‘શૉ મસ્ટ ગો ઑન’એ વાતને સાર્થક કરી યુવા એક્ટર જય જાનીએ

જય જાની મમ્મી સાથે
સામાન્ય તાવ આવ્યો તો બાળકો સ્કુલમાં રજા પાડી દે, ઘરમાં કોઈકની તબિયત સારી ન હોય તો મોટેરાઓ ઑફિસમાંથી રજા લે કે પછી પોતાની તબિયત સારી ન હોય તો રજા લેવી પડે. પરંતુ કલાકારો પાસે રજા લેવાનો ઓપ્શન નથી હોતો, રંગભૂમિના કલાકારો તો આ ઓપ્શન વિશે વિચારી પણ ન શકે. કલાકારો ‘શૉ મસ્ટ ગો ઑન’ આ બાબત પહેલેથી જાણતા તો હોય જ છે પણ આવા સંજોગો બહુ ઓછીવાર ઉભા થતા હોય છે. જોકે, તાજેતરમાં એક યુવા એક્ટરે આ ‘શૉ મસ્ટ ગો ઑન’ બાબતને હકીકત કરી બતાવી. જય જાની (Jay Jani)એ. એક તરફ મરણ પથારીએ ઝોલા ખાતી હતી માતા પણ દીકરાએ નિભાવી કલાકાર તરીકેની તેની ફરજ.
નાનણપણથી જ કોરિયોગ્રાફર તરીકે કાર્યરત અને સ્ટાર બનવાનું સ્વપ્ન સેવનાર જય જાની જિંદગીના એવા સમયમાંથી પસાર થયા કે તેમનું કહેવું છે કે, આવો કપરો સમય ક્યારે કોઈની જિંદગીમાં ન આવે. કેન્સરના ચોથા સ્ટેજ સામે ઝઝૂમી રહેલા જયના માતા રચના જાની ગત રવિવારે જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહ્યાં હતા ત્યારે જયનો નિમેષ શાહના ગુજરાતી નાટક ‘જસુબેન જોરદાર’નો શો હતો વર્લીમાં. ત્યારે જયે દીકરાની ફરજને બાજુએ મુકીને કલાકાર તરીકેની ફરજ નિભાવી હતી.
જય મમ્મી સાથે
આ વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા જય કહે છે કે, ‘મારી મમ્મીને સપ્ટેમ્બર મહિનામાં જ ખબર પડી ગઈ હતી કે તેને ગર્ભાશયનું કેન્સર છે. પરંતુ તેને અમને કોઈને જણાવ્યું જ નહીં. પપ્પાને ચાર વર્ષ પહેલાં આવેલું હાર્ટ અટૅક, મારા પર આર્થિક જવાબદારીઓ વધી જશે અને નાની બહેન ઐશ્વર્યા પર ઘરનો ભાર આવી જશે એવું વિચારીને તેણે અમને કોઈને જણાવ્યું જ નહીં. પણ લગભગ ચાર મહિના પછી ડિસેમ્બરમાં અમને તેના શરીર પર સોજા દેખાવવા લાગ્યા અને બીજા અનેક બદલાવ દેખાયા. ત્યારે મારી નાની બહેન તેને જબરસ્તી ડૉક્ટર પાસે લઈ ગઈ અને બધા રિપોર્ટ્સ કરાવ્યા. ત્યારે અમને બધાને ખબર પડી કે, મમ્મીને ગર્ભાશયનું ચોથા સ્ટેજનું કેન્સર છે.’
‘ત્યારે અમને સમજાયું કે મમ્મીએ અમારી ખુશી માટે અમને જ છેતર્યા. પોતે દુઃખ સહન કરતી રહી, કારણકે અમે દુઃખી ન થઈએ. કેન્સરની ખબર પડ્યાં પછી મારી બહેન સાથે મમ્મી અઠવાડિયામાં ચાર વાર વસઈથી તાતા હૉસ્પિટલ સારવાર માટે જાય. મારી મમ્મી ફાઈટર હતી. જીવનના અનેક તબક્કાઓમાં તેણે ફાઈટ કરી અને અંતિમ તબક્કામાં પણ. એક બાજુ મમ્મીની સારવાર શરુ થઈ અને બીજી બાજુ મારા નવા નાટક ‘જસુબેન જોરદાર’ની પ્રોસેસ શરુ થઈ. હું એમા થોડોક વધુ વ્યસ્ત રહેતો એટલે મમ્મીને બહુ સમય નહોતો આપી શકતો. પણ મારી મમ્મી હંમેશા કહેતી કે, બેટા તું તારે તારા સપનાં પુરા કર અમારી ચિંતા ન કર. તું તારે આગળ વધ, પાછળ બધું સંભાળવા હું છું જ.’ એમ જયે ઉમેર્યું હતું.
જયનો પરિવાર
રવિવારના શોની વાત કરતા જયે કહ્યું કે, ગયા અઠવાડિયે મમ્મીની તબિયત લથડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. પણ તેની જીદ હતી કે, ઘરે લઈ જાવ. એટલે અમે ગુરુવારે ઘરે લઈ ગયા. શુક્રવારે હાલત વધુ ખરાબ થઈ. મારો શનિવારે અમદાવાદમાં શો હતો. પણ મમ્મીએ એવી હાલતમાં પણ મને કહ્યું કે, જય તું જા મારી ચિંતા નહીં કર. શનિવારના શો માટે હું અમદાવાદ ગયો અને રવિવારે સવારે પાછો આવ્યો. પછી મમ્મી પાસે જ હતો. રવિવારે બપોરે ડૉક્ટરે પણ કહી દીધું કે, મમ્મીની પરિસ્થિતિ હવે બગડી છે અને કોઈપણ સમયે તેઓ દેહ છોડી શકે છે. આ સાંભળીને હું હચમચી ગયો હતો. રાતનો મારો વર્લીમાં શૉ હતો. મને સમજાતું નહોતું હું શું કરું. મારી નાની બહેન મારી ઇન્સપિરેશન બની, મને કહે જય તું જા અત્યારે તું શૉ કરવા જઈશ એ જ ગમશે મમ્મીને. મારી મમ્મીએ પણ આંખોના પલકારાથી કહ્યું જા. હું વસઈથી વર્લી જવા નીકળ્યો. એ સમય મારા માટે બહુ કપરો હતો. શો પર પહોંચ્યો ત્યારે મારી આખી ટીમ મારા સપોર્ટમાં હતી. ઈમોશનલી પણ અને કામની રીતે પણ. બધાએ મને કૂબ સપોર્ટ આપ્યો. નાટક શરુ થયું ૯ વાગે અને ૯.૧૦ એ સમાચાર આવ્યા કે, મમ્મી હવે અમારી વચ્ચે નથી રહી. પથ્થર દિલે મેં શો પૂરો કર્યો. કસોટી ત્યાં પૂરી નહોતી થતી. ઘરે પહોંચવા ટેક્સી ન મળી તો એક પ્રેક્ષકે મને સ્ટેશન સુધી લિફ્ટ આપી. મમ્મી આ દુનિયામાંથી જતી રહી હતી. પણ મને ખ્યાલ છે કે, તે દિવસે તે શોમાં મારી મમ્મી મારી સાથે હતી અને હંમેશા રહેશે જ. મારી માટે તેને જોયેલા બધા સપનાંઓ હું પુરા કરીશ.’
આ પણ વાંચો - મનોજ શાહ: કળાની કલમે રંગભૂમિના કલાકારોના જીવનમાં પુર્યા વિવિધ રંગો
જય બહેન ઐશ્વર્યા સાથે
‘મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ અને ઇન્સપિરેશન હતી અને હંમેશા રહેશે’, એમ અશ્રુભીની આંખે જય જાનીએ કહ્યું હતું.