Jabariya Jodi Review: બૉલીવુડના તડકા માં ડૂબી જબરિયા જોડી

Published: Aug 10, 2019, 10:17 IST | ફિલ્મ-રિવ્યુ - જબરિયા જોડી | મુંબઈ

વાસ્તવિકતાથી કોસો દૂર એવી સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની આ ફિલ્મને જબરદસ્તી જોવા જવાની કોઈ જરૂર નથી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની ફિલ્મ ‘જબરિયા જોડી’ને બિહારની પકડવા વિવાહ પ્રથા પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થે અભય સિંહનું પાત્ર ભજવ્યું છે જ્યારે પરિણીતીએ બબલી યાદવનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની રિલીઝને ઘણા સમયથી લંબાવવામાં આવી રહી હતી, પરંતુ ફાઇનલી એ ગઈ કાલે રિલીઝ થઈ છે.

સ્ટોરી-ટાઇમ

આ ફિલ્મની સ્ટોરી જબરદસ્તી કરાવવામાં આવતાં લગ્નની આસપાસ ફરે છે. જોકે આ એક લવ સ્ટોરી છે. અભય સિંહના પિતા હુકુમ સિંહ (જાવેદ જાફરી)ની ગૅન્ગ હોય છે જેઓ દુલ્હાને કિડનૅપ કરીને જબરદસ્તી લગ્ન કરાવતા હોય છે. અભય ફિલ્મમાં બાહુબલીનું પાત્ર ભજવી રહ્યો છે જેનાથી લોકો ડરતા હોય છે અને તે તેના પિતાથી ડરતો હોય છે. દહેજ માગનાર ફૅમિલીના દુલ્હાને કિડનૅપ કરી જબરદસ્તી લગ્ન કરાવવાને અભય સિંહ એક સમાજસેવાનું કાર્ય સમજતો હોય છે. આ કાર્ય માટે તેના પિતા ચાર્જ લેતા હોય છે. જોકે બબલીની એન્ટ્રી અભયના જીવનમાં થવાથી તેને ધીમે-ધીમે સમજાય છે કે તે ખોટું કરી રહ્યો છે. અભય અને બબલીની મુલાકાત આવી જ એક જબરિયા વિવાહમાં થાય છે. બન્ને એકબીજાને જોતાં સમજી જાય છે કે તેઓ બાળપણનાં પ્રેમી છે. (ફિલ્મની શરૂઆતમાં તેમના બાળપણના પ્રેમને દેખાડવામાં આવે છે. બબલી તેની ફૅમિલી સાથે શહેરમાં રહેવા જતી રહે છે અને ત્યારે તે અભયથી અલગ થઈ ગઈ હોય છે.) અભય લોકોના જબરિયા વિવાહ કરાવતો હોય છે, પરંતુ તે પોતે લગ્નથી દૂર ભાગતો હોય છે. તેનું લક્ષ્ય પૉલિટિક્સમાં દાખલ થવાનું હોય છે. જોકે આ તમામ વચ્ચે તેમના વચ્ચે ફરી પ્રેમ પાંગરે છે અને સ્ટોરી આગળ વધે છે.


માર ડાલા


ફિલ્મનો વિષય ખૂબ જ જોરદાર હતો, પરંતુ એટલી જોરદાર ફિલ્મ નથી બની શકી. આ ફિલ્મને પ્રશાંત સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં જે પણ દેખાડવામાં આવ્યું છે એમાં વાસ્તવિકતા સાથે દૂર-દૂર સુધી કોઈ લેવાદેવા નથી. ફિલ્મમાં બૉલીવુડ અને ગ્લૅમરનો તડકો નાખવા જતાં એ વાસ્તવિકતાથી ભટકી ગઈ છે. ઇન્ટરવલ પહેલાંના પાર્ટમાં થોડી મજા આવે છે, પરંતુ નબળા સ્ક્રીનપ્લેના કારણે એ પણ કંટાળાજનક બની જાય છે. ઇન્ટરવલ બાદ ફિલ્મ અચાનક લવ સ્ટોરીની સાથે થોડી ઇમોશનલ બાજુ વળતી જોવા મળે છે. ફિલ્મમાં લવ સ્ટોરીના ઍન્ગલ પર વધુ કામ કરવા કરતાં પકડવા વિવાહને વધુ એક્સપ્લોર કરવામાં આવ્યો હોત તો આજે ફિલ્મ કંઈક અલગ જ બની હોત. સ્ટોરીમાં વધુ ડીટેલિંગની જરૂર હતી. તેમ જ એને ટિપિકલ મસાલા ફિલ્મ કરતાં અનોખી રીતે રજૂ કરવામાં આવી હોત તો એ વધુ રસપ્રદ બની હોત. ફિલ્મની સ્ટોરી બિહાર હોવાની જગ્યાએ પંજાબની હોય એવું વધુ લાગી રહ્યું હતું. પરિણીતીનાં કપડાં પણ પંજાબી લુકની ફીલ આપી રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

ઍક્ટિંગ-ઍક્ટિંગ


આ ફિલ્મની સ્ટોરીનો બેઝ એવો હતો કે દરેક ઍક્ટરને પોતાની ઍક્ટિંગ રજૂ કરવાનો એકસરખો ચાન્સ હતો અને તેમણે એ સાબ‌િત કરી પણ આપ્યું છે. પરિણીતીએ બબલીના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે મૉડર્ન વિચારો ધરાવતી હોવાની સાથે જ એક દબંગ છોકરીને પણ ખૂબ જ સારી રીતે રજૂ કરે છે. તે પહેલેથી એક બબલી છોકરીનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવતી આવી છે. તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘હસી તો ફસી’માં સાથે કામ કર્યું હતું. આથી તેમની કેમિસ્ટ્રીથી લોકોને વધુ આશા હોય એ સમજી શકાય છે. સિદ્ધાર્થે તેનું બાહુબલીનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ સાથે જ એક કન્ફ્યુઝ્‌ડ વ્યક્તિને પણ સ્ક્રીન પર રજૂ કરવામાં તે સફળ રહ્યો છે. પરિણીતી અને સિદ્ધાર્થે બિહારી બોલી માટે ખૂબ જ મહેનત કરી છે અને એ જોઈ શકાય છે. જાવેદ જાફરી અત્યાર સુધીના એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. જોકે તે એક નાલાયક વ્યક્તિના કૅરૅક્ટરને વધુ સારી રીતે રજૂ કરી શક્યો હોત. ડિરેક્ટરે તેના પાત્ર પર પણ મહેનત કરવાની જરૂર હતી. અભય હંમેશાં હુકુમ સિંહથી ડરતો હોય છે અને તે એટલા માટે લગ્ન કરવા નથી ઇચ્છતો કે તે તેના પિતાની જેમ તેની પત્નીને દુઃખી કરવા નથી માગતો. જોકે આ બૅક-સ્ટોરીને પણ વધુ સારી રીતે દેખાડી શકાઈ હોત.


પરિણીતીના પિતાનું પાત્ર સંજય મિશ્રાએ ભજવ્યું છે. સંજય મિશ્રા અને નીરજ સૂદની જોડીએ ફિલ્મને સંપૂર્ણ કંટાળાજનક બનાવતાં બચાવી લીધી છે. સંજય મિશ્રા તેમના કૉમિક ટાઇમિંગ માટે ખૂબ જ જાણીતા છે અને ફિલ્મમાં પણ તેઓ લાજવાબ છે. તેમની સાથે આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાનાએ પણ સારું કામ કયું છે. બબલીના બેસ્ટ ફ્રેન્ડ સંતોષનું પાત્ર અપારશક્તિએ ભજવ્યું છે. તેના દરેક સપોર્ટ‌િંગ રોલમાં તેણે ખૂબ જ સારી ઍક્ટિંગ કરી છે અને આ પણ એમાંથી બાકાત નથી. જોકે જાવેદ જાફરીની જેમ અપારશક્તિના પાત્રને પણ વધુ એક્સપ્લોર કરી શકાયું હોત.

આ પણ વાંચોઃ તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ


આખરી સલામ


આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતીના ફૅન્સ થિયેટરમાં જોઈ શકે છે નહીંતર કોઈ પણ વ્યક્તિએ જબરદસ્તી ફિલ્મને જોવાની જરૂર નથી. ફિલ્મને બહુ જલદી સ્ટ્રીમિંગ સર્વિસ ZEE5 પર રજૂ કરવામાં આવશે, પરંતુ એનું સબસ્ક્રીપ્શન ન હોય તો પણ એ આ ફિલ્મ માટે ખરીદવાની જરૂર નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK