ચારુએ ટેલિવિઝન પર અનેક સિરિયલમાં કામ કર્યું છે
સિંગલ પેરન્ટ હોવાથી કોઈ ઘર નથી આપતું ચારુ અસોપાને
હસબન્ડ રાજીવ સેનથી અલગ રહેતી ચારુ અસોપાને સિંગલ પેરન્ટ હોવાથી કોઈ ઘર આપતું નથી. તેની સાથે તેની નાની દીકરી છે. ચારુએ ટેલિવિઝન પર અનેક સિરિયલમાં કામ કર્યું છે. તે ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘બડે અચ્છે લગતે હૈં’, ‘બાલવીર’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘ક્યૂં ઉત્થે દિલ છોડ આએ’ જેવી ઘણી સિરિયલમાં દેખાઈ હતી. સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સાથે તેણે ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં. તેમને ઝિયાના નામની દીકરી છે. હવે ચારુ રાજીવથી અલગ રહે છે અને એથી તે ઘર શોધી રહી છે. જોકે તે એકલી હોવાથી લોકો તેને ઘર આપતાં વિચારી રહ્યા છે. એ વિશે ચારુએ કહ્યું કે ‘ઘર શોધવાથી માંડીને મુંબઈમાં શિફ્ટિંગ કરવું એ કાંઈ સરળ નથી. હું ઘર શોધી રહી છું અને ગરમી ખૂબ વધી ગઈ છે. દરરોજ હું ઘરની શોધમાં બહાર જાઉં છું. એ ખરેખર ખૂબ થકાવનારુ છે. હું ઍક્ટરની સાથે સિંગલ મધર છું એથી તકલીફ પડી રહી છે. જો ઍક્ટર્સને મુંબઈમાં ઘર ન મળે તો પછી તેમને ક્યાંથી ઘર મળશે? મને એક ફ્લૅટ ગમ્યો છે, પરંતુ એ લોકો રૂઢિવાદી વિચારના છે. તેમને જાણ થઈ કે હું સિંગલ મધર છું અને મારી દીકરી સાથે એકલી રહું છું. મને જાણ થઈ છે કે એ જ વસ્તુથી તેમને તકલીફ છે.’


