અમિતાભ બચ્ચનનું વર્તન ઘરમાં અને સેટ પર હોય છે અલગ-અલગ-બિગ બીના દોહિત્ર અગસ્ત્ય નંદાએ આ વાતનો ખુલાસો કર્યો
અમિતાભ બચ્ચન
રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 17’નો છેલ્લો એપિસોડ શુક્રવારે ટેલિકાસ્ટ થયો હતો. આ છેલ્લા એપિસોડ વખતે હોસ્ટ અમિતાભ બચ્ચન બહુ ઇમોશનલ થઈ ગયા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. અમિતાભે આ શોમાં ખાસ અંદાજમાં દર્શકોનો આભાર માન્યો હતો અને સાથે જ ૩૨ મિનિટ સુધી પોતાનાં ક્લાસિક ગીતો ગાઈને દર્શકોનું મનોરંજન કર્યું હતું.
આ એપિસોડમાં ઇમોશનલ થઈને અમિતાભે કહ્યું હતું કે ‘ક્યારેક આપણે એક ક્ષણને પણ એટલી ઊંડાણથી જીવીએ છીએ અને એમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે જ્યારે એ પોતાના અંતિમ પડાવ પર પહોંચે છે ત્યારે એવું લાગે છે જાણે એ હમણાં જ તો શરૂ થયું હતું અને આટલી જલદી પૂરું પણ થઈ રહ્યું છે.’
‘કૌન બનેગા કરોડપતિ 17’ સાથેની પોતાની સફર વિશે વાત કરતાં અમિતાભે કહ્યું, ‘બધું એવું લાગે છે જાણે કાલે જ શરૂ થયું હતું. આ લાગણીઓમાંથી પસાર થતાં હું આ રમતના છેલ્લા દિવસની શરૂઆત કરી રહ્યો છું. મારા જીવનનો એક તૃતીયાંશ ભાગ, ખરેખર તો એક તૃતીયાંશથી પણ વધારે તમારી સાથે વિતાવવા મળ્યો એ મારું સદ્ભાગ્ય રહ્યું છે. જ્યારે પણ મેં દિલથી કહ્યું કે હું આવી રહ્યો છું ત્યારે તમે ખૂબ ઉષ્માપૂર્વક મારું સ્વાગત કર્યું છે. જ્યારે હું હસ્યો ત્યારે તમે મારી સાથે હસ્યા અને જ્યારે મારી આંખો આંસુથી ભરાઈ તો તમારી આંખોમાંથી આંસુ વહ્યાં. તમે મારી આ સફરની શરૂઆતથી લઈને અંત સુધી મારી સાથે રહ્યા. તમે અહીં છો એટલે જ આ ગેમ છે અને આ ગેમ છે એટલે જ અમે છીએ. થૅન્ક યુ સો મચ.’
ADVERTISEMENT
‘કૌન બનેગા કરોડપતિ 17’માં હાલમાં ‘ઇક્કીસ’ની ટીમ જોવા મળી હતી. આ શોમાં અમિતાભના દોહિત્ર અગસ્ત્ય નંદાએ ખુલાસો કર્યો હતો કે અમિતાભનું વર્તન ઘરમાં અને સેટ પર અલગ હોય છે. વાતવાતમાં અગસ્ત્યએ કહ્યું હતું કે ‘જ્યારે નાનુ અહીં શોના સેટ પર આવે છે ત્યારે તેમનું વર્તન એકદમ અલગ હોય છે. ઘરમાં તેઓ ખૂબ સિરિયસ રહે છે. હું પહેલી વખત તેમનો આ ઉત્સાહી અને મસ્તીભર્યો સ્વભાવ જોઈ રહ્યો છું. મને ખરેખર બહુ મજા પડી રહી છે.’ ઘરમાં અમિતાભ-જયાના વર્તન વિશે વાત કરતાં અગસ્ત્યએ કહ્યું હતું કે ઘરમાં નાના અમિતાભ કરતાં નાની જયા બચ્ચન વધારે કડક રહે છે.


