મારે હવે ફિલ્મ ડિરેક્ટ કરવી છે : આદર્શ ગૌરવ, પરિણીતીનો સૅન્ટા , સુનીલ શેટ્ટીએ ખરીદી ઇલેક્ટ્રિક કાર અને વધુ સમાચાર
કરણવીર બોહરા
‘બિગ બૉસ’ની ૧૭મી સીઝનમાં હાલમાં ખૂબ ધમાચકડી મચી ગઈ છે. અંકિતા લોખંડે અને વિકી જૈનનો ઝઘડો જગજાહેર બની ગયો છે. આ શોમાં વાઇલ્ડ કાર્ડ દ્વારા આયેશા ખાનની એન્ટ્રી થઈ છે. તેણે મુનવ્વર ફારુકી પર ખોટું બોલવાના અને ચીટિંગ કરવાના આરોપ લગાવ્યા છે. હાલમાં પ્રિન્સ નરુલાએ મુનવ્વરનો સપોર્ટ કર્યો હતો અને ‘બિગ બૉસ’ની નિંદા કરી હતી. હવે કરણવીર બોહરાએ પણ ‘બિગ બૉસ’નો ઊધડો લીધો છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કરણવીર બોહરાએ લખ્યું કે ‘વાઉ ‘બિગ બૉસ’, કોઈની લાઇફ બરબાદ કરવામાં તમારાથી સારું બીજું કોઈ ન હોઈ શકે. જેણે જે કર્યું છે એની સજા તેને ભગવાન આપશે. તમે શા માટે ભગવાન બનતા ફરો છો?’
મારે હવે ફિલ્મ ડિરેક્ટ કરવી છે : આદર્શ ગૌરવ
ADVERTISEMENT
‘ધ વાઇટ ટાઇગર’માં જોવા મળેલા આદર્શ ગૌરવને હવે ફિલ્મ ડિરેક્ટ કરવી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે. તેણે ગીત પણ લખ્યાં છે. ફિલ્મમેકર બનવાની ઇચ્છા વ્યક્ત કરતાં આદર્શ ગૌરવે કહ્યું કે ‘હું એ નથી જાણતો કે કેટલા સમય સુધી હું ઍક્ટર રહીશ. મારે ફિલ્મો ડિરેક્ટ કરવી છે. મેં સ્ટોરી પણ લખી રાખી છે. મારે ડિરેક્ટિંગ શરૂ કરવું છે. મારે ફિલ્મમેકર બનવું છે.’સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો પોતાના કામને શૅર કરે છે. એના દ્વારા લોકો સુધી ઝડપથી પહોંચી શકાય છે. ઇન્સ્ટાગ્રામ વિશે આદર્શ ગૌરવે કહ્યું કે ‘જો ઇન્સ્ટાગ્રામ ન હોત તો બીજું કોઈ પ્લૅટફૉર્મ હોત. મારા માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે એક ક્રીએટર તરીકે હું સતત મારી સ્કિલ પર અને મને જેમાં ઇન્ટરેસ્ટ છે એને વિકસાવવા પર ધ્યાન આપું. ઇન્સ્ટાગ્રામ પાગલપનનું ટેમ્પરરી માધ્યમ છે અને એના પર હું મારાં ગીતો શૅર કરું છું. આજે ઇન્સ્ટાગ્રામ છે, આવતી કાલે બીજું કાંઈક હશે. જોકે જે વસ્તુ હંમેશાં મારી સાથે હશે એ છે મારો સ્ટોરી કહેવાનો આઇડિયા.’
એનજીઓનાં બાળકો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી સ્નેહાએ
નાનાં બાળકોના ચહેરા પર આનંદ લાવવાનું કામ સ્નેહા વાઘે કર્યું છે. તેણે ગઈ કાલે વાત્સલ્ય ફાઉન્ડેશનનાં બાળકો સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું. એની નાનકડી ઝલક તેણે શૅર કરી છે. સૅન્ટા ક્લૉઝે આવીને તેમની ખુશીમાં ઉમેરો કર્યો હતો. સ્નેહા એ બાળકો સાથે ગેમ રમી હતી, તેમની સાથે ડાન્સ કર્યો હતો અને બાળકોને ગિફ્ટ્સ પણ આપી હતી. સ્નેહાના કામની વાત કરીએ તો તેણે ‘અધૂરી એક કહાની’, ‘એક વીર કી અરદાસ - વીરા’, ‘ચન્દ્રગુપ્ત મૌર્ય’, ‘નીરજા-એક નયી પહચાન’ અને ‘ના ઉમ્ર કી સીમા હો’માં કામ કર્યું હતું. ક્રિસમસ સેલિબ્રેશનનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્નેહા વાઘે કૅપ્શન આપી હતી, ‘અહીં મારો દિવસ શાનદાર રહ્યો. વાત્સલ્ય ફાઉન્ડેશન, મારું ઉમળકાભેર સ્વાગત કરવા બદલ આભાર. આ વખતે ક્રિસમસમાં આનાથી વિશેષ હું કાંઈ ન માગી શકું. આ અદ્ભુત બાળકોને મળીને મારી લાઇફ વધુ સારી બની ગઈ. મૅરી ક્રિસમસ.’
પરિણીતીનો સૅન્ટા
પરિણીતી ચોપડાએ તેના હસબન્ડ રાઘવ ચઢ્ઢાને પોતાનો સૅન્ટા કહ્યો છે. તેઓ બન્ને ક્રિસમસના સેલિબ્રેશનમાં ડૂબી ગયાં છે. તેઓ લંડનમાં ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. તેમણે ઉદયપુરમાં આ વર્ષની ૨૪ સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં. રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીમાં લીડર છે. પરિણીતીએ એક રોમૅન્ટિક ફોટો શૅર કર્યો છે અને એમાં તેણે બ્લૅક ટ્રેન્ટ કોટ અને બૂટ પહેર્યાં છે. પરિણીતી રાઘવ પર ઢળી પડી છે. બન્ને એકમેકના પ્રેમમાં ગળાડૂબ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, ‘આજીવન મારા આ સૅન્ટા પર નિર્ભર છું.’
સુનીલ શેટ્ટીએ ખરીદી ઇલેક્ટ્રિક કાર
સુનીલ શેટ્ટીએ પહેલી ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. તેણે પોતાની કારના કાફલામાં વધુ એક આલીશાન કારનો ઉમેરો કર્યો છે. એની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી છે. તેણે કાર સાથેનો ફોટો પણ શૅર કર્યો છે. આ કારની કિમત અંદાજે ૭.૯૮ લાખ રૂપિયા છે. આ કાર મૉરિસ ગૅરેજ એટલે કે MGની કૉમેટ છે. આ શાનદાર કારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુનીલ શેટ્ટીએ કૅપ્શન આપી હતી, ‘મારી પહેલી EV ‘The MG COMET’. એના પર મને ઘણો પ્રેમ છે.’
