૮૩ વર્ષના અમિતાભે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે, ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’ સીઝન પૂર્ણ થયા પછી તેઓ ‘અટકી’ ગયા હોવાની લાગણી અનુભવે છે
‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’ની ગ્રૅન્ડ ફિનાલે શુક્રવારે ટેલિકાસ્ટ થઈ ગઈ છે
અમિતાભ બચ્ચનને ઍન્કર તરીકે ચમકાવતા લોકપ્રિય ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’ની ગ્રૅન્ડ ફિનાલે શુક્રવારે ટેલિકાસ્ટ થઈ ગઈ છે. આ એપિસોડમાં હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચને ભાવુક થઈને સીઝનને વિદાય આપી અને દર્શકોના પ્રેમ અને સપોર્ટ માટે તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. હવે ૮૩ વર્ષના અમિતાભે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે સીઝન પૂર્ણ થયા પછી તેઓ ‘અટકી’ ગયા હોવાની લાગણી અનુભવે છે અને ફરીથી કામ પર પાછા ફરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પોતાની પોસ્ટમાં અમિતાભે લખ્યું છે, ‘સીઝન પૂરી થયાને ગણતરીના દિવસો જ થયા છે છતાં આ દિવસો એટલા લાંબા લાગતા જાય છે કે કામની શિસ્તમાં પોતાની જાતને પાછી લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. કામ ન હોવું એટલે જાણે ભીના અને વિશાળ ખાલી વિસ્તારમાં થાકેલી ગતિએ ચાલવા સમાન અનુભૂતિ. આમાં ફસાઈ ગયો છું. હવે મારા થાકેલા પગોને ખેંચી બહાર કાઢીને આગળ વધવાની સંપૂર્ણ કોશિશ કરીશ.’


