અક્ષય કુમારે પોતાની પસંદગી વિશે જણાવતાં કહ્યું કે મને ટ્રેન્ડી આંતરરાષ્ટ્રીય વાનગીઓ કરતાં પરંપરાગત ભારતીય ભોજન વધારે ગમે છે
અક્ષય કુમાર
અક્ષય કુમાર તેની શિસ્તબદ્ધ જીવનશૈલી, કડક ડાયટ અને નિયમિત રીતે વહેલી સવારે ઊઠવાના રૂટીન માટે જાણીતો છે. હાલમાં તેણે પોતાના ટીવી શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’માં ડિજિટલ ક્રીએટર વિરાજ ઘેલાણી સાથે વાતચીત કરતી વખતે ખુલાસો કર્યો કે તેને ટ્રેન્ડી આંતરરાષ્ટ્રીય વાનગીઓ કરતાં સરળ અને પરંપરાગત ભારતીય ભોજન વધારે ગમે છે.
શોમાં વિરાજે પોતાની બાળપણની યાદો શૅર કરતાં કહ્યું કે તેના ઘરે ભોજનનું નિયમિત રૂટીન હતું. તેણે જણાવ્યું કે સોમવારે તુવેર દાળ, મંગળવારે સામાન્ય ભોજન, બુધવારે મગની દાળ, શુક્રવારે કઢી અને શનિવારે અડદ દાળ બનતી હતી. આ વાત સાંભળતાં જ અક્ષય કુમારે તરત જ ગુજરાતી ભોજન માટેનો પ્રેમ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે ‘મને ગુજરાતી ભોજન બહુ ગમે છે અને ખાસ કરીને ગુજરાતી થાળી તો મને બહુ જ પસંદ છે. ઊંધિયું અને તુવેર દાળ જેવી વાનગીઓમાં જે મજા છે એ અન્ય આધુનિક વાનગીઓમાં નથી. હિન્દુસ્તાની ખોરાક અને ખાસ કરીને ગુજરાતી થાળીમાં જે આનંદ છે એ અન્ય કોઈ ભોજનમાં મળતો નથી.’
