અભિનેત્રીએ અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાની મળી 27થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે.

મમતા સોની (તસવીર ડિઝાઈન: સોહમ દવે)
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુંની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે ગુજરાતી સિનેમાની રૂપાળી રાધા તરીકે ઓળખાતી અભિનેત્રી મમતા સોનીની. હાલમાં ગુજરાતી ફિલ્મોથી દુર છે પણ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી છવાયેલા રહે છે અભિનેત્રી. ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. મમતા સોનીએ મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી અનેક રસપ્રદ વાતો જણાવી હતી.
દર્શકોમાં `રાધા` ના નામે જાણીતા છે અભિનેત્રી
મમતા સોનીએ સૌપ્રથમદિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની `તરસી મમતા` ફિલ્મમાં કામ કર્યુ હતું. જે બાદ મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ. ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર સાથે તો જાણી તેની જોડી દર્શકોમાં છવાઈ ગઈ હતી. અભિનેત્રીએ અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાની મળી 27થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે. વિક્રમ ઠાકોર સાથેની મોટભાગની ફિલ્મોમાં મમતા સોનીનું નામ રાધા જ રહ્યું છે. મમતા સોનીની પ્રથમ હિટ ફિલ્મ `એક વાર પિયુને મળવા આવજે` છે. જેમાં તેઓ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તેમની સાથે વિક્રમ ઠાકોર હતાં.
લોકોએ તેનામાં રહેલી આવડતને બહાર કાઢવી જોઈએ
મમતા સોની માત્ર ફિલ્મી પડદે જ નહીં દેશ-વિદેશમાં સ્ટેજ શો માટે પણ પ્રખ્યાત છે. સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને મમતા સોની અનેક દિલો પર રાજ કરે છે. હાલમાં મમતા સોની લાઈવ શો કરે છે અને સાથે સાથે તે એક ઈન્ફ્લુએન્સર તરીકે પણ નામના ધરાવે છે. મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં મમતા સોનીએ જણાવ્યું કે, `આજના ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં હું લોકોને કહેવા માગું છું કે તમારામાં જે પણ ટેલેન્ટ હોય તેને બહાર લાવો. તમારા અંદર રહેલી કોઈ પણ આવડતનો વીડિયો બનાવી તેને વિકસાવો.`
મુળ રાજસ્થાની છે અભિનેત્રી
ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. પણ તમને એ ખ્યાલ નહીં હોય કે મમતા સોની ગુજરાતી નથી.
અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાનના છે. અને રાજસ્થાનનું અજમેર તેમનું વતન છે પરંતુ તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં રહે છે. મમતા સોની હાલ ગાંધીનગરમાં રહે છે. નાનપણથી જ ડાન્સની શોખીન મમતા જામનગરમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયા હતા અને ત્યાં એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કેમેરામેનની નજરમાં આવી ગયા અને અભિનેત્રીની સફર શરૂ થઈ.
પહેલી ફિલ્મ મળી ત્યારે શીખ્યું ગુજરાતી
મમતા સોનીને ગુજરાતી બોલતાં પણ નહોતું આવડતું. આ અંગે વાત કરતાં મમતા સોનીએ જણાવ્યું કે, `હું અઢી વર્ષની હતી ત્યારે માતા-પિતા સાથે ગુજરાત આવી હતી. મને ગુજરાતી બોલતાં પણ નહોતું આવડતું. અમે પરિવારના બધા લોકો હિન્દીમાં જ વાત કરતા હતાં. જ્યારે મને ગુજરાતી ફિલ્મ માટે ઓફર મળી ત્યારે મેં ગુજરાતી ભાષા શીખી હતી.`
તાજતેરમાં જોડાયા ભાજપ પાર્ટીમાં
તાજેતરમાં જ કલા જગતના અનેક કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. જેમાંના એક મમતા સોની હતાં. જ્યાં સી.આર. પાટીલના દ્વારા અભિનેત્રીને ખેસ પહેરાવી પાર્ટીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત મિસ ફોટોજેનિક અને પોપ્યુલર એક્ટ્રેસ જેવા એવોર્ડથી તે સન્માનિત થઈ ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે. અભિનેત્રીએ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કર્યુ છે.
મમતા સોની કહે છે કે આત્મારામ ઠાકોર તેમના સૌથી ફેવરિટ ડિરેક્ટર છે. મમતા સોનીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. સમય મળ્યે તે કુદરતની વચ્ચે સમય ગાળવા પહોંચી જાય છે. આ ઉપરાંત અભિનેત્રી બાબા રામદેવને મળવાની ઈચ્છા ધરાવે છે.
પરિવાર સાથે મમતા સોની