ગુજરાતી ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ બૉક્સ-ઑફિસ પર ૨૪,૦૦૦ ટકા જેટલો નફો કમાઈને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ બની છે ત્યારે હવે આ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે
૨૦૨૫માં ‘ધુરંધર’, ‘છાવા’ અને ‘કાંતારા ચૅપ્ટર 1’ જેવી ફિલ્મોનો સમાવેશ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મોએ ભારે કમાણી કરી હોવા છતાં વર્ષની સૌથી મોટી ફિલ્મ ગુજરાતી મૂવી ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’ સાબિત થઈ છે. માત્ર ૫૦ લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર અત્યાર સુધીમાં ૧૨૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ નફો કમાવનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે ૨૪,૦૦૦ ટકા જેટલો નફો કમાઈને તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે.
‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ આમિર ખાન પ્રોડક્શન્સની ‘સીક્રેટ સુપરસ્ટાર’નો રેકૉર્ડ તોડી નાખ્યો છે. ઝાયરા વસીમ અભિનીત ‘સીક્રેટ સુપરસ્ટાર’ ૧૫ કરોડના બજેટમાં બની હતી અને એણે ૯૦૦ કરોડની કમાણી કરી હતી. આમ એણે આશરે ૬૦૦૦ ટકા પ્રૉફિટની કમાણી કરી હતી, પણ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ એને બહુ પાછળ દીધી છે.
‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’માં કોઈ મોટો સ્ટાર, કોઈ ગીત-નૃત્ય કે કોઈ ઍક્શન નથી. આ ફિલ્મ સંપૂર્ણપણે ભક્તિ-આધારિત ફિલ્મ છે અને આમ છતાં એણે અનેક મોટી બ્લૉકબસ્ટર ફિલ્મોને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અંકિત સખિયાએ કર્યું છે. ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી અને કરણ જોશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે ૯ જાન્યુઆરીએ રિલીઝ થશે હિન્દીમાં
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ બૉક્સ-ઑફિસ પર ૨૪,૦૦૦ ટકા જેટલો નફો કમાઈને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ બની છે ત્યારે હવે આ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હિન્દીમાં આ ફિલ્મ ૨૦૨૬ની ૯ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. આ દિવસે ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’ની ટક્કર પ્રભાસ અને સંજય દત્તની ‘ધ રાજા સાબ’ તથા થલપતિ વિજયની ‘જન નેતા’ સાથે થશે. આ બન્ને ફિલ્મો સાઉથની છે, પરંતુ એ પણ હિન્દીમાં રિલીઝ થવાની છે.


