ વિષય પર જ્યારે તમે બહુ જ ઝીણું-ઝીણું કાંતવા માંડો ત્યારે એ અવ્યાવહારિક થઈ જાય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હિંસા અને અહિંસાનો વિચાર ભારતમાં જેટલો કરવામાં આવ્યો છે એટલો જગતમાં બીજે ક્યાંય કરવામાં નહીં આવ્યો હોય. મારું માનવું છે કે કોઈ પણ વિષય પર જ્યારે તમે બહુ જ ઝીણું-ઝીણું કાંતવા માંડો ત્યારે એ અવ્યાવહારિક થઈ જાય. અર્થાત્ મૂળભૂત જે ચિંતન હતું, જે વિચાર હતો એ ચિંતન, એ વિચાર અવ્યાવહારિક કક્ષાએ પહોંચી જાય. ચિંતનમાં પણ મધ્યમ માર્ગ જરૂરી છે, જેથી એ વ્યવહારયોગ્ય રહે. મારી સમજણ પ્રમાણે સંપૂર્ણ અહિંસા શક્ય જ નથી. જીવન અને હિંસા એકબીજા સાથે એટલાં મજબૂતાઈથી જોડાયેલાં છે કે એને અત્યંત જુદાં પાડી શકાય નહીં. કેવી રીતે એ સમજવા માટે આપણે હિંસાનાં મુખ્ય ક્ષેત્રો જોવાં પડે.
હિંસાનાં મુખ્યત: ચાર ક્ષેત્રો છે; એક, સૂક્ષ્મ જીવાણુઓ, બીજું, પશુ-પક્ષીઓ અને તેમની કૅટેગરીમાં આવતા જીવો. ત્રીજું, અપરાધીઓ અને ચોથા નંબરે છે રાષ્ટ્રના શત્રુઓ.
વાત શરૂ કરીએ આપણે સૂક્ષ્મ જીવાણુઓથી, તો સૌથી પહેલું તમને એ કહેવાનું કે સંપૂર્ણ વિશ્વ સૂક્ષ્મ જંતુઓથી ખીચોખીચ ભરેલું છે. એમાં કેટલાક જીવાણુઓ જીવન માટે હિતકારી છે તો કેટલાક જીવન માટે હાનિકારક છે. આ નિયમ આખા વિશ્વના બધા પદાર્થો માટે પણ કહી શકાય. હાનિકારક અને લાભકારક એમ બન્ને પ્રકારના પદાર્થોથી વિશ્વ ભરપૂર ભર્યું છે. જીવન જીવનારના વિવેક પર એનો ઉપયોગ આધારિત છે. સૂક્ષ્મ જંતુઓમાં પણ કંઈક એવું જ છે. વાયુમાં બૅક્ટેરિયા ભરપૂર છે. આપણા શ્વાસોચ્છ્વાસમાં અબજોની સંખ્યામાં એ શરીરમાં આવ-જા કરે છે. એનાથી બચવા કે એને રોકવા માગીએ તો પણ એને નથી રોકી શકાતા કે નથી એનાથી બચી શકાતું.
એક મુદ્દો સારી રીતે સમજી લેવામાં આવે તો ઘણા ઉકેલ સરળતાથી આવી જાય. આખું વિશ્વ ઈશ્વરીય રચના છે અને એની યોજના પ્રમાણે ચાલી રહ્યું છે. ઈશ્વરીય યોજના જ છે કે વિશ્વ બૅક્ટેરિયાથી ખીચોખીચ ભરેલું રહે. સૂક્ષ્મ જંતુઓ તેની જ રચના છે અને વાયુ પણ તેની જ રચના છે. વાયુમાં તદ્દન શૂન્ય કક્ષાએ જંતુઓ હોય જ નહીં તો જીવન પણ ન હોય. ઍરટાઇટ ડબાઓમાંથી વાયુને શૂન્ય કરી નાખવામાં આવે છે એટલે દૂધ-દહીં જેવા પદાર્થો લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે, કારણ કે પદાર્થોની સાથે બૅક્ટેરિયાનો સંબંધ નથી રહેતો. આ બૅક્ટેરિયા જ પદાર્થમાં ફૂગ લાવીને એમાં પરિવર્તન લાવે છે. સડવું અને વિશીર્ણ થવું પણ જીવનનું અનિવાર્ય કલ્યાણકારી અંગ છે, જેના વિનાનું જીવન અને ખાસ તો માનવજીવન સંભવ નથી એ ક્યારેય કોઈએ ભૂલવું ન જોઈએ. આ જ વિષય પર વાત કરીશું આવતી કાલે...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)