થોડા સમય અગાઉ નવાઝુદ્દીને ડિપ્રેશનને અર્બન કન્સેપ્ટ જણાવ્યું હતું
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે નાનાં શહેરોના લોકો જ ખરો પ્રેમ કરે છે. થોડા સમય અગાઉ તેણે ડિપ્રેશનને અર્બન કન્સેપ્ટ જણાવ્યું હતું. તેના મુજબ ગામડાના લોકો ડિપ્રેશનમાં નથી જતા. આ તો શહેરમાં વસતા લોકો પોતાના ઇમોશનનાં ગુણગાન ગાય છે. હવે રિયલ લવ સ્ટોરીઝ વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ‘ખરો પ્રેમ તો નાનાં શહેરોમાં જ થાય છે. મોટાં શહેરોમાં પ્રેમના નામે સમાધાન કરવામાં આવે છે. નાનાં શહેરમાં વસતા લોકો એકબીજાને પોતાના દિલની વાત કહેતાં અચકાતા નથી. તેઓ એકબીજાને જજ પણ નથી કરતા. તેઓ સામેવાળી વ્યક્તિના બૅન્ક-બૅલૅન્સને જોયા વગર તેના પ્રેમમાં પડી જાય છે. નાનાં શહેરોમાં હજી પણ ઇશ્ક અને પ્યાર બચ્યા છે. પ્રેમ કરવો એ સારી વાત છે, પ્રેમમાં પડો, પ્રેમ કરો અને પ્રેમ ફેલાવો. પ્રેમ ખૂબ જરૂરી છે. હું રોમૅન્ટિક વ્યક્તિ છું. મને મારી ફિલ્મો ગમે છે અને લાઇફની અનેક વસ્તુઓ પણ ગમે છે. આપણી લાઇફમાં થોડો પ્રેમ હોવો જરૂરી છે, પરંતુ આજના સમયમાં પ્રેમનો અભાવ છે.’


