અમારી ફૅમિલી ચાર જણની છે અને અમે શૉપિંગ માટે ગયાં હતાં. મારાં બાળકો ખૂબ જ સ્ટાઇલિશ છે અને મારો પતિ કપડાં અને શૂઝમાં તેમની ચૉઇસ પર વિશ્વાસ કરે છે.
શેફાલી શાહ
શેફાલી શાહને તેનાં બાળકોએ બ્રૅન્ડેડ કપડાં પહેરવા કહ્યું છે અને એનો જવાબ તેણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આપ્યો છે. તે હાલમાં તેનાં બાળકો અને પતિ વિપુલ અમૃતલાલ શાહ સાથે શૉપિંગ કરવા માટે ગઈ હતી. આ શૉપિંગ દરમ્યાનનો અનુભવ શેફાલીએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આ વિશે શેફાલીએ લખ્યું હતું કે ‘અમારી ફૅમિલી ચાર જણની છે અને અમે શૉપિંગ માટે ગયાં હતાં. મારાં બાળકો ખૂબ જ સ્ટાઇલિશ છે અને મારો પતિ કપડાં અને શૂઝમાં તેમની ચૉઇસ પર વિશ્વાસ કરે છે. હું ઠહેરી દેસી એથી તેમણે મને રીવૅમ્પ કરવાનું વિચાર્યું. મને શૉપિંગ પસંદ છે પરંતુ એ કમ્ફર્ટેબલ, સરળ અને એવી હોવી જોઈએ જે માટે મારે કિડની ન વેચવી પડે. જોકે તેમણે નક્કી કર્યું કે મારે એવાં કપડાં ખરીદવાં જોઈએ જેને લોકો સરળતાથી ઓળખી શકે. હું બ્રૅન્ડની વિરોધી નથી. સ્કિન કૅર, વૉકિંગ શૂઝ, સ્લિપઑન્સ જે હું દરરોજ ઉપયોગ કરું છું એ વિશે મને ખબર છે. જોકે હું વર્ષમાં એક વાર પહેરું એ વિશે નથી હોતી. લુઇ વિત્તોંની બૅગ લેવાનો શું મતલબ જો તમારી પાસે એમાં મૂકવા માટે પૈસા જ બાકી ન રહ્યા હોય. તમે એમાં રહી નથી શકતા અથવા તો એને ચલાવી પણ નથી શકતા. મારા દીકરાઓએ કહ્યું કે તું ઍક્ટર છે. તને લોકો જુએ છે એથી તારે જાણીતી બ્રૅન્ડ પહેરવી જોઈએ. આ એક એવી વાતચીત છે જેને હું વર્ષો બાદ પણ યાદ રાખીશ અને મારા દિમાગમાં એને સતત ચલાવતી રહીશ. હું જે વાક્ય બોલી એમાં હું વિશ્વાસ કરું છું એવું નથી, પરંતુ મને મારાં બાળકોને ચૂપ કરવાં હતાં અને મારા દર્શકો, મારા ફૅન્સ અને મારા લોકોએ મને સતત એવો એેહસાસ કરાવ્યો છે. મેં તેમના તરફ મારું માથુ ઊંચું કરીને જોયું, એટલા માટે નહીં કે તેમની હાઇટ વધુ છે પરંતુ એટલા માટે કે મને એના પર ગર્વ પણ છે. મેં તેમને કહ્યું કે હું પોતે એક બ્રૅન્ડ છું.’


