કૃષ્ણદેવ યાજ્ઞિકની હૉરર ફિલ્મ `વશ`માં કામ કર્યા બાદ હિતેન કુમાર ફરી એકવાર હૉરર ફિલ્મમાં જોવા મળશે

તસવીર સૌજન્ય: યુટ્યૂબ
હિતેન કુમાર સ્ટારર ગુજરાતી ફિલ્મ વેલકમ પૂર્ણિમા (Welcome Purnima)નું ટીઝર આજે થયું રિલીઝ થયું છે. ટીઝર પરથી સ્પષ્ટ જણાય છે કે આ હૉરર ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિકની હૉરર ફિલ્મ `વશ`માં કામ કર્યા બાદ હિતેન કુમાર ફરી એકવાર હૉરર ફિલ્મમાં જોવા મળશે. તેઓ આ ફિલ્મ સાથે ચાહકોમાં પોતાનો એક આગવો પ્રભાવ પાડવા માટે તૈયાર છે.
ટીઝરના પહેલા જ સીનમાં એક વ્યક્તિ ફાનસ લઈ અને મધરાત્રે સૂમસામ જંગલમાં જતી જોવા મળે છે. તો બીજા સીનમાં એક સ્ત્રી ઘરના આંગણે ઊભેલી દેખાડવામાં આવી છે. ટીઝરમાં એક ઝાડ પણ બતાવાયું છે, જેના પર ઘાટા પીળા રંગથી ‘પૂર્ણિમા’ લખેલું છે. બે સીનમાં ભૂત-પ્રેતને ભગાવવા માટે થતાં યજ્ઞની સામગ્રી પણ જોવા મળે છે.
છેલ્લા સીનમાં એક વ્યક્તિ ચંદ્રને જોઈ રહી છે. ટીઝર ડાર્કથીમમાં છે અને બેકગ્રાઉન્ડમાં સ્પુકી મ્યુઝિક છે. ટીઝર પરથી આ હૉરર થ્રીલર ખૂબ જ રહસ્યમય લાગે છે. એ વ્યક્તિ અને સ્ત્રીનો શું કોઈ સંબંધ છે? આ યજ્ઞ કેમ થઈ રહ્યો છે? તેને પૂર્ણિમા સાથે શું સંબંધ છે? જેવા અનેક પ્રશ્નો 58 સેકન્ડનું ટીઝર જોઈને ઊભા થાય છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિલ જોશી દ્વાર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતેન કુમાર સાથે હેમ સેવક, માનસી રાચ્છ, હીના જયકિશન, બિંદા રાવલ, મૌલિક ચૌહાણ, ચેતન ધાનાણી અને અન્ય કલાકારો જોવા મળશે.
આ પણ વાંચો : અમેરિકા જવાના મલ્હાર ઠાકરના સપનાં થશે પુરાં? ‘શુભ યાત્રા’નું ટ્રેલર રિલીઝ
`વેલકમ પૂર્ણિમા`ની વાર્તા, સ્ક્રિપ્ટ અને સંવાદ જાણીતા અભિનેતા ચેતન દૈયાએ લખ્યા છે, જેઓ તાજેતરમાં `કર્મ`, અને `બાગડબિલા` જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.