અનિલ કપૂરનો શો ‘ધ નાઇટ મૅનેજર’ હાલમાં જ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થયો છે

જેરેમી સાથે ‘રેનરવેશન્સ’માં દેખાશે અનિલ કપૂર
અનિલ કપૂર ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘રેનરવેશન્સ’માં જેરેમી રેનર સાથે દેખાવાનો છે. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. અનિલ કપૂરનો શો ‘ધ નાઇટ મૅનેજર’ હાલમાં જ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થયો છે. એમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર પણ લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. એ શો જોઈને શેખર કપૂરે તેની ખૂબ પ્રશંસા કરી છે. એને લઈને ટ્વિટર પર શેખર કપૂરે ટ્વીટ કર્યું કે ‘એ ખરેખર અદ્ભુત બાબત છે કે અનિલ કપૂર જે પણ કામ કરે છે એમાં તે હંમેશાં નિખરી આવે છે. ડિજિટલ પ્લૅટફૉર્મે એ કરી દેખાડ્યું છે જે સિનેમાએ નથી કરી દેખાડ્યું. અનિલ હવે શું લાવવાનો છે? આશા છે કે ઇન્ટરનૅશનલ હશે.’
શેખર કપૂરને જવાબ આપતાં અનિલ કપૂર ટ્વીટ કર્યું કે ‘તમે ખૂબ ઉદાર છો શેખર કપૂર. ડિજિટલ પ્લૅટફૉર્મ નવું છે અને મને એ ખૂબ ગમે છે. વાત ઇન્ટરનૅશનલની છે તો કહી દઉં કે હું ડિઝનીની જેરેમી રેનર સાથે ‘રેનરવેશન્સ’ને લઈને આતુર છું. આશા છે કે તમારા શબ્દો પર હું કાયમ રહું.’