મેં મારી કરીઅરની શરૂઆત જલાલુદ્દીન અકબર સાથે કરી હતી
શીઝાન ખાન
‘અલીબાબા - દાસ્તાન-એ-કાબુલ’માં જોવા મળનાર શીઝાન ખાને જણાવ્યું છે કે આ સિરિયલમાં અલીબાબા અનોખા અવતારમાં દેખાશે. આ સિરિયલમાં તે અલીબાબાના રોલમાં દેખાવાનો છે. આ શો સબ ટીવી પર ટૂંક સમયમાં શરૂ થશે. શીઝાન આ અગાઉ ‘જોધા અકબર’, ‘સિલસિલા પ્યાર કા’, ‘પૃથ્વી વલ્લભ’ અને ‘એક થા રાવન’ જેવી અનેક સિરિયલમાં કામ કરી ચૂક્યો છે. ‘અલીબાબા - દાસ્તાન-એ-કાબુલ’ વિશે શીઝાને કહ્યું કે ‘અલીનું કૅરૅક્ટર જે તમે અગાઉ જોઈ ચૂક્યા છો એના કરતાં અલગ છે. મેં મારી કરીઅરની શરૂઆત જલાલુદ્દીન અકબર સાથે કરી હતી અને ત્યાર બાદ મેં અનેક રોલ્સ કર્યા છે. જોકે અલીબાબાના રોલમાં એક એવું જાદુઈ તત્ત્વ છે જેને મેં અગાઉ કદી પણ નથી ભજવ્યો. સત્ય દેખાડવા માટે એ પાત્ર વ્યક્તિગત રીતે મને સ્પર્શી ગયું છે. એક સમય હતો જ્યારે મને શંકા હતી કે હું આ રોલને ન્યાય આપી શકીશ કે નહીં. જોકે મેં આ ચૅલેન્જ સ્વીકારી અને એ જર્નીને મેં ખૂબ એન્જૉય કરી છે. અલીબાબાનો રોલ કરવા માટે હું એક્સાઇટેડ છું. એ નામને કોઈ ઓળખાણની જરૂર નથી. એના નામ સાથે જ સાહસ જોડાયેલું છે. ‘અલીબાબા-દાસ્તાન-એ-કાબુલ’માં તમને અલીબાબાનાં અનોખાં રૂપ જોવા મળશે. તે દયાળુ અને પાંચ અનાથ બાળકોના પિતા સમાન છે. તે કંઈક મોટું કામ કરવા માગતો હતો, પરંતુ તેના નસીબમાં તો કંઈક અલગ જ લખાયું હતું. તેને જ્યારે તેની ખરી ક્ષમતાનો એહસાસ થતાં તે નવી જર્નીની શરૂઆત કરે છે. તેની લાઇફમાં અનેક નવા વળાંકો છે જે તમને સ્ક્રીન પર જોવા મળશે. તમને તેના પાત્રનો પણ એહસાસ થશે.’


