દિવ્યાંકાનું શરદ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયા બાદ તેણે એકલતા દૂર કરવા માટે બાળક લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ વિવેક દહિયાની તેની લાઇફમાં એન્ટ્રી થઈ
દિવ્યાંકા ત્રિપાઠી
દિવ્યાંકાનું શરદ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયા બાદ તેણે એકલતા દૂર કરવા માટે બાળક લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ વિવેક દહિયાની તેની લાઇફમાં એન્ટ્રી થઈ. બન્નેએ ૨૦૧૬માં લગ્ન કરી લીધાં હતાં. આજે આ બન્ને રોમૅન્ટિક કપલ તરીકે ઓળખાય છે. વિવેક તેની લાઇફમાં આવ્યો એ અગાઉ દિવ્યાંકા અને શરદ મલ્હોત્રા રિલેશનમાં હતાં. જોકે તેમનું રિલેશન ટકી શક્યું નહીં. તેઓ જુદાં પડી ગયાં. જોકે પોતાની નિરાશાને દૂર કરવા માટે તે પોતાની જાતને બિઝી રાખવા માંડી હતી. એ જ વખતે તેને ફ્રૅક્ચર પણ આવ્યું હોવાથી તેની મમ્મી તેની સાથે રહેતી હતી. એ આખા તબક્કા વિશે વિસ્તારમાં જણાવતાં દિવ્યાંકાએ કહ્યું કે ‘મને જ્યારે ફ્રૅક્ચર આવ્યું ત્યારે મારી મમ્મી મારી સાથે રહેતી હતી. હું ‘યે હૈ મોહબ્બતેં’માં કામ કરી રહી હતી. હું અનેક અસાઇનમેન્ટ્સ પર દરરોજ કામ કરી રહી હતી. પોતાની જાતને એ બાબતથી દૂર રાખવા માટે હું ખૂબ કામ કરી રહી હતી. જોકે મારી મમ્મીએ મને એહસાસ અપાવ્યો કે મારે પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. તેણે કહ્યું કે પ્રેમને બહાર શું કામ શોધે છે? પોતાની જાતને પ્રેમ કર. એ વખતે હું વ્હીલ ચૅર પર હતી. મારી મમ્મી અને હું અમે બન્ને જ્વેલરી સ્ટોરમાં ગયા અને મારા માટે મેં એન્ગેજમેન્ટ રિંગ ખરીદીને પોતાની સાથે જ સગાઈ કરી લીધી. મારા બ્રેકઅપ બાદ આવું કર્યું હતું. એને મેં ઇન્સ્ટાગ્રામમાં પર પોસ્ટ કર્યું હતું. જો એ સમયે મને વિવેક ન મળ્યો હોત તો હું કદાચ બાળકને દત્તક લેવાની હતી, કારણ કે મને પ્રેમ અને સાથની જરૂર હતી. એવું જરૂરી નથી કે એ સાથ કોઈ વ્યક્તિનો જ હોય. વિવેક મારી લાઇફમાં આવતાં મારા માટે સ્થિતિ બદલાઈ ગઈ.’

