બૉમ્બે ગર્લે એ સમયના તેના બૉયફ્રેન્ડ રાજીવ પર ઍશ સાથે સીક્રેટ રિલેશનશિપમાં હોવાનો આરોપ લગાવ્યો હતો
મનીષા કોઇરાલા
૯૦ના દાયકામાં બૉલીવુડમાં અનેક ઍક્ટ્રેસ વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હતા. આવો જ મોટો વિવાદ થયો હતો મનીષા કોઇરાલા અને ઐશ્વર્યા રાય વચ્ચે. એ સમયે મનીષાએ મૉડલ રાજીવ મુલચંદાની સાથેના તેના બ્રેકઅપ માટે ઐશ્વર્યા રાયને જવાબદાર ઠેરવી હતી.
મનીષા અને ઐશ્વર્યા વચ્ચેનો વિવાદ લવ-ટ્રાયેન્ગલને કારણે થયો હતો. મનીષાએ એ સમયના તેના બૉયફ્રેન્ડ રાજીવ પર ઐશ્વર્યા સાથે સીક્રેટ રિલેશનશિપમાં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને ઐશ્વર્યાએ જાહેરમાં નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે આનાથી નિરાશ થઈ છે.
ADVERTISEMENT
એક જૂના ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું, ‘મેં ‘બૉમ્બે’ જોઈ હતી અને મને એમાં મનીષા ખૂબ જ સારી લાગી હતી. હું તેને અભિનંદન આપવા માટે બુકે મોકલવાની યોજના બનાવી રહી હતી. એ સમયે પહેલી એપ્રિલે રાજીવનો ફોન આવ્યો અને મેં તેને મનીષાની ઍક્ટિંગથી હું પ્રભાવિત છું એ જણાવ્યું ત્યારે તેણે હસીને પૂછ્યું કે શું હું ન્યુઝપેપર નથી વાંચતી? તેણે મને જણાવ્યું કે મનીષાએ દાવો કર્યો છે કે તેને રાજીવના મારા માટે લખેલા લવ-લેટર મળ્યા છે. આ વાતથી મને આંચકો લાગ્યો હતો. આ આરોપ પછી હું કલાકો સુધી રડી હતી.’
ઐશ્વર્યાએ કહ્યું કે આ પછી મનીષાએ પોતાનો બચાવ કરતાં કહ્યું કે તેની વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. ઐશ્વર્યાએ ઇન્ટરવ્યુમાં એમ પણ સ્વીકાર્યું કે ભલે તે આ વિવાદમાંથી આગળ વધી ગઈ છે, પરંતુ આનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો હતો.

