નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'નું મોશન પોસ્ટર થયું રીલિઝ
હેલ્લારોનું મોશન પોસ્ટર રીલિઝ
કચ્છના રણમાં આકાર લેતી એક એવી કથા જેણે ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવ્યું. સાથે જ આ ફિલ્મની 13 અભિનેત્રીઓને ખાસ જ્યુરી અવૉર્ડ પણ મળ્યો છે. 66માં નેશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મનો અવૉર્ડ મેળવનારી ફિલ્મ હેલ્લારોનું મોશન પોસ્ટર રીલિઝ થઈ ગયું છે. જેમાં ફિલ્મની અભિનેત્રીઓની એક ઝલક જોવા મળી રહી છે. સાથે જ જોવા મળી રહ્યો છે એક ઢોલી, જેનો ચહેરો નથી બતાવવામાં આવ્યો.
મોશન પોસ્ટમાં બેકગ્રાઉન્ડમાં તમને પરંપરાગત મ્યુઝિક સાંભળવા મળે છે. સાથે જ ફિલ્મની અભિનેત્રીઓના ખિલખિલાતા ચહેરાઓ. મોશન પોસ્ટરની સાથે ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 8 નવેમ્બરે રીલિઝ થશે.આ ફિલ્મના ડાયરેક્ટર છે અમિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.
હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. સાથે જ ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે.
આ પણ જુઓઃ Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...
ADVERTISEMENT
હેલ્લારો ફિલ્મે લાંબા સમયથી ઉત્સુકતા જગાવી છે. અને એમાં પણ ફિલ્મને નેશનલ અવૉર્ડ મળતા તેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મના મોશન પોસ્ટર પરથી તેમની ઉત્સુકતા વધી છે.


