કથિત રીતે સેક્સ-ટ્રાફિકર અને બદનામ ફાઇનૅન્સર જેફરી એપ્સટીનની ફાઇલોમાં તેમનું નામ બહાર આવ્યું હતું
૬૬ વર્ષના ઍન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર
યુનાઇટેડ કિંગડમ (UK)ના રાજા ચાર્લ્સના નાના ભાઈ ૬૬ વર્ષના ઍન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરને જાહેર પદ પર હતા ત્યારે ગેરવર્તણૂક બદલ ધરપકડ કરવામાં આવ્યાના લગભગ ૧૧ કલાક પછી ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા હતા.
કથિત રીતે સેક્સ-ટ્રાફિકર અને બદનામ ફાઇનૅન્સર જેફરી એપ્સટીનની ફાઇલોમાં તેમનું નામ બહાર આવ્યું હતું. તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે જ્યારે તેઓ વેપારદૂત હતા ત્યારે તેમણે કથિત રીતે જેફરી એપ્સટીનને ગુપ્ત દસ્તાવેજો મોકલ્યા હતા.
ADVERTISEMENT
ઍન્ડ્રુ ગુરુવારે જ ૬૬ વર્ષના થયા હતા. થેમ્સ વૅલી પોલીસના અધિકારીઓએ ઍન્ડ્રુની આખો દિવસ પૂછપરછ કરી હતી. બ્રિટનના સિંહાસનના આઠમા ક્રમના વરિષ્ઠ રાજવીની ધરપકડ આધુનિક સમયમાં અભૂતપૂર્વ છે.
આ મુદ્દે કિંગ ચાર્લ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને ઍન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર અને જાહેર કાર્યાલયમાં ગેરવર્તણૂકની શંકાના સમાચાર ખૂબ જ ચિંતાજનક લાગ્યા છે.
બકિંગહૅમ પૅલેસને ધરપકડ વિશે અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. એમ છતાં ચાર્લ્સે કહ્યું હતું કે ‘અધિકારીઓને પરિવારનો સંપૂર્ણ અને પૂરા દિલથી ટેકો અને સહકાર છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે કાયદાએ એનું કામ કરવું જોઈએ. હું અને મારો પરિવાર તમારા બધા પ્રત્યેની અમારી ફરજ અને સેવા ચાલુ રાખીશું.’
