આ શો જિયો સિનેમા પર ૨૧ જૂનથી શરૂ થવાનો છે
અનિલ કપૂર
‘બિગ બૉસ OTT 3’ને આ વખતે અનિલ કપૂર હોસ્ટ કરશે અને તેનું માનવું છે કે ‘બિગ બૉસ’ ટાઇમલેસ છે. આ શો જિયો સિનેમા પર ૨૧ જૂનથી શરૂ થવાનો છે. પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી. બીજી સીઝનને સલમાન ખાને હોસ્ટ કરી હતી. હવે એની ત્રીજી સીઝનમાં પોતાના ઝકાસ અંદાજનો ઉમેરો અનિલ કપૂર કરવાનો છે. આ શો વિશે અનિલ કપૂર કહે છે, ‘‘બિગ બૉસ OTT’ અને હું ડ્રીમ ટીમ છીએ. અમે બન્ને દિલથી યંગ છીએ. લોકો મને હંમેશાં કહે છે કે દિવસે ને દિવસે મારી ઉંમર ઘટતી જાય છે. જોકે ખરું કહું તો ‘બિગ બૉસ’ ટાઇમલેસ છે. એવું લાગે છે કે હું ફરી પાછો સ્કૂલમાં ગયો છું, નવી વસ્તુઓ અજમાવી રહ્યો છું અને એ મને એક્સાઇટ કરે છે.’
આ શોમાં પૂરા જોશ સાથે કામ કરવા વિશે અનિલ કપૂર કહે છે, ‘હું મારા તમામ પ્રોજેક્ટ્સમાં પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ કરું છું. એ જ એનર્જી સાથે હું ‘બિગ બૉસ OTT’માં કામ કરીશ. દરેક માટે અહીં હાસ્ય, ડ્રામા અને ચોંકાવનારા ટ્વિસ્ટ્સ હશે અને એમાં હું મારો અંદાજ ઉમેરવા માટે આતુર છું.’