કાશ્મીરા ઈરાનીનાં લગ્નના ફોટો શૅર કર્યા નકુલ મહેતાએ, બિગ બીનું વાઇટ મંદિર અને વધુ સમાચાર
શાહિદ કપૂર , કૃતિ સેનોન
શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની શુક્રવારે રિલીઝ થયેલી ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’એ પહેલા વીક-એન્ડમાં ૨૬.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ રોબો અને માણસની લવ સ્ટોરીને દેખાડે છે. અમિત જોશી અને આરાધના શાહે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. તો દિનેશ વિજને એને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસ કરતા ત્રીજા દિવસે બિઝનેસમાં થોડો વધારો નોંધાયો છે. શુક્રવારે ૭.૦૨ કરોડ, શનિવારે ૯.૫૦ કરોડ અને રવિવારે ૧૦ કરોડની સાથે ફિલ્મે ૨૬.૫૨ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. આ ફિલ્મ હવે કેટલો બિઝનેસ કરે એ જોવું રહ્યું. આ શુક્રવારે અન્ય ફિલ્મો રિલીઝ થતાં એના બિઝનેસ પર અસર જરૂર પડશે. જોકે બુધવારે વૅલેન્ટાઇન્સ ડે હોવાથી બિઝનેસમાં વધારો જોવા મળી શકે છે.
બિગ બીનું વાઇટ મંદિર
અમિતાભ બચ્ચને તેમના બંગલો ‘જલસા’ના મંદિરની ઝલક દેખાડી છે. એ મંદિર અને ભગવાનની મૂર્તિઓ વાઇટ માર્બલથી બનેલી છે. એમાં શિવલિંગ પણ જોવા મળી રહ્યું છે. એના ફોટો તેમણે શૅર કર્યા છે. મંદિરની બાજુમાં તુલસી પણ છે. અમિતાભ બચ્ચને બ્લૅક પૅન્ટ અને હુડી પહેર્યાં છે. જળ અને દૂધ ચડાવતા ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું કે ‘આસ્થા. દૂધ અર્પણ શિવજી પે ઔર જલ અર્પણ તુલસી પે.’
જબ વી મેટ
ADVERTISEMENT
‘કુંડલી ભાગ્ય’માં જોવા મળેલાં શ્રદ્ધા આર્ય અને ધીરજ ધૂપર હાલમાં જ એક ઇવેન્ટમાં ભેગા થયાં હતાં. આ શોમાં ડૉક્ટર પ્રીતાના રોલમાં શ્રદ્ધા જોવા મળી રહી છે અને કરણ લુથરાના રોલમાં ધીરજ જોવા મળ્યો હતો. હવે કરણનો રોલ શક્તિ આનંદ કરી રહ્યો છે. શ્રદ્ધા અને ધીરજ ઘણા સમય બાદ મળ્યાં હતાં. તેમણે અનેક કૅન્ડિડ ફોટો ક્લિક કર્યા હતા. શ્રદ્ધાએ પિન્ક સાડી પહેરી હતી તો ધીરજ બ્લૅક આઉટફિટમાં દેખાયો હતો. તેણે સિલ્વર કલરનાં શૂઝ પહેર્યાં હતાં. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી, જબ વી મેટ.
કાશ્મીરા ઈરાનીનાં લગ્નના ફોટો શૅર કર્યા નકુલ મહેતાએ
‘અંબર ધારા’માં જોવા મળેલી કાશ્મીરા ઈરાનીએ તેના બૉયફ્રેન્ડ અક્ષત સક્સેના સાથે લગ્ન કરી લીધાં છે. કાશ્મીરાએ ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘ભારત’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવી છે. તે છેલ્લે ‘શૂરવીર’માં સારાના પાત્રમાં જોવા મળી હતી. તેણે રણથંભોરમાં લગ્ન કર્યાં હતાં, જેમાં ફૅમિલી સાથે ફ્રેન્ડ્સે પણ હાજરી આપી હતી. આ ફ્રેન્ડ્સમાં નકુલ મહેતા પણ હાજર હતો. નકુલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનાં લગ્નના ફોટો શૅર કર્યા હતા. અક્ષત દિલ્હીમાં રહે છે અને કાશ્મીરા મુંબઈમાં. કાશ્મીરાની બહેને તેની ઓળખાણ અક્ષત સાથે કરાવી હતી. તેની બહેનનો ફ્રેન્ડનો ફ્રેન્ડ છે અક્ષત.