‘ઇન્ડિયન આઇડલ’ના સ્ટેજ પરથી દિગ્ગજ અભિનેત્રી જયા પ્રદાએ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો શૅર કર્યો
જયા પ્રદા
સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પર ગેસ્ટ બનેલાં ઍક્ટ્રેસ જયા પ્રદાએ પોતાનો શ્રીદેવી સાથેનો રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘શ્રીદેવી અને મારી વચ્ચે ક્યારેય બૉન્ડિંગ ન થઈ શક્યું. ફિલ્મમાં સાથે કામ કરવાનું બનતું ત્યારે પણ બન્ને એકબીજાથી અંતર રાખતી. જિતેન્દ્ર અને રાજેશ ખન્નાએ બન્ને વચ્ચે સુમેળ સાધવા માટે કેવો ખેલ કર્યો હતો એ ઘટનાને જયા પ્રદાએ યાદ કરી હતી.
જયા પ્રદાએ કહ્યું કે ‘મારી અને શ્રીદેવી વચ્ચે આમ મતભેદ નહોતો, પરંતુ અમારી કેમિસ્ટ્રી કેમેય કરીને નહોતી બેસતી! અમે ક્યારેય એકબીજાને આંખથી આંખ મિલાવીને નહોતાં જોતાં, કેમ કે કપડાંથી માંડીને ડાન્સ સુધી - અમારી વચ્ચે જબરી સ્પર્ધા ચાલતી હતી. સેટ પર એકબીજાને મળવા માટે બોલાવવામાં આવતાં ત્યારે પણ અમે બન્ને હાથ જોડી, નમસ્તે કરીને પોતપોતાને રસ્તે ચાલ્યાં જતાં.’
ADVERTISEMENT
આવી સ્થિતિ વચ્ચે રાજેશ ખન્ના અને જિતેન્દ્ર સાથે તેમને ‘મક્સદ’માં સાથે કામ કરવાનું આવ્યું. બન્ને ઍક્ટર્સે ત્યારે એક નુસખો અજમાવ્યો. એ રમૂજી ઘટનાને યાદ કરતાં જયા પ્રદાએ કહ્યું, ‘મક્સદ’ના શૂટિંગ દરમ્યાન જિતુજી અને રાજેશ ખન્નાજીએ અમને બન્નેને મેકઅપ-રૂમમાં કલાક સુધી બંધ કરી દીધી હતી, પણ તોય અમારા બેમાંથી કોઈ એકપણ શબ્દ નહોતું બોલ્યું! આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી ત્યારે હું તેમને બહુ જ યાદ કરું છું. હું એકલતા અનુભવું છું, કેમ કે ઇન્ડસ્ટ્રીમાં તે જ મારી સાચી કૉમ્પિટિટર હતી.’