જાણીતા ગુજરાતી અભિનેતા, સ્ક્રીન રાઈટર, સ્ટોરીટેલર, અમાત્ય ગોરડિયાએ આજે મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પોતે મતદાન કરવા ગયા ત્યારે તેમને જે ખરાબ અનુભવ થયો અને હેરાન થવા છતાં મતદાન ન કરી શકવાની વ્યથા વ્યક્ત કરી છે.
અમાત્ય ગોરડિયા (તસવીર સૌજન્ય ફેસબુક)
બીએમસી ચૂંટણી 2026 માટે આજે સવારે 7.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન ચાલ્યું, આ દરમિયાન કેટલાક લોકોને મતદાન મથકનો ખૂબ જ સારો અનુભવ થયો, તો કેટલાક લોકોને એટલો ખરાબ અનુભવ થયો કે પોતે મતદાતા હોવા છતાં આ વખતે તેમનું નામ મતદાન યાદીમાં સામેલ નહોતું અને એ લોકો પોતે જેમને ઇચ્છતા હતા તેમને મતદાન કરી શક્યા નથી. તો કેટલાક લોકો એક પોલિંગ બૂથથી બીજા પોલિંગ બૂથ સુધી ગોતાં ખાતાં રહ્યાં અને અંતે પોતાનો મત મુશ્કેલથી આપી શક્યા.
મતદાન ન કરી શકનારામાંના જાણીતા એક્ટર, ડિરેક્ટર ફિલ્મમેકર સંજય ગોરડિયાના દીકરા અમાત્ય ગોરડિયાનું નામ પણ સામેલ થયું છે.
ADVERTISEMENT

અમાત્ય ગોરડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ શૅર કરી છે.

જેમાં તેમણે પોતાનો ખરાબ અનુભવ વ્યક્ત કર્યો છે. એ સ્ટોરીઝ જોયા પછી તેમના ફૉલોઅર્સે જાણે બીએમસી ચૂંટણી 2026 પર બનાવેલા મીમ્સનો ધોધમાર વરસાદ તેમના ઇનબૉક્સમાં વરસાવ્યો છે, આ તો થઈ મીમ્સની વાત, પણ અનેક લોકો આ ચૂંટણીમાં ખરેખર ખૂબ જ હેરાન થયા છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અમાત્ય ગોરડિયા તો છે જ પણ તેમની સાથે અનેક મુંબઈગરાંઓએ પણ આવી ઘણી મુશ્કેલીઓનો સામનો આજે કરવો પડ્યો છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા અમાત્ય ગોરડિયાએ પોતાની આપવીતી તો જણાવી જ છે, પણ સાથે તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તેમની સ્ટોરીઝ પણ ઘણુ બધું કહી જાય છે. સૌથી પહેલા વાત કરીએ તેમણે શૅર કરેલી સ્ટોરીઝની. તો, તેમણે લખ્યું છે, "આજે કંઇક હાંસીપાત્ર ઘટના ઘટી. મને મતદાન કરવાની પરવાનગી ન મળી."

ત્યાર બાદ તેમણે સ્ટોરીમાં વિગતવાર આખી વાત રજૂ કરી છે કે કઈ રીતે તેમણે ઇલેક્શન કમિશનની વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માગી, એટલું જ નહીં તેમણે પાર્ટી બૂથ પર જઈને પણ પોતાનો મતદાતા નંબર શોધવાનો પ્રયત્ન કર્યો અને અંતે તે મત ન જ આપી શક્યા એટલે હવે કંટાળીને અને અવ્યવસ્થાના વિરોધમાં તેમણે નાયક ફિલ્મ જોવાનું શરૂ કર્યું છે. આ તસવીર શૅર કરીને તેમણે પોતાની ચીડ પણ ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે.

અમાત્ય ગોરડિયા પોતે એક સ્ટોરીટેલર તો છે જ પણ આજે ઇલેક્શન કમિશને તેમને એક એવી વાત કહેવાની તક આપી જે કદાચ તેમણે જીવનમાં ક્યારેય નહીં વિચારી હોય કે તેમને કહેવી પડશે. બીએમસી ઇલેક્શન્સ જે ઘણાં વખતથી ચર્ચામાં હતાં, તેને માટે સાવ આવી વ્યવસ્થાની જોગવાઈ હોય ત્યારે ટેક્સપેયર તરીકે ખૂબ જ દુઃખની લાગણી અનુભવાતી હોય છે જે અમાત્યએ હળવાશથી પણ ખૂબ જ ચોટદાર શબ્દોમાં વ્યક્ત કરી છે.

આમ તેમણે પોતાનો વિરોધ ચોટદાર રીતે રજૂ કર્યો છે જે તમે તેમની છેલ્લી સ્ટોરીમાં જોઈ શકો છો.


