‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’ના ૩૦૦ એપિસોડ પૂરા થતાં શબ્બીર અહલુવાલિયા અને નિહારિકા રૉયે કર્યો ડાન્સ

શબ્બીર અહલુવાલિયા અને નિહારિકા રૉય
શબ્બીર અહલુવાલિયા અને નિહારિકા રૉયે ડાન્સ કરીને તેમની સિરિયલ ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’ના ૩૦૦ એપિસોડનું સેલિબ્રેશન કર્યું છે. ઝી ટીવી પર આવતો આ શો ૨૦૨૨ના મેમાં શરૂ થયો હતો. શબ્બીર અને નિહારિકાએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને એની માહિતી આપી હતી. આ વિશે શબ્બીરે કહ્યું કે ‘શો સારું પર્ફોર્મ કરે અને તમારા પાત્રને પણ લોકો પ્રેમ આપે ત્યારે એક ગર્વ મહેસૂસ થાય છે. અમારા માટે ૩૦૦ એપિસોડ પૂરા થયા એ ગર્વની વાત છે અને ખુશીની વાત છે. દર્શકોના પ્રેમ અને સપોર્ટ મેળવવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ અને જ્યારે અમને એ પ્રેમ અને સપોર્ટ મળે ત્યારે એનાથી મહત્ત્વની વાત બીજી કોઈ હોઈ ન શકે. હજી તો આ સેલિબ્રેશનની શરૂઆત થઈ છે, ભવિષ્યમાં અમારે ઘણી સિદ્ધિ મેળવવાની છે.’
આ વિશે નિહારિકાએ કહ્યું કે ‘હું હમણાં ખૂબ ખુશ છું અને એ ખુશી મારી સાથે થોડા દિવસ સુધી રહેશે, કારણ કે આ લીડ તરીકે મારો પહેલો શો છે અને અમે આ સિદ્ધિ મેળવી છે. હું શું ફીલ કરી રહી છું એ શૅર કરવા માટે પણ હું ખૂબ એક્સાઇટેડ છું, કારણ કે હજી પણ એવું લાગી રહ્યું છે કે અમે ગઈ કાલે જ શૂટિંગ શરૂ કર્યું હોય અને હવે એના ૩૦૦ એપિસોડ થઈ ગયા છે. હું એવી આશા રાખી રહી છું કે અમને આ રીતે સેલિબ્રેશન કરવા માટે ભવિષ્યમાં પણ ઘણાં કારણ મળે અને દર્શકોનો પ્રેમ મળતો રહે.’