Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુલઝારને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ

ગુલઝારને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ

13 April, 2014 07:32 AM IST |

ગુલઝારને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ

ગુલઝારને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ




બૉલીવુડની ફિલ્મોમાં અનેક યાદગાર ગીતો લખનારા ઋજુ હૃદયના કવિ અને સાવ હળવી પણ મર્મસ્પર્શી ફિલ્મો બનાવનારા અને અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ લખનારા ગુલઝારને વર્ષ ૨૦૧૩નો લબ્ધપ્રતિષ્ઠ દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવાની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી.

દેશમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રદાન બદલ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો આ સૌથી મોટો પુરસ્કાર છે અને આ પુરસ્કારની રેસમાં મિસ્ટર ભારતનું બિરુદ મેળવનારા મનોજકુમાર અને જમ્પિંગ જૅક તરીકે ઓળખાતા જિતેન્દ્રનું નામ પણ હતું, પણ ૪૫મા દાદાસાહેબ ફાળકે અવૉર્ડના વિજેતા તરીકે પાકિસ્તાનમાં જન્મેલા અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ ભારત આવેલા અને મુંબઈ આવીને એક ગૅરેજમાં મેકૅનિક તરીકે કામ શરૂ કરનાર અને ફુરસદના સમયમાં કવિતા લખનારા ઋજુ હૃદયના કવિ એવા ૭૯ વર્ષના ગુલઝારની પસંદગી થઈ હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાએ ગઈ કાલે આ જાહેરાતની ઘોષણા કરી હતી. સાત મેમ્બરોની જ્યુરીએ આ અવૉર્ડ માટે આવેલાં તમામ નામોમાંથી એક મતે ગુલઝારની પસંદગી કરી હતી.

૧૯૩૪માં હાલના પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં ઝેલમ પાસે દિના નામના ગામમાં ગુલઝારનો જન્મ કાલરાપરિવારમાં થયો હતો અને તેમનું નામ સંપૂરણ સિંહ કાલરા છે. દેશના ભાગલા પડ્યા ત્યારે એ વિભાજનની વેદના સહન કરનારા અનેક પરિવારોમાં કાલરાપરિવાર પણ સામેલ હતો અને કાલરાપરિવાર ભારતમાં આવીને અમ્રિતસરમાં વસ્યો હતો. જોકે ગુલઝાર કરીઅર બનાવવા માટે મુંબઈ આવી ગયા અને એક ગૅરેજમાં મેકૅનિક તરીકે કામ કરવા લાગ્યા. તેમને જ્યારે ફુરસદ મળતી ત્યારે તેઓ કવિતાઓ લખતા. તેમના પિતાએ કહ્યું હતું કે તું ગીતો લખીશ તો તારે જીવનનિર્વાહ માટે ભાઈઓ પર આધાર રાખવો પડશે, પણ ગુલઝાર માન્યા નહોતા અને તેમનો ક્રીએટિવ જીવ તેમને સફળતાની સીડી સુધી દોરી ગયો હતો.

કરીઅરની ધમાકેદાર શરૂઆત

ગુલઝારની ફિલ્મી કરીઅર ૧૯૫૬માં શરૂ થઈં હતી. વિખ્યાત ડિરેક્ટર બિમલ રૉયની ફિલ્મ ‘બંદિની’માં તેમણે ‘મોરા ગોરા અંગ લઈ લે’ ગીત લખ્યું હતું અને એ ફિલ્મમાં નૂતન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત રાતોરાત સુપરહિટ થયું હતું.

ગ્રેટ સંગીતકારો સાથે કામ

ગુલઝારે સૌથી સફળ ગણાતા તમામ સંગીતકારો સાથે કામ કર્યું હતું જેમાં સચિન દેવ બર્મન, સલિલ ચૌધરી, શંકર જયકિશન, હેમંતકુમાર, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, મદન મોહન, રાજેશ રોશન તેમ જ નવા જમાનાના અનુ મલિક અને શંકર-એહસાન-લૉયનો સમાવેશ છે. તેમણે રાહુલ દેવ બર્મન, એ. આર. રહમાન અને વિશાલ ભારદ્વાજ સાથે અનોખી ક્રીએટિવ પાર્ટનરશિપ ઊભી કરી હતી.

ક્રીએટિવ કામ

ગુલઝારે સ્ટોરી, ડાયલૉગ અને સ્ક્રિપ્ટ-રાઇટર તરીકે પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મના મોટા પડદા સિવાય સ્મૉલ-સ્ક્રીન તરીકે ઓળખાતા ટીવી માટે પણ તેમણે કામ કર્યું હતું. તેમણે ‘મિર્ઝા ગાલિબ’ અને ‘તહરીર મુંશી પ્રેમચંદ કી’ ટીવી-સિરિયલોનું નિર્માણ કર્યું હતું. ‘હેલ્લો ઝિંદગી’, ‘પોટલી બાબા કી’ અને ‘જંગલ બુક’ જેવી ટીવી-સિરિયલો માટે તેમણે ગીતો લખ્યાં હતાં અને એ પણ ખૂબ જ પૉપ્યુલર થયાં હતાં.

અનેક અવૉર્ડ મળ્યા

૨૦૦૨માં તેમને સાહિત્ય અકાદમી અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમને અનેક નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ મળ્યા છે. તેમને ૨૦ વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યા છે એ પણ એક રેકૉર્ડ છે.

ઇન્ટરનૅશનલ સન્માન

ઑસ્કર અવૉર્ડ્સમાં ૨૦૦૯માં એકદમ છવાઈ ગયેલી અને ભારતીય સ્ટોરી પર બનેલી ડૅની બૉયલની ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેર’માં તેમણે લખેલા ‘જય હો’ને ઓરિજિનલ સોન્ગનો અકાદમી અવૉર્ડ સંગીતકાર એ. આર. રહમાન સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. ૨૦૧૦માં ‘જય હો’ માટે તેમને પ્રતિષ્ઠિત ગ્રૅમી અવૉર્ડ પણ મળ્યો હતો.

ગુલઝારની સાહિત્યસફર

ગુલઝારની કવિતાઓ ‘ચાંદ પુખરાજ કા’, ‘રાત પશ્મિને કી’ અને ‘પંદ્રહ પાંચ પચહત્તર’ (૧૫-૦૫-૭૫) એમ ત્રણ ભાગમાં પ્રકાશિત થઈ છે. આ સિવાય તેમની શૉર્ટ સ્ટોરીઝ ‘રવિ-વાર’ (પાકિસ્તાનમાં ‘દસ્તખત’) અને ‘ધુઆં’ એ નામે પ્રકાશિત થઈ છે. તેમણે ઉદૂર્માં ‘ત્રિવેણી’ના નામે ઓળખાતી ત્રણ લાઇનની કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી જે એકદમ લોકપ્રિય બની હતી.

રાખી સાથે લગ્ન

તેમણે ફિલ્મ-ઍક્ટ્રેસ રાખી સાથે લગ્ન કર્યા હતાં અને તેમને મેઘના (બૉસ્કી) નામની એક પુત્રી છે. તેમની પુત્રી એક વર્ષની હતી ત્યારે રાખી અને ગુલઝાર છૂટાં પડ્યાં હતાં, પણ તેમણે છૂટાછેડા લીધા નથી. પુત્રી મેઘના પિતા સાથે રહેતી હતી અને તેણે ન્યુ યૉર્કમાં ફિલ્મ વિષય સાથે ગ્રૅજ્યુએશન કર્યું હતું અને તે પિતા સાથે ફિલ્મો બનાવે છે. તેણે ‘ફિલહાલ’, ‘જસ્ટ મૅરિડ’ અને ‘દસ કહાનિયાં’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. ૨૦૦૪માં તેણે ગુલઝારની બાયોગ્રાફી લખી હતી.

અવૉર્ડ કહે છે કે તમે યોગ્ય રાહ પર છો : ગુલઝાર

ગુલઝારે ગીતકાર, ડિરેક્ટર, સ્ક્રિપ્ટરાઇટર, પ્રોડ્યુસર, કવિ એમ અનેક રોલ નિભાવ્યા છે અને આ બહુમુખી પ્રતિભા માટે તથા ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના વિકાસ અને વૃદ્ધિમાં આપેલા આઉટસ્ટૅન્ડિંગ યોગદાન માટે તેમને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે.

દાદાસાહેબ ફાળકે અવૉર્ડ જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતાં ગુલઝારે કહ્યું હતું કે ‘આ અવૉર્ડ મેળવતાં હું ખુશી અનુભવી રહ્યો છું અને એ આપવા માટે હું જ્યુરીના મેમ્બરો અને લોકોનો આભાર માનું છું. આ અવૉર્ડ એક સન્માન છે અને એ તમને કહે છે કે તમારું કામ લોકોને ગમે છે અને તમે યોગ્ય રાહ પર છો.’

ગુલઝારની ફિલ્મો

ગુલઝારે ૧૯૬૦ના દાયકામાં ફિલ્મ-જીવનની શરૂઆત કરી હતી. ‘આશીર્વાદ’, ‘આનંદ’ અને ‘ખામોશી’ જેવી ફિલ્મોમાં તેમના ડાયલૉગે ધૂમ મચાવી હતી. એ પછી ૧૯૭૧માં તેમણે તપન સિંહાની એક બંગાળી ફિલ્મની હિન્દી રીમેક ‘મેરે અપને’થી ડિરેક્ટર તરીકેની ઇનિંગ્સ શરૂ કરી હતી. એમાં મીનાકુમારીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

એ પછી ૧૯૭૨માં જિતેન્દ્ર સાથે ‘પરિચય’ અને સંજીવકુમાર અને જયા ભાદુડી સાથે ‘કોશિશ’ જેવી ફિલ્મો બનાવી હતી. પછી ૧૯૭૩માં વિનોદ ખન્ના સાથે ‘અચાનક’ ફિલ્મ બનાવી હતી જે ૧૯૫૮ના એક મર્ડરકેસ પર આધારિત હતી.

૧૯૭૫માં તેમણે કમલેશ્વરની ‘કાલી આંધી’ નામની નવલકથા પરથી સંજીવકુમાર અને સુચિત્રા સેનને લઈને ‘આંધી’ નામની ફિલ્મ બનાવી હતી. એવું કહેવાતું હતું કે આ ફિલ્મ ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત હતી, પણ હકીકતમાં એ તારકેશ્વરી સિંહાની કહાની હતી. ઇમર્જન્સીને કારણે આ ફિલ્મ થિયેટરોમાં પ્રદર્શિત કરી શકાઈ નહોતી.

આ સિવાય તેમની એ સમયની ફિલ્મોમાં ‘કિનારા’, ‘ખુશ્બૂ’, ‘મીરા’, ‘લિબાસ’ અને ‘લેકિન’નો સમાવેશ છે. કાશ્મીરમાં આતંકવાદના વિષય પર તેમણે ૧૯૯૬માં ‘માચિસ’ ફિલ્મ બનાવી હતી. આ સિવાય ૧૯૯૯માં તેમણે રાજકારણ અને ભ્રષ્ટાચારના વિષય પર ‘હુ તુ તુ’ ફિલ્મ બનાવી હતી.

ફ્લૅશ-બૅકમાં સ્ટોરીની શરૂઆત થાય એ તેમની ખાસ વિશેષતા હતી.

ગુલઝારનાં વિખ્યાત ગીતો

મોરા ગોરા અંગ લઈ લે (બંદિની), તેરે બિના ઝિંદગી સે કોઈ (આંધી), બીતી ના બિતાઈ રૈના, તુઝસે નારાઝ નહીં ઝિંદગી (માસૂમ), નામ ગુમ જાએગા (કિનારા), મેરા કુછ સામાન (ઇજાઝત), દો દીવાને શહર મેં (ઘરોંદા), આનેવાલા પલ જાનેવાલા હૈ (ગોલમાલ), યારા સિલી સિલી (લેકિન), દિલ તો બચ્ચા હૈ જી (ઇશ્કિયા), બીડી જલઈ લે (ઓમકારા), કજરારે કજરારે (બન્ટી ઔર બબલી), છય્યાં છય્યાં (દિલ સે), જય હો (સ્લમડૉગ મિલ્યનેર)


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2014 07:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK