આ સૉન્ગ ૧૯૯૮માં રિલીઝ થયેલી ગોવિંદા-રવીનાની દુલ્હેરાજાનું સુપરહિટ ગીત છે અને એ સમયે પણ લોકોને બહુ ગમ્યું હતું
ડાન્સની ઝલક
ગોવિંદા અને રવીના ટંડન વચ્ચે સારી મિત્રતા છે. તેમની ગણતરી યાદગાર જોડીઓમાં થાય છે. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમનાં અનેક ગીતો સુપરહિટ સાબિત થયાં હતાં. ગોવિંદા અને રવીનાની જેમ જ તેમનાં બાળકો યશવર્ધન અને રાશા થડાણી વચ્ચે પણ સારી ફ્રેન્ડશિપ છે. પહેલી માર્ચે ગોવિંદાના દીકરા યશવર્ધનનો જન્મદિવસ હતો અને એ દિવસે રવીનાની દીકરી રાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કરીને યશવર્ધનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એ પછી રાશાએ એક વિડિયો શૅર કર્યો છે જે વાઇરલ થઈ રહ્યો છે.
એ વિડિયોમાં રાશા પોતાના ફ્રેન્ડ યશવર્ધનની બર્થ-ડે પાર્ટીમાં દિલ ખોલીને ડાન્સ કરી રહી છે. રાશા અને યશવર્ધન પાર્ટીમાં ગોવિંદા અને રવીનાના સુપરહિટ સૉન્ગ ‘અખિયોં સે ગોલી મારે’ પર ડાન્સ કરતાં જોવા મળે છે. આ સૉન્ગ ૧૯૯૮માં રિલીઝ થયેલી ગોવિંદા-રવીનાની ‘દુલ્હેરાજા’નું સુપરહિટ ગીત છે. આ ગીત પરનો યશવર્ધન-રાશાનો એનર્જેટિક પર્ફોર્મન્સ લોકોને બહુ પસંદ પડી રહ્યો છે અને આ વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
રાશા થડાણી ‘આઝાદ’થી બૉલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તે અજય દેવગન અને અમન દેવગન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ સફળ નહોતી થઈ, પણ એનું એક ગીત ‘ઉઈ અમ્મા’ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું છે એમાં લોકોને રાશાનો ડાન્સ ખૂબ ગમ્યો છે. ગોવિંદાનો દીકરો યશવર્ધન પણ ટૂંક સમયમાં ફિલ્મમાં જોવા મળશે. આ સંજોગોમાં ગોવિંદા-રવીનાની જોડીના ફૅન્સ યશવર્ધન અને રાશાને એકસાથે ફિલ્મમાં જોવાની આશા રાખી રહ્યા છે.


