ફિલ્મ જોયા બાદ ટાઇગરનો આ ડાયલૉગ ડિરેક્ટર અને રાઇટરને પૂછવાની ઇચ્છા જરૂર થશે કે કેમ આવી ફિલ્મ બનાવી? : ટાઇગરની ઍક્શન, નવાઝુદ્દીનની ઍક્ટિંગ કે પછી તારાનું ગ્લૅમર કંઈ જ આ ફિલ્મને બચાવી શકે એમ નથી
છોટી બચ્ચી હો ક્યા?
હીરોપંતી 2
કાસ્ટ : ટાઇગર શ્રોફ, તારા સુતરિયા, નવાઝુદ્દીન સિદ્દીકી, અમ્રિતા સિંહ
ડિરેક્ટર : અહમદ ખાન
ADVERTISEMENT
ટાઇગર શ્રોફની ફિલ્મ એટલે જોરદાર ઍક્શન અને અદ્ભુત ડાન્સ નજર સમક્ષ આવે છે. ડાન્સ અને ઍક્શનમાં તેણે ખરેખર મહારત હાંસલ કરી છે. તેણે ૨૦૧૪ની ૨૩ મેએ ‘હીરોપંતી’ દ્વારા ક્રિતી સૅનન સાથે કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી હતી. આઠ વર્ષ બાદ હવે એની સીક્વલ ‘હીરોપંતી 2’ આવી છે જેને પણ સાજિદે જ પ્રોડ્યુસ કરી છે, પરંતુ ડિરેક્ટ અહમદ ખાને કરી છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનનની જગ્યાએ તારા સુતરિયાને લેવામાં આવી છે
સ્ટોરી ટાઇમ
બબલુ એટલે કે ટાઇગર શ્રોફ વિદેશમાં રહેતો હોય છે. તે ત્યાં આરજેના નામથી તેની મમ્મી અમ્રિતા સિંહ સાથે રહેતો હોય છે. અચાનક એક દિવસ તેને યંગ ઑન્ટ્રપ્રનર ઇનાયા એટલે કે તારા સુતરિયા મળે છે. તારા તેને
બબલુના નામથી બોલાવે છે અને તે
સતત તેનો વિરોધ કરતો રહે છે કે તે બબલુ નહીં પરંતુ આરજે છે એટલું જ નહીં, ઇનાયા ઑફિસમાં તેનાં કપડાં પણ કઢાવી નાખે છે. જોકે ત્યાર બાદ આરજેની અસલિયત બહાર આવે છે કે તે બબલુ છે. બબલુ એક હૅકર હોય છે. તે હૅકિંગમાં માહેર બબલુ ઇનાયાના ભાઈ લૈલા એટલે કે નવાઝુદ્દીન સિદ્દીકીને મદદ કરતો હોય છે. લૈલા એક પાગલ જાદુગર હોય છે. પાગલ કહેવો કે સાઇકો એ એક સવાલ છે. લૈલા ૩૧ માર્ચે ઇન્ડિયાની તમામ બૅન્કનાં અકાઉન્ટ હૅક કરીને સામાન્ય માણસના પૈસા પડાવી લેવા માગતો હોય છે. લૈલાનું માનવું હોય છે કે ફાઇનૅન્શિયલ યર એ દિવસે પૂરું થતાં બૅન્કમાં ખૂબ જ પૈસા હોય છે. જોકે આ તમામ બાબતની વચ્ચે બબલુમાં એક સરકારી એજન્ટ દેશભક્તિ જગાડે છે. દેશભક્તિનો તડકો આજકાલ ઍક્શન ફિલ્મો માટે ખૂબ જ જરૂરી જેવો બની ગયો છે. અહમદભાઈને પણ લાગ્યું હશે કે તો પછી આપણે પણ એમાં કેમ પાછળ પડવું. જોકે ત્યાર બાદ બબલુમાં ફરી લાલચ આવે છે અને સામાન્ય વ્યક્તિને જોઈને તેનામાં દયાભાવ જાગે છે અને એથી જ ફરી દેશભક્તિ જાગે છે. આ વાંચવામાં કે સાંભળવામાં જેટલું અળવીતરું લાગે છે, ફિલ્મ પણ એટલી જ માથાભારે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સાજિદ નડિયાદવાલાના સ્ટોરી આઇડિયાને રજત અરોરાએ સ્ક્રીનપ્લે પર ઉતાર્યો છે. જોકે પાત્રને કેવી રીતે રજૂ કરવાં તેમ જ સ્ટોરીના પ્લૉટને કેવી રીતે ટ્વિસ્ટ અને ટર્ન આપવા એ રજત અરોરા ચૂકી ગયા હોય એવું લાગે છે. આ ફિલ્મને અહમદ ખાને ડિરેક્ટ કરી છે અને તેમણે મને મારી કૉલેજના દિવસો યાદ કરાવી દીધા છે. તેમનું ડિરેક્શન એટલું જોરદાર છે કે એ દિવસોને યાદ કર્યા વગર મારી પાસે કોઈ છૂટકો નહોતો. માસ કમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં એક ફિલ્મ બનાવવાની આવે છે. પહેલી વાર જ્યારે ફિલ્મ બનાવવામાં આવે ત્યારે જે-જે દૃશ્યો સારાં લાગે એને મૂકી દેવામાં આવે છે. જોકે એ પોતે શૂટ, ડિરેક્શન કર્યું હોવાથી દૃશ્યો સારાં જ છે એવું હોય છે અને એથી સ્ક્રીનપ્લેની ઐસી કી તૈસી થઈ ગઈ હોય છે. ઉદાહરણ તરીકે વરુણ ધવન અને અર્જુન કપૂરની પણ સ્ટુડન્ટ્સ તરીકેની પહેલી ફિલ્મને જોઈ શકાય છે. આ ઉદાહરણ આપવામાં કારણ એટલું જ હતું કે ‘હીરોપંતી 2’માં સારો ડાન્સ, ગ્લૅમરસ વૉક અને સારી ઍક્શન મૂકીને એને રેન્ડર કરીને ડિસ્ટ્રિબ્યુટર્સને આપી દેવામાં આવી હોય એવું લાગે છે. જોકે આ ફિલ્મમાં સારી ઍક્શન કહેવી પણ ખોટું છે. રોહિત શેટ્ટીની ફિલ્મોમાં પણ લૉજિક નથી હોતું, પરંતુ થોડીઘણી સ્ટોરી અને દિલધડક ઍક્શન જરૂર હોય છે. અહીં તો સ્ટોરીના નામે મીંડું અને ઍક્શન પણ ઠીકઠાક છે. ફિલ્મમાં પાર્કિંગ લૉટમાં એક કાર સાથેનું ઍક્શન દૃશ્ય છે. આ દૃશ્યમાં ટાઇગર પાસે કોઈ વાહન નથી હોતું, પરંતુ વિલનના માણસો લક્ઝુરિયસ કાર લઈને તેની સાથે ફાઇટ કરે છે. આ ફાઇટના દૃશ્યમાં કારનું શું કામ એ સમજમાં નથી આવતું. જો બિગ બજેટ ફિલ્મ હોય એ જ દેખાડવું હોય તો કાર ચેઝનું દૃશ્ય મૂકી શકાયું હોત. જોકે એમાં પણ ઘણી મહેનત કરવી પડે છે અને આ ફિલ્મમાં દરેક ડિપાર્ટમેન્ટમાં વેઠ ઉતારવામાં આવી છે. ટાઇગરની બબલુની ઓળખ જ્યારે છતી થઈ જાય છે ત્યારે તે જોર-જોરથી સાઇકલ ચલાવતો જોવા મળે છે. જોકે આ માટે પણ બૉડી-ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ ટાઇગર ચલાવી રહ્યો છે એવું દેખાડવા માટે સુપરઝૂમ શૉટ લેવામાં આવ્યા છે અને એમાં વીએફએક્સ દેખાઈ આવે છે. હવે સાઇકલ ચલાવવા જેવા દૃશ્ય માટે પણ બૉડી-ડબલનો ઉપયોગ કરવામાં આવે એ ખૂબ જ શરમજનક વાત છે. તેમ જ ટાઇગરની બાકી ફિલ્મોની ઍક્શન આ ફિલ્મ કરતાં સો દરજ્જે સારી છે. ઍક્શન માટે પણ આ ફિલ્મ જોવા જઈ શકાય એવું નથી. તેમ જ ક્લાઇમૅક્સની વાત જ ન કરીએ એટલું વધુ સારું છે.
પર્ફોર્મન્સ
ટાઇગર શ્રોફની ઍક્શન પણ આ ફિલ્મને બચાવી શકે એમ નથી. એવું નથી કે ટાઇગરે મહેનત નથી કરી, પરંતુ આ ફિલ્મ તેની મહેનતને લાયક પણ નથી. તે જ્યારે આરજે તરીકે અન્ય વ્યક્તિની લાઇફ જીવતો હોય છે ત્યારે માસૂમ હોવાનો ડોળ કરે છે અને એ સમયે તે ‘કોઈ... મિલ ગયા’ના રોહિત જેવી ઍક્ટિંગ કરતો હોય એવું લાગે છે. તેમ જ ફિલ્મમાં અંતમાં તેનો લુક ‘વૉર’ના ‘ઘૂંઘરૂ ટુટ ગએ’ના હૃતિક રોશન જેવો આપવામાં આવ્યો છે. ટાઇગર માટે તેની સૌથી મોટી પ્રેરણા હૃતિક છે અને એથી જ આ રીતે દેખાડવામાં આવ્યું છે કે કેમ એ સવાલ છે. તેમ જ તેમની ફિલ્મનો રેફરન્સ પણ તારા સુતરિયા દ્વારા અહીં આપવામાં આવે છે. તારાનું કામ અહીં શું હતું એ જાણવું ફિલ્મને જોવા જેટલું જ અસંભવ છે. તેણે ફિલ્મમાં ગ્લૅમર દેખાડવામાં કોઈ કસર નથી છોડી, પરંતુ માત્ર એ શું કામનું? તે અજીબ ભાષામાં વાત કરે છે. અજીબ વર્તન કરે છે. તે એક ઑન્ટ્રપ્રનર હોય છે, પરંતુ તેને વિચિત્ર દેખાડવામાં આવી છે. અમ્રિતા સિંહને લિમિટેડ ટાઇમ આપવામાં આવ્યો છે, પરંતુ તેણે તેનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. તેમ જ આખી ફિલ્મમાં ફ્ક્ત તેની બૅક સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. નવાઝભાઈએ આ ફિલ્મમાં લૈલાનું પાત્ર ભજવ્યું છે જે લિપ્સ્ટિક, નેઇલ-પૉલિશ અને મેકઅપ કરતો હોય છે. નવાઝુદ્દદીનનું કૅરેક્ટર ગે છે એવું અહીં જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ ડાયલૉગ દ્વારા એ સાબિત થઈ જાય છે. લૈલા બોલે છે કે બહન કે સાથ ભી ઔર ભાઈ કે સાથ ભી. આ પરથી એવું લાગે છે કે તે ગે હોય. જોકે તેના પાત્રને ખૂબ જ ગંદી રીતે દેખાડવામાં આવ્યું છે. શરૂઆતમાં લૈલાને જોઈને લાગે છે કે તે ઓવરઍક્ટિંગ કરે છે. તેની સાથે ઍડ્જસ્ટ થતાં થોડી વાર લાગે છે, પરંતુ કનેક્ટ જરા પણ નથી થવાતું. જોકે પહેલી વાર એવું થયું હશે કે તેને વિલન તરીકે જોવો પસંદ નહીં પડ્યો હોય.
મ્યુઝિક
‘હીરોપંતી 2’નું મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે. તેમના મ્યુઝિકને શું થયું છે એ એક સવાલ છે. એક પણ ગીત યાદ રહે એવું નથી તેમ જ એ ફિલ્મની સ્ટોરી લાઇન સાથે પણ યોગ્ય રીતે સિન્ક નથી થતાં. તેમ જ બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ દમ નથી.
આખરી સલામ
બૉલીવુડ માટે આ ખૂબ જ મહત્ત્વનો સમય છે જ્યારે તેઓ ફિલ્મ શું છે એ સમજે. સાઉથની ફિલ્મો તેમને ખૂબ જ જોરદાર ટક્કર આપી રહી છે અને આ અઠવાડિયે સાઉથની કોઈ ફિલ્મ ન હોવાથી આ ફિલ્મોને ફાયદો થાય તો નવાઈ નહીં. જોકે ઓપનિંગ વીક-એન્ડ બાદ રૉકીભાઈને જરૂર ફાયદો થશે, કારણ કે ત્રણ દિવસની અંદર ફૅન્સ ફિલ્મ જોઈ લેશે પરંતુ ત્યાર બાદ ડાઉટ છે કે અન્ય લોકો આ ફિલ્મ જોવા જશે.


