ઑપરેશન સિંદૂર દરમ્યાન સેનાની બહાદુરી જોઈને તેણે આ પગલું ભર્યું
ભુવન બામ
ઑપરેશન સિંદૂર પછી ઘણા ઍક્ટર્સ ભારતીય સેનાની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. આમાં એક નામ યુ-ટ્યુબર ભુવન બામનું પણ છે. ભુવને ભારત-પાકિસ્તાન વિવાદ વિશે લોકોને જાગૃત કરતી એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી. આમાં તેણે ભારતીયોને ફેક ન્યુઝથી બચવાની અને ભારતીય સેનાનું સન્માન કરવાની સલાહ આપી હતી. હવે ભુવન ફરી એક વાર ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે ભુવને તેની આગામી બ્રૅન્ડ-ડીલની તમામ આવક નૅશનલ ડિફેન્સ ફ્રન્ટ (NDF)ને આપવાનો નિર્ણય લીધો છે. ભુવને ઑપરેશન સિંદૂર દરમ્યાન સેનાની બહાદુરી જોઈને આ પગલું ભર્યું છે. આ પહેલાં તેણે ૨૦૨૦માં પણ કોવિડ પીડિતો માટે તેની એક મહિનાની યુટ્યુબ આવક દાન કરી હતી. ભુવને સેના માટે આપેલા આ યોગદાનની ઇન્ટરનેટ પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.
ભુવન યુટ્યુબ પર તો સેલિબ્રિટી છે, પણ તેણે ‘ઢિંઢોરા’ અને ‘તાઝા ખબર’ જેવી વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે. ભુવને થોડા દિવસો પહેલાં જ્યારે ઑપરેશન સિંદૂર પર પોસ્ટ કરી હતી ત્યારે ઘણા પાકિસ્તાની યુઝર્સે તેને અનફૉલો કરવાની ધમકી પણ આપી હતી. આ જોઈને ભુવને તેમને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તેના માટે દેશ સૌથી પહેલો છે અને એથી જો તેઓ તેને અનફૉલો કરવા માગે તો કરી શકે છે. ભુવનનો આ અભિગમ જોઈને ફૅન્સે ત્યારે પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી.


