સિમ્પલ સ્ટોરીને ખૂબ ઇન્ટરેસ્ટિંગ રીતે અને ચતુરાઈપૂર્વક સુજૉય ઘોષે રજૂ કરી છે અને જો વધુ પડતા ટ્વિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હોત તો ફિલ્મનો એસેન્સ જાળવી ન શકાયો હોત: સ્ક્રિપ્ટના દરેક પાત્રને ઍક્ટરે ખૂબ સારી રીતે પર્ફોર્મ કર્યું છે
વેબ સિરીઝ જાનેજાન
જાને જાન
કાસ્ટ : કરીના કપૂર ખાન, જયદીપ અહલાવત, વિજય વર્મા
ડિરેક્ટર : સુજૉય ઘોષ
ADVERTISEMENT
સ્ટાર: 3/5
કરીના કપૂર ખાને ‘જાને જાન’ દ્વારા વેબ ડેબ્યુ કર્યું છે. તેની વેબ-ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે જેને સુજૉય ઘોષે ડિરેક્ટ કરી છે. કેઇગો હિગાશીનોએ લખેલી જૅપનીઝ મિસ્ટરી નૉવેલ ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ એક્સ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવતે કામ કર્યું છે.
સ્ટોરી ટાઇમ
કરીના કપૂર ખાન વેસ્ટ બંગાળના કલીમ પોન્ગમાં રહેતી સિંગલ મધર માયાનું પાત્ર ભજવી રહી છે. તેની ટીનેજ દીકરી તારા સ્કૂલમાં ભણે છે અને તે એક કૅફે ચલાવે છે. તેનો પાડોશી નરેન વ્યાસ સ્કૂલ-ટીચર છે અને મૅથ્સમાં જિનીયસ છે. તે ખૂબ જ શરમાળ છે અને તેની એકદમ હૉટ પાડોશીના પ્રેમમાં છે. એ એક વનસાઇડ પ્રેમ છે. જોકે એ દરમ્યાન એક મર્ડર થાય છે. ડેડ-બૉડીની ફિંગરપ્રિન્ટ સળગાવી દેવામાં આવી છે અને મરનારના ચહેરા પર એટલા ઘા મારવામાં આવ્યા છે કે તે કોણ છે એની જાણ ન થાય. તેના દાંત અને વાળ પણ ગાયબ કરી દેવામાં આવે છે જેથી ડીએનએ દ્વારા પણ તેની કોઈ ઓળખ ન થઈ શકે. એ દરમ્યાન મુંબઈ પોલીસમાં કામ કરતો કરણ આનંદ (વિજય વર્મા) એક કેસની શોધમાં કલીમ પોન્ગ આવે છે. તે ભારે શાતિર છે. તેને અંદાજ આવી જાય છે કે આ ડેડ-બૉડી એ જ વ્યક્તિની છે જેને શોધવા તે અહીં આવ્યો છે. એ માટે તેની પ્રાઇમ સસ્પેક્ટ માયા છે અને ત્યાંથી મર્ડર અને પોલીસ-તપાસની સ્ટોરી આગળ વધે છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મ એક નૉવેલની ઍડપ્ટેશન છે અને એ વાત સુજૉય ઘોષ તેની ફિલ્મ દ્વારા અને એક દૃશ્ય અને ડાયલૉગ દ્વારા ખૂલીને કહે છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ નૉન-લિનિયર છે અને એથી જ સુજૉય ઘોષે એને એકદમ સિમ્પલ રાખવાની સાથે એટલી જ ઇન્ટરેસ્ટિંગ પણ બનાવી છે. આ એક એવી ફિલ્મ છે જેમાં ખૂન કોણે કર્યું છે એની દર્શકોને તો ખબર હોય છે, પણ પોલીસ એ કેવી રીતે શોધે છે એના પર આખી ફિલ્મ છે. આ સ્ટોરી સાંભળીને ‘દૃશ્યમ’ની યાદ આવે છે અને બન્નેમાં સામ્ય પણ છે છતાં આ એક અલગ થ્રિલર ફિલ્મ છે. સુજૉય ઘોષે કેટલાંક દૃશ્યોને ખૂબ સારી રીતે ડિરેક્ટ કર્યાં છે, ખાસ કરીને માયાને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તે કેવી રીતે નરેન વ્યાસને કૉન્ટૅક્ટ કરે છે તેમ જ નરેન અને કરણ વચ્ચેના ક્લાઇમૅક્સનું દૃશ્ય અને માયાનું કરાઓકેમાં ગીત ગાવાનું જે દૃશ્ય છે એને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. ડાયલૉગને પણ ફિલ્મની સિમ્પ્લીસિટી સાથે મૅચ કરવામાં આવ્યા છે તેમ જ સ્ટોરી સાથે સુસંગત મૅથ્સના રેફરન્સ અને ફૉર્મ્યુલાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સિનેમૅટોગ્રાફરે કલીમ પોન્ગની સુંદરતા અને નેચરને ખૂબ સારી રીતે કૅમેરામાં કેદ કર્યું છે અને એને સ્ક્રીન પર અદ્ભુત રીતે સુજૉય ઘોષે રજૂ કર્યું છે.
પર્ફોર્મન્સ
આ ફિલ્મ કરીનાનો વેબ-ડેબ્યુ હોવાને કારણે ખૂબ ચર્ચામાં હતી, પરંતુ બૉસ જયદીપ અહલાવતે શું કામ કર્યું છે. આ ફિલ્મ ભલે કરીનાની પહેલી વેબ-ફિલ્મ હશે, પરંતુ એને જયદીપની ઍક્ટિંગને કારણે યાદ કરવામાં આવશે. તે હંમેશાં અલગ-અલગ પાત્રો કરતો આવ્યો છે, પરંતુ અહીં તે એકદમ અલગ અવતારમાં જોવા મળશે. તે ખૂબ શરમાળ અને શાંત હોવા છતાં તેના દિમાગમાં જે ગડમથલ ચાલતી હોય એ તેના ચહેરા અને બૉડી-લૅન્ગ્વેજમાં જોઈ શકાય છે. તેને જોઈને લાગતું નથી કે તે ઇન્ટેલિજન્ટ હોય, પરંતુ તેના દિમાગમાં જે વિચારોની સુનામી ચાલતી હોય છે એને તેણે ખૂબ સારી રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. જયદીપ સાથે વિજય વર્માએ પણ ખૂબ સારું કામ કર્યું છે. તે એક ઇન્ટેલિજન્ટ ઑફિસર છે અને તેના દરેક ડાયલૉગ અને દરેક સ્ટેટમેન્ટ તથા દરેક વર્તન દ્વારા ખબર પડે છે કે તે ફક્ત અને ફક્ત કેસની તપાસ કરી રહ્યો છે. આ બન્નેને ચોક્કસ કારણસર ઍક્ટર ગણવામાં આવે છે, નહીં કે હીરો, અને એ સાબિત કરવા માટે આ ફિલ્મ પૂરતી છે. આ બન્ને નંબર-વન ઍક્ટર સામે કરીનાએ કામ કર્યું છે. તે એક સિંગલ મધર હોવા છતાં ઇન્ડિપેન્ડન્ટ છે. તેની લાઇફમાં ઘણી મુસીબતો આવે છે અને તે જ્યારે મર્ડરના કેસમાં સસ્પેક્ટ બને છે અને તેની જ્યારે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેના ચહેરા પર ડર જોઈ શકાય છે. તેની દીકરી સાથે તે જ્યારે હોય છે ત્યારે એક મમ્મીનો પ્રેમ દેખાય છે. તે જ્યારે કરણ સાથે કરાઓકેમાં જાય છે ત્યારે પોતાની જવાબદારીમાંથી બ્રેક લઈને થોડો સમય તે પોતે એન્જૉય કરી લે છે. એ દરેક વાતને કરીનાએ ખૂબ સારી રીતે રજૂ કરી છે. આ ત્રણેયની ઍક્ટિંગ જોરદાર છે. જયદીપની ઍક્ટિંગ નંબર-વન છે, તો કરીનાએ પણ તેના પર્ફોર્મન્સને સારીએવી ટક્કર આપી છે. આ બન્ને વચ્ચેનાં જે-જે દૃશ્ય છે એ જોરદાર છે.
આખરી સલામ
આ ફિલ્મના ક્લાઇમૅક્સને લઈને ખૂબ ટીકા થઈ રહી છે. જોકે મર્ડર કોણે કર્યું છે એ પણ દેખાડવામાં આવ્યું છે એને લઈને સવાલ કરવામાં આવે છે. જોકે લોકો શું કહે છે એ નહીં, પરંતુ બુકને ન્યાય આપતાં પોતે કેવી રીતે ક્લાઇમૅક્સ અલગ બનાવી શકે છે અને છતાં પ્લૉટ સાથે છેડછાડ ન થાય એના પર સુજૉય ઘોષે વધુ ધ્યાન આપ્યું છે.

